Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૨ ભાજપ હોય કે કોંગ્રેસ મત તો ફક્ત ‘વિકાસ’ને આપીશું: વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશનAumiya

વોર્ડ નંબર ૧૨માં પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ છે. અહીં પણ આશરે ૩૫% ઉપરના મતદારો પાટીદાર સમાજના છે. ત્યારે વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશનના યુવાનોએ કહ્યું હતું કે, વોર્ડ નંબર ૧૨માં છેલ્લા દસ વર્ષમાં તો પ્રજાલક્ષી કાર્યો થયા છે. પણ છેલ્લા પાંચ વર્ષમાં શું કાર્યો થયા તેનો હિસાબ મળતો નથી. વોર્ડને અવાર નવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે જે ભાજપના પ્રતિનિધિઓ સમયે પણ હતી અને આજે કોંગ્રેસના પ્રતિનિધિઓ સમયે પણ યથાવત છે. વોર્ડની વસ્તીને ધ્યાને રાખીને કોમ્યુનિટી હોલ, બાળકો માટે ક્રીડાંગણ, બાગ-બગીચાની વ્યવસ્થા હોવી જોઈએ જે પણ હજુ સુધી મળી નથી અને જે સવલતો મળી છે તેની જાળવણી પણ યોગ્ય રીતે થઈ નથી. અમે એવું નથી કહેતા કોંગ્રેસના પ્રતિનિધીઓએ કામો નથી કર્યા, તેમણે ચોક્કસ કાર્યો કર્યા છે પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે તે બાબતમાં પણ હજી શંકાને સ્થાન નથી. પાટીદાર સમાજ એવું ઈચ્છે છે કે, નગરસેવક કોઈ પણ હોય, કોઈ પણ પક્ષ સાથે હોય તેનાથી ફરક નથી પડતો પણ પ્રજાલક્ષી કાર્યો કરતો હોવો જોઈએ. પ્રજાને નાની નાની બાબતોએ ધક્કા ખાવા પડે તેવા કોર્પોરેટરની અમારે કોઈ જરૂરિયાત નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરોએ જે વિસ્તારોમાં પાકા રોડ રસ્તા ન હતા ત્યાં રોડ રસ્તા આપ્યા,

પેવિંગ બ્લોકના કામ કર્યા, મેટલિંગ પણ કરાવ્યું હવે ફક્ત એક પાણીની સમસ્યા દૂર થઈ જાય તો વોર્ડ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે તેવું કહી શકાય. તેમણે કહ્યું હતું કે, નગરસેવક એવો હોવો જોઈએ કે, જે સતત લોકો માટે ઉપલબ્ધ હોય. જેના કાર્યાલય ખાતે જઈને લોકો હસતા મુખે પરત ફરે. પ્રજાની સમસ્યાને પોતાની સમસ્યા સમજીને તાત્કાલિક નિર્ણય લઈને દૂર કરી શકે તેવો આદર્શ કોર્પોરેટર અમે ઇચ્છીએ છીએ. વોર્ડ નંબર ૧૨માં વિજયભાઈ વાંક દ્વારા ખૂબ સારા પ્રયત્નો કરવામાં આવ્યા છે જે બિરદાવવા લાયક છે. ઉપરાંત તેમની સાથેની પેનલમાં રહેલા સંજયભાઈ અજુડિયા પાટીદાર સમાજના આગેવાન છે જેમણે પણ ખૂબ સારા કાર્યો કર્યા છે તેમાં પણ શંકાને સ્થાન નથી.

પાંચ વર્ષ પહેલાની અને હાલની સમીક્ષા માત્રથી અંદાજ મેળવી શકાય કે કેટલો વિકાસ થયો: સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ

Asardar Patel

વોર્ડ ૧૨ના સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના આગેવાનોએ કહ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં તો શું કામ થયા તે અંગે અમે કશું જાણતા નથી પણ હા છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ કામો થયા છે. કોંગ્રેસના નગરસેવકોએ અનેક કામો કર્યા છે. વર્ષો જૂની પાણીની સમસ્યાને દૂર કરવા માટે કાંગશીયાળી ખાતે નવો સંપ ઉભો કરી

દેવામાં આવ્યો છે જેથી પાણીની સમસ્યા દૂર થશે. હવે સ્વચ્છતા અભિયાનનો જે નારો વડાપ્રધાને આપ્યો હતો તે ખરા અર્થમાં કોંગ્રેસના નગરસેવકોએ સાર્થક કર્યું છે. હવે સમયસર સાફ સફાઈ કરવામાં આવે છે અને ટીપર વાન પણ કચરો એકત્રિત કરવા સમયસર આવે છે. તે ઉપરાંત વોર્ડની સરકારી શાળાની પાંચ વર્ષ અગાઉની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિની ફક્ત તુલના માત્રથી ખ્યાલ આવી જાય કે કેટલાં કામો થયાં છે અને કેટલા કામો થયા નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ખૂબ સારી રીતે કાર્યરત છે. જો કે, હજુ પણ કોમ્યુનીટી હોલ, બાગ-બગીચા, બાળ ક્રિડાંગણ સહિતની સવલતો મળી નથી પણ ટૂંક સમય બાદ તે સવલતો પણ મળી રહેશે તેવો અમને ભરોસો છે. વોર્ડમાં જે કાર્યો થયા તે ફક્ત કોંગ્રેસના નગરસેવકોના પ્રયત્ન થકી જ થયા છે તે સિવાય કોઈ વિકાસના કાર્યો થયા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગત ટર્મમાં જેવા નગરસેવકો અમને મળ્યા છે તેવા જ નગરસેવકો અમે ફરીવાર ઇચ્છીએ છીએ. વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા અને ઉર્વશીબા જાડેજાને જ અમે ફરીવાર ચૂંટીને મનપા સુધી પહોંચાડવા માંગીએ છીએ તેમાં શંકાને સ્થાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.