રાજકોટ રંગાયું રામના રંગે: ઠેર ઠેર ઉજવણી

૫૦૦ વર્ષ બાદ અયોધ્યા નગરીમાં ઐતિહાસિક અવસર આવ્યો છે. દેશભરમાં દિવાળી કરતો પણ મોટો ઉત્સવ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં પણ રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રામ જન્મભૂમિ ખાતે શિલાન્યાસને લઈને વિવિધ આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે. મંદિરોમાં પૂજા-અર્ચના-શણગાર અને દિપમાલાના આયોજન થયા છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે. લોક માનસના મનમાં ભગવાન શ્રીરામનું નામ ગુંજી રહ્યું છે. ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનવા રાજકોટને અનેરો થનગનાટ છે. રાજકોટમાં વિવિધ સંસ્થાઓએ આયોજનો હાથ ધર્યા છે. ભગવાન શ્રી રામના મંદિરના ભૂમિપૂજન પ્રસંગે રાજકોટવાસીઓમાં અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર હિન્દુ ધર્મ માટે રૂડો અવસર: મયુરધ્વજસિંહ જાડેજા (JMJ ગ્રુપ)

જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજાએ કહ્યું હતું કે સનાતન હિન્દૂ ધર્મ માટે આ અવસર ખૂબ રૂડો અવસર છે કેમકે જે રીતે છેલ્લા ૪૯૨ વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે અંતે તેનો સુખદ અંત આવ્યો છે અને રામ લલ્લા આજે વનવાસ કાપીને ઘર વાપસી કરી રહ્યા છે. આ પ્રસંગ સમગ્ર ભારતવર્ષ માટે એક તહેવારનો પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે ઘણી સરકારો આવી અને ઘણી સરકારો જતી પણ રહી પરંતુ કોઈ નિવેડો આવ્યો ન હતો પરંતુ અંતે કેન્દ્ર સરકારે અથાક પ્રયત્નો કરીને આ મામલાનો સુખદ અંત લાવ્યો છે. આજે અયોધ્યમાં જે ભવ્ય રામ મંદિર બનવા જઇ રહ્યું છે તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે કહ્યું હતું કે હું એક ક્ષત્રિય છું અને જ્યારે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામની ઘરવાપશી થતી હોય ત્યારે આ પ્રસંગ ખૂબ જ ગૌરવ અપાવે તેવો છે. ભારતની સંસ્કૃતિ પર

અનેકવિધ હુમલાઓ થયા છે પરંતુ હજારો વર્ષથી હિન્દૂ ધર્મ ટકી રહેલું છે જે સૂચવે છે કે આ ધર્મની નિવ કેટલી મજબૂત છે. અને જે રીતે બે ધર્મ વચ્ચે આ મામલો ગૂંચવાયો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે જે ધર્મના પક્ષમાં નિર્ણય આવશે તેની સામેનો ધર્મ તે નિર્ણયને સ્વીકારશે નહીં પરંતુ વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરી તમામ ધર્મ – જાતિના લોકોએ આ નિર્ણયને ઉત્સાહભેર વધાવ્યો છે જે અભૂતપૂર્વ છે. અંતે તેમણે કહ્યું હતું કે આ ક્ષણ હિન્દૂ ધર્મ માટે અવિસ્મરણીય બની જશે. ભવિષ્યમાં આ ક્ષણનું ઉદાહરણ આપવામાં આવશે અને આ નિર્ણય હિન્દૂ ધર્મની ઓળખ બની જશે તેવું મને લાગી રહ્યું છે.

રામમંદિર હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા સજજ: ઘનશ્યામભાઈ હેરભા

કરોડો હિન્દુઓનાં આસ્થાના પ્રતિક સમાન આજે જયારે રામમંદિર શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે રામમંદિર નિર્માણ હિન્દુ સંસ્કૃતીને ઉજાગર કરવા સજજ થયું છે. અયોધ્યા હિન્દુ લોકોનાં આસ્થાનાં પ્રતિકરૂપ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપર અનેક વિધ આક્રમણો થયા છે. તેમ છતા આસ્થાનાં કારણે સંસ્કૃતિ ટકેલી રહી છે. અયોધ્યા રામ જન્મભૂમિ ઘણા વર્ષોથી વિવાદોમાં ઘેરાયેલી હતી. ત્યારે હવે જે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો છે તે હિન્દુ સંસ્કૃતિની જીત છે. આજે જયારે દિવ્ય વાતાવરણ અયોધ્યા ખાતે જોવા મળી રહ્યું છે. તેનાથી માત્ર ભારતમાં વસ્તા જ હિન્દુઓ નહિ પરંતુ વિશ્ર્વભરનાં હિન્દુઓ માટે આજનો દિવસ યાદગાર બની રહેશે અને જેનો આનંદ અનેરો છે.

Loading...