રાજકોટ મનપાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન: ૧૮ વોર્ડની મતદાર યાદી પ્રસિદ્ધ

શહેરના વોર્ડ નંબર-૩માં સૌથી વધુ ૭૬૯૪૧ મતદારો અને સૌથી ઓછા વોર્ડ નંબર-૫માં ૪૮૫૭૬ મતદાર તમામ ૧૮ વોર્ડની ઓફિસ અને સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત ચૂંટણી શાખામાં મતદાર યાદી જોઇ શકાશે

૨૦ નવેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવેલી પ્રાથમિક મતદાર યાદીની સરખામણીએ ૩૯૨૫ મતદારો વધ્યા

રાજકોટ મહાનગરપાલિકાની નવમી સામાન્ય ચૂંટણી માટે કમુરતા ઉતરતાની સાથે જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. દરમિયાન આજે ચૂંટણી શાખા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડ માટે ફોટાવાળી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. શહેરમાં ૧૦ લાખ ૬૮ હજાર ૫૦૭ મતદારો હોવાનું જાહેર કરાયું છે. નાગરિકો ૧૮ વોર્ડની કચેરી અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત ચૂંટણી શાખામાં મતદાર યાદી જોઈ શકશે. ઉમેદવારી ફોર્મ ભરવાના દસ દિવસ અગાઉ મતદારયાદીમાં નામ ઉમેરો કરી શકાશે અથવા કમી પણ કરાવી શકાય છે.

મહાપાલિકાની ચૂંટણી શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ આજે સવારે કોર્પોરેશન દ્વારા વિધાનસભાની મતદાર યાદી પરથી શહેરના ૧૮ વોર્ડની ફોટાવાળી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.શહેરમાં કુલ ૧૦ લાખ ૬૮ હજાર ૫૦૭ મતદારો છે.જેમાં ૫,૫૩,૭૭૧ પુરુષ મતદારો, ૫,૧૪,૭૧૮ સ્ત્રી મતદારો અને ૧૮  ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. શહેરમાં સૌથી વધુ મતદારો વોર્ડ નંબર-૩માં ૭૬૯૪૧ છે.જ્યારે સૌથી ઓછા મતદાર વોડ નંબર-૫ માં ૪૮૫૭૬ છે. ગત ૨૦મી નવેમ્બરના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં ૧૦,૬૪,૫૮૨ મતદારો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્યભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મતદારોની સંખ્યામાં ૩૯૨૫નો વધારો થવા પામ્યો છે.

ઉમેદવારી ફોર્મ ભરવાના દસ દિવસ અગાઉ કોઈ પણ વ્યક્તિ મતદાર યાદીમાં નામ ઉમેરી શકશે. અથવા કમી પણ કરાવી શકાશે. હાલ શહેરના તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતે અને ઢેબર રોડ સ્થિત કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના ત્રીજા માળે આવેલા ચૂંટણી શાખાના રૂમ ખાતે મતદારયાદી નાગરિકો નિહાળી શકશે જો કોઈ વ્યક્તિનું નામ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની મતદાર યાદીમાં હોય અને કોર્પોરેશનની મતદાર યાદીના હોય તો તે તેની સામે વાંધો કે સૂચન રજૂ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમુરતા ઉતરતાની સાથે જ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. મતદાન બુથ પણ ૧૦૦૦થી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ કોરોનાનું સંક્રમણ ચાલુ હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અનેક તકેદારી રાખવી પડશે અને કોરોનાની મોટાભાગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

Loading...