Abtak Media Google News

પાંજરાપોળનો દૈનિક નિભાવ ખર્ચ રૂ. દોઢ લાખ, મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર પાંજરાપોળને અનુદાન આપી જીવદયાના કાર્યમાં સહભાગી બનવા જાહેર અપીલ

કરુણા અભિયાન અંતર્ગત તા.ર૦ સુધી પાંજરાપોળમાં પશુ-પક્ષીની સારવાર માટે કંટ્રોલ રૂમ કાર્યરત: ટ્રસ્ટીઓ ‘અબતક’ના આંગણે

ઇ.સ. ૧૮૯૬ માં શરુ થયેલ ગુજરાતમાં સૌથી જુની અને સૌથી મોટી એટલે કે ૧રર વર્ષથી જીવદયા પ્રવૃતિ માટે કાર્યરત રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ પોતાના આ સેવાકીય કાર્યથી અત્યાર સુધીમાં લાખો જીવોને અકાળે મૃત્યુના મુખમાંથી બચાવી નવજીવન આપી રહેલ છે. આ મહાજનશ્રીની પાંજરાપોળમાં બિલાડીના બચ્ચાથી લઇ હાથી જેવા મહાકાય પ્રાણીઓને અભયદાન આપવામાં નીમીત બની છે. ચકલી, કબૂતર, પોપટ, મોર, બગલા સુધીના પક્ષીઓ ઘાયલ થઇને આવતા સારસંભાળ લઇ નવજીવન આપવામાં આવે છે. હાલમાં પ૦૦૦ જેટલા પશુ-પક્ષીઓને સાચવવામાં આવે છે. પાંજરાપોળનો દૈનિક ખર્ચ આશરે રૂ. ૧.૫ લાખનો છે. ત્યારે ઉતરાયણ પર્વ નિમિતે દાતાઓને અનુદાન આપવાની અપીલ કરવા જીવદયા પ્રેમીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મહાજનશ્રીની પાંજરાપોળમાં સમાજના શ્રેષ્ઠીઓ દુર્લભજીભાઇ વિરાણી, એમ.ડી. મહેતા, કેશુભાઇ પારેખ, નગીનભાઇ વિરાણી, હરસુખભાઇ તંબોલી, મહેન્દ્રભાઇ મહેતા, જીવદયાના ભીષ્મ પિતામહ એવા જયંતિભાઇ શાહ, પ્રવીણભાઇ પુંજાણીએ આ પાંજરાપોળ માટે દિવસ રાત જોયા વગર નીરંતર જીવદયાનું કાર્ય કરી સમાજમાં મહાજનનું નામ ટોચે મુકયું છે. જેમ જેમ આ પ્રવૃતિનું વ્યાપ વધતો ગયો તેમ તેમ તેનું કાર્યક્ષેત્ર વધતું ગયું અને મહાજનની ગરીમા છાજે અને મહાજનના દ્વારે આવેલ કોઇપણ અબોલ જીવ પશુ-પક્ષીને અપનાવી જીવનદાન આપી કાર્ય કરી રહેલા સમાજ જીવનના અગ્રણી સુમનભાઇ કામદાર તથા માર્ગદર્શન હેઠળ હાલમાં જ નવનિયુકત થયેલ જૈન સમાજના અગ્રણી ઉઘોગપતિ ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ બાટવીયા, પ્રશાંતભાઇ વોરા, જૈન પંકજભાઇ કોઠારી, જીતુભાઇ વસા, અરુણભાઇ દોશી કાર્ય સંભાળી રહેલ છે. આ ઉપરાંત જીવદયાપ્રેમી હરીશભાઇ શાહ, યોગેશભાઇ શાહ, કાર્તિકભાઇ દોશી, સંજયભાઇ મહેતા, દિનેશભાઇ વોરા, તુષારભાઇ મહેતા, દોલતસિંહ ચૌહાણ, હેમલભાઇ કપાસી, રાજુભાઇ મોદી, નિરવભાઇ સંઘવી, બકુલભાઇ ‚પાણી સહીતના જીવદયાપ્રેમીઓ આ પ્રવૃતિમાં સહકાર આપી રહ્યા છે.

જૈન અગ્રણી અને જાણીતા એડવોકેટ અનીલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ તથા જીગ્નેશભાઇ શાહ કાયદાકીય માર્ગદર્શનની માનદસેવા સંસ્થાને આપી રહ્યા છે.

ગુજરાત સરકારના ક‚ણા અભિયાન અંતર્ગત તા.૧૦ જાન્યુ. થી ર૦ જાન્યુ. સુધી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે એક ક્ધટ્રોલ રુમ ખોલવામાં આવેલ છે. જેમા પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓની સારવાર ડોકટરની ટીમ સાથે કરવામાં આવે છે. તો જાહેર જનતાએ ફોન નં. ૨૪૫૭૦૧૯, ૨૪૫૮૯૭૬ પર સંપર્ક કરવો.

સેવા દ્વારા સારવાર આપવાનો અને નિભાવ કરવાનો અવીરત યજ્ઞ ઉદાર દીલદાતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. આવા નેક-અનુકંપા અને ઇશ્ર્વરીય કાર્ય કરવા સમગ્ર ગુજરાતમાં શીર મોર સમી આ સંસ્થાનું દૈનિક સારવાર અને ઘાસચારાનું અંદાજીત ખર્ચ રૂ. ૧.૩૦ લાખ થાય છે. સૌરાષ્ટ્રના સુખી સંપન્ન દાતાઓને અપીલ કરવામાં આવે છે કે દાનધર્મ તહેવારો ઉ૫ર કે આપના જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય કે કોઇ મૃત્યુના પ્રસંગ નીમીતે આપ સૌ આ અબોલ જીવોને જીવનદાન આપવા ફૂલ નૈ તો ફૂલની પાખડી રુપે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળને આપનું શ્રીદાન આપવા વિનંતી.

હિન્દુ સંસ્કૃતિ મુજબ દાન આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે મકરસંક્રાંત શાસ્ત્રોમાં લખ્યું છે. કે આવા પવિત્ર દિવસે દાન પુણ્ય કરવાથી અને અબોલ જીવોને અભયદાન આપવાથી મનુષ્ય જીવન સાર્થક બને છે. ત્યારે શહેરીજનોને ઉદાર દીલે અનુદાન આપી સેવાકાર્યમાં સહભાગી બનાવ અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.