Abtak Media Google News

ઈ-નિવારણ, સીપી ગ્રામ અને લેખિત ફરિયાદ મળી કુલ ૪૧૯ કેસોની સામે ૩૭૭ કેસોનું નિવારણ માત્ર ૧૫ દિવસમાં જ કરાયું

ભુલ સુધારણા, અપીલ ઇફેક્ટસ, ખોટી ડિમાન્ડ સહિતની ફરિયાદો ઉઠવા પામી

રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા અનેકવિધ કામગીરી કરદાતાઓના હિત માટે કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા વિવાદ સે વિશ્ર્વાસ યોજના થકી કરદાતાઓના બાકી રહેલા નાણા તેઓને નિયત સમયમાં મળી રહે તે માટેની પણ કામ ગીરી હાથ ધરવામાં આવી છે. વૈશ્ર્વિક મહામારી લોકડાઉન પૂર્વે સીબીડીટીએ વિવાદ સે વિશ્ર્વાસ યોજના માટે ૩૦ જૂનનો સમય નિર્ધારીત કર્યો હતો. પરંતુ લોકડાઉન લંબાતા સીબીડીટી દ્વારા આ સમયગાળો ૩૧ ડિસેમ્બર સુધી નિર્ધારીત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા ૧લી જૂન ૨૦૨૦થી ૧૫ જૂન ૨૦૨૦ સુધી ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ રેન્જને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ફરિયાદ નિવારણ પખવાડિયા માટેની જે ફરિયાદો આવેલી છે તેમાં મુખ્ય ૩ વિભાગો જેવા કે, ઈ-નિવારણ, સીપી ગ્રામ અને લેખિત ફરિયાદો એમ કુલ મળી ૪૧૯ ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદોને નિવારવા માટે રાજકોટ આવકવેરા વિભાગે સરાહનીય કામગીરી કરી ૧૫ દિવસના સમયગાળામાં ૩૭૭ અરજીઓ એટલે કે, ફરિયાદોનો નિવારણ કર્યું છે અને લોકો કરદાતાઓને યોગ્ય ન્યાય પણ અપાવ્યો છે.

ઈ-નિવારણ હેઠળ ટીડીએસમાં મેચ ન થયેલી ખોટી ડિમાન્ડ, અપીલ ઓર્ડર બાદ આપવામાં ન આવેલી અપીલ ઈફેકટ તથા ભુલ સુધારણા જેવી ફરિયાદોનો મારો ઈ-નિવારણમાં સૌથી વધુ જોવા મળ્યો હતો. જેમાં પીસીઆઈટી-૧ રાજકોટમાં કુલ ફરિયાદનો આંકડો ૧૬૮, પીસીઆઈટી-૩ રાજકોટમાં ફરિયાદનો આંકડો ૧૫૮ અને પીસીઆઈટી જામનગરમાં ૧૪ ફરિયાદો એમ કુલ મળી ૩૪૦ ફરિયાદ સામે આવી હતી. જેમાં આવકવેરા વિભાગે ૩૦૭ ફરિયાદોનું નિવારણ ૧૫ દિવસમાં કરેલું છે. હાલ ૩૩ ઈ-નિવારણ ફરિયાદો પડતર છે જે આવનારા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

ફરિયાદ નિવારણ પખવાડિયામાં સીપી ગ્રામ હેઠળ જે ફરિયાદો કરવામાં આવતી હોય તે સીધી જ પ્રધાનમંત્રીની કચેરીએ પહોંચે છે. સીપી ગ્રામમાં થતી ફરિયાદો જેવી કે સર્ચ અથવા તો સર્વેમાં થયેલા રોકડને કરવામાં આવેલી સીઝ, ઘરેણાને કરવામાં આવેલા સીઝને રીલીઝ કરવા અને રિફંડને લઈ અનેક વિધ ફરિયાદો સીપી ગ્રામ હેઠળ આવતી હોય છે જેમાં પીસીઆઈટી-૧ રાજકોટ હેઠળ કુલ ૧૩ ફરિયાદો ઉઠવા પામી છે. પીસીઆઈટી-૩ રાજકોટમાં ૮ ફરિયાદ અને પીસીઆઈટી જામનગરમાં ૩ ફરિયાદ એમ કુલ ૨૪ ફરિયાદો સામે રાજકોટ આવકવેરા વિભાગ ૨૪ એ ૨૪ ફરિયાદોનું નિવારણ કર્યું છે. એવી જ રીતે લેખીત ફરિયાદ હેઠળ પીસીઆઈટી એકટ રાજકોટ ખાતે ૩૧ ફરિયાદ, પીસીઆઈટી-૩ રાજકોટ ખાતે ૨૩ ફરિયાદ અને પીસીઆઈટી જામનગર હેઠળ ૧ ફરિયાદ એમ કુલ ૫૫ ફરિયાદોની સામે આવકવેરા વિભાગ

રાજકોટે ૪૬ ફરિયાદોનો નિવારણ ગણતરીના ૧૫ દિવસમાં જ કર્યું છે.

રાજકોટ આવકવેરા વિભાગ કરદાતાઓને પડતી હાલાકી અને મુશ્કેલીમાંથી કેવી રીતે દૂર કરી શકાય તે માટેના પગલા લેવામાં આવી રહ્યાં છે. જે માટે સીબીડીટી બોર્ડ દ્વારા અનેકવિધ કરદાતાઓની તરફેણમાં નિર્ણયો પણ લેવામાં આવ્યા છે અને તેઓને યોગ્ય વળતર મળી રહે તે માટે વિવાદ સે વિશ્ર્વાસ જેવી યોજનાને પણ અમલી બનાવી છે. હાલ વૈશ્ર્વિક મહામારીના કારણે કરદાતાઓને અનેકવિધ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. જેથી આવકવેરા વિભાગને બોર્ડ તરફથી સુચના પણ મળેલ છે કે, કરદાતાને કોઈ પણ રીતે માનસીક ત્રાસ કે કોઈપણ કામગીરી અંગેની પુછપરછ કરવામાં ન આવે.

રાજકોટ આવકવેરા વિભાગ કચેરી ખાતે લોકોની સમસ્યાનું નિવારણ અને આવકવેરા વિભાગના કર્મચારીઓ ઉપર ભરોસો કેન્દ્રીત થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ રેન્જમાં ‘પ્રોસીક્યુશન’ના ૧૧૧ કેસો પડતર: કમ્પાઉન્ડીંગ એપ્લીકેશનનો સહારો લેનાર કરદાતાઓની સંખ્યા માત્ર ૧૦

આવકવેરા વિભાગ અને કરદાતાઓ સામે અનેકવિધ કેસોને લઈ ઘર્ષણ જોવા મળતું હોય છે. આવકવેરા વિભાગના નિર્ણયોથી સંતુષ્ટ ન થનાર કરદાતાઓ સીઆઈટી અપીલ અને અપીલેટ ટ્રીબ્યુનલમાં તેઓની ફરિયાદ નોંધાવતા હોય છે પરંતુ ઘણા ખરા કેસોમાં કરદાતાઓ આ બન્ને જગ્યાએ હારી જતાં તેમની સામે પ્રોસીક્યુશનનો ગુનો દાખલ કરવામાં આવે છે જેનો કેસ કોર્ટમાં ચાલતો હોય છે. આ પ્રકારના પ્રોસીક્યુશનના કેસોની સંખ્યા રાજકોટ રેન્જમાં કુલ ૧૧૧ની છે. જે કેસ વર્ષ ૧૯૯૦ થી જૂન ૨૦૨૦ સુધીના છે. પ્રોસીક્યુશનમાં જો કરદાતાઓ હારે તો તેઓને ૭ વર્ષની જેલની સજા અને નાણાકીય દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને લીટીગેશનનો સામનો ન કરવો પડે તે માટે કમ્પાઉન્ડીંગ એપ્લીકેશનની સહાય પણ આપવામાં આવી છે. જેમાં કરદાતાઓ તેમના પર ચાલતા કેસના એક વર્ષના સમયગાળા દરમિયાન આ સહાયનો લાભ લઈ શકે છે. જેમાં તેઓએ ઉદ્ભવીત થયેલી ડિમાન્ડના ૧૨૫ ટકા જેટલી રકમ અને જે અન્ય ખર્ચ થયેલ હોય તેની ભરપાઈ કરવી પડે છે. જો કરદાતા આ કમ્પાઉન્ડીંગ એપ્લીકેશનનો સમારો લે તો તેમની સામે ચાલી રહેલા કોર્ટમાં કેસની ડિસ્પોઝ પણ કરવામાં આવે છે. પ્રોસીક્યુશનના કેસની વાત કરવામાં આવે તો આ પ્રકારના કેસ કોર્ટમાં ત્યારે જ ચાલી શકે જ્યારે જે કોઈ કરદાતાએ રિટર્ન ફાઈલ ન કર્યું હોય તેમ છતાં તેની દેખાડવામાં આવેલી આવક વધુ હોય અથવા રિટર્ન ફાઈલ થયેલું હોય છતાં અમુક આવક કે જે વધારાની હોય તે દેખાડવામાં ન આવી હોય. આ પ્રકારના કેસમાં કરદાતા સામે આવકવેરા વિભાગ પ્રોસીક્યુએશન હેઠળ જતું હોય છે. આ ગુનો ફોજદારી ગુનો પણ ગણવામાં આવે છે. આંકડાકીય માહિતી મુજબ ૧૧૧ પડતર કેસોની સામે ૧૦ કેસોમાં કમ્પાઉન્ડીંગની એપ્લીકેશનો આવેલી છે. જેમાની ૨ એપ્લીકેશન નજીકના સમયમાં જ ડિસ્પોઝ કરી દેવામાં આવશે અને બાકી રહેતી ૮ કેસોનું નિવારણ સપ્ટેમ્બર માસ સુધીમાં કરાશે તેમ આવકવેરા વિભાગના અધિકૃત સુત્ર પાસેથી માહિતી મળેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.