Abtak Media Google News

Table of Contents

રાજકોટ-ગુજરાત ધણી-ધોરી વગરનાં, જયાં મુખ્યમંત્રીની ઘોષણાને અને મ્યુનિસિપલ કોર્પોરેટરની રજૂઆતને કચરાવાનમાં ફગાવી દેવાય છે: સંબંધિત નોકરીઆતો અને ગુંડાગીરી આચરનારા રેકડી-ગલ્લાવાળાઓ અમારૂ કહ્યું માનતા નથી એવો એકરાર કરે છે: ભાજપના કોર્પોરેટર કહે છે, કમિશ્નરને કહો: આગામી ચૂંટણીમાં આવા તંત્રને દાંત કચકચાવીને મતદારો હાલના તંત્રને જાકારો આપે એજ ઉપાય !

દેવદેવીઓનાં નામે રાજકોટ-ગુજરાતને બદનામ કરતા અને ‘સ્માર્ટ શહેરો’ સ્માર્ટ ગામડાનાં વચનોની ઠેકડી ઉડાડતી ભેળસેળ, અસ્વચ્છતા, મતિભ્રષ્ટતા અને રૂશ્વતખોરી જેવા નર્ક સર્જક અડ્ડાઓથી ત્રાહિમામ જનતા ! સતાધીશો જ શીખવે છે પાપાચાર !

રાજકોટના રાજવી પ્રજાના સુખદુ:ખની રખેવાળી કરવાનો મંત્ર અપનાવે છે- ‘રંજે ધર્મી પ્રજા રાજા’ રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને તેના પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓનાં રાજકર્તાઓ (અર્થાત રાજાઓ) પ્રજારાજને શોભે એવું શાસન આપવાનાં વચન-દ્રોહ કરે છે. અને રહેણાંક વિસ્તારની પ્રજાની મુશીબતો દૂર કરવાનાં ઠોસ પગલાં લેવાના બદલે એવો જવાબ આપતા સુધીની લાચારી દર્શાવે છે કે, અમારી રજૂઆતોને સંબંધિત અધિકારીઓ-નોકરીઆતોને કાને ધરતા નથી. કમિશ્નરને કહો…

ભાજપ પાર્ટીના કોઈ અગ્રણીને કહેવાનાં સૂચનના જવાબમાં મ્યુ. કમિશ્નરને જ કહેવાનું જ આવશ્યક છે. એવો મત તેમણે દર્શાવ્યો હતો.

કમનશીબે કોઈ કોર્પોરેટર સમખાવા પૂરતાય મતદારોના સુખદુ:ખ પૂછવા તેમની પાસે જતા નથી એવો અજંપો રાજકોટની પ્રજા વ્યકત કરતી રહે છે.

અહીં નોંત્રપાત્ર બાબતએ છે કે, શાસક પક્ષના નેતા-પ્રવકતા પ્રજાનો નાનો સરખોય સંપર્ક સાધતા નથી! મુખ્યમંત્રીએ શહેરો અને ગુજરાતનાં બધાં જ ગામડાઓને સ્માર્ટ બનાવવાની ભાવના વ્યકત કરી છે.

પણ વચને શું કિમ દરિદ્રતા જેવો ઘાટ ઘડાય છે !

ગુજરાત દારૂની જંગી હેરાફેરી અંગે પણ બદનામ છે. અને તેને લીધે તેની કમજોરી ખૂલ્લી થતી રહી છે.

તાજેતરમાં જ એવી ટીકા થઈ છે કે ગુજરાતમાં એક નવો માર્ગ વેપાર ઉદ્યોગોએ અને જમીનના દલાલોએ શોધી કાઢ્યો છે. આઈએએસ અધિકારીઓ અને રાજકારણીઓની પત્નીઓની કીટ્ટી પાર્ટીઓમાં મળતી મહિલાઓ સમક્ષ તેમની ફાઈલ મૂકીને કિલયર કરાવવાનો રસ્તા અપનાવવામાં આવી રહ્યો છે.

આ કીટ્ટી પાર્ટીમાં જનારી મહિલાઓમાં પૂર્વ અધિકારીઓની પત્નીઓનો પણ સમાવેશ થાય છે. તેઓ તેમના કામ પણ તેમના માધ્યમથી જ કરાવી રહ્યા છે. ટોચના રાજકારણીઓ સાથે ધરોબો ધરાવનારા અધિકારીઓ પણ તેમની પત્ની મારફતે પોતાના અંગત હિતો પાર પાડે તેવી ફાઈલો રજૂ કરાવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ડંકેકી ચોટ ઉપર ધંધો કરી રહ્યા છે. ત્યારે મજૂર વર્ગની વાત કરવામાં આવે તો મેટોડામાં પોલીસનું ખિસ્સુ ગરમ કરીને દેશીના ધંધાર્થીઓ બેરોકટોક તેનો દારૂનો વેપલો કરી રહ્યા છે. ચોકકસ બૂટલેગરો પોલીસને મહિને લાખો રૂપીયાનો હપ્તો પહોચાડી ખારખાને કારખાને જઈને દારૂની કોથળીઓ સપ્લાય કરતા હોવાની વિગતો જાણવા મળી છે.

અધિકારીઓ અને રાજકારણીઓની પત્નીઓ અને નકકી કરાયા હોય એવા સગા સંબંધી-પ્રતિનિધિઓ લાઈઝનર (વચેટિયા) બનાવાતા હોવાનો ટ્રેન્ડ (નવો ચીલો) શરૂ થવા દઈને ગુજરાતે વિક્રમ સજર્યો હોવાની ટકોર પણ થઈ રહી છે. ગુજરાતમાં ફાઈલો અને વહીવટના આ પ્રકારની મહિલા-બ્રિગેડ ઉભી થવાનો સનસનીખેજ ધડાકો થયો છે !

ભાજપના નવા અખિલ ભારતીય નેતા શ્રી નડ્ડાને કોઈકે તો જણાવવું જ પડશે કે રાજકોટ મ્યુ. કોર્પોરેટમાં ભાજપનાં જ શાસનમાં ભાજપના એક સજજન કોર્પોરેટરે એવો એકરાર કરવો પડયો છે કે, આ કોર્પોરેશનનાં કેટલાક અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆતોને ગણકારતા નથી અને તેમને સોંપાતી કામગીરી ઠોસ રીતે બજાવતા નથી. કમિશ્નરને કહેવાનું તેઓ સૂચવે છે. કરોડોનું બજેટ ધરાવતા તંત્રમાં આવું કેમ થઈ શકે? ભાજપ માટે આ શોભારૂપ બનશે? આખા દેશમાં આનો કેવો પડઘો પડશે?

અમે માનીએ છીએ કે, ભાજપ પાર્ટી માટે આ બધું અમંગળ એંધાણ લેખાશે અને તેના શાસનની આવડત સામે, વફાદારી સામે અને વહીવટ-સુધ્ધિ સામે સવાલો ઉઠશે જ !

મતિભ્રષ્ટતા સામે ઠોસ પગલા લેવામાં વિલંબ રાજકોટની જનતાના અપમાન સમો બની રહેશે એમ કહ્યા વિના છૂટકો નથી !

રાજકોટ અને ગુજરાત, બંને માટે આ ચેતવણી રૂપ બને છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.