Abtak Media Google News

જિલ્લા શિક્ષણાધિકારી તંત્રના એક શિક્ષક જેલમાં કેદીઓને શીખવે છે શિક્ષણના પાઠ: જેલ સુપ્રીટેન્ડેન્ટ બી.જે.નીનામાના માર્ગદર્શન હેઠળ કેદીઓને બોર્ડની પરીક્ષા આપવાની ખાસ વ્યવસ્થા

ગુનાઓની સજા ભોગવવાની સાથે શિક્ષિત અને આત્મનિર્ભરબનવા કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા: ધો.૧૦માં એક મહિલા સહિત ૩૭ કેદીઓ અને ધો.૧૨માં ૧૦ કેદીઓ આપશે પરીક્ષા

શૈક્ષણિક કારકિર્દીમાં ધો.૧૦ની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે પ્રથમ પડાવ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ જિલ્લા જેલમાં ૪૭ કેદીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે. જુદા-જુદા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદીઓ શિક્ષિત અને આત્મનિર્ભર બનવા બોર્ડની પરીક્ષા રાજકોટ જિલ્લા જેલ ખાતે જ આપશે.

રાજકોટ જિલ્લા જેલમાં જેલ સુપ્રીટેન્ડેન્ટ બી.જે.નીનામાના માર્ગદર્શન હેઠળ કરણસિંહે જેલના કેદીઓ માટે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપવા માટેની તમામ વ્યવસ્થાઓ કરી છે. જિલ્લા શિક્ષણતંત્રના એક શિક્ષક દ્વારા જેલના તમામ પરીક્ષાર્થીઓ માટે ભણાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કેદીઓ માટે પુસ્તકો, ફોર્મ, પેપર, રીસીપ્ટ અને સુપરવિઝન સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા જેલ ખાતે જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આગામી ૧૫ માર્ચથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાવાની છે. શિક્ષણ બોર્ડને વિદ્યાર્થીઓ આ પરીક્ષાને લઈને સજ્જ થઈ ગયા છે. ત્યારે રાજયભરની જેલમાં જુદા-જુદા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદીઓને પણ શિક્ષિત અને આત્મનિર્ભર બનવાનો અવસર મળે તે માટે રાજયભરની જેલમાં પણ કેદીઓને ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોમાં અમદાવાદની સેન્ટ્રલ જેલ અને સૌરાષ્ટ્રના કેદીઓ માટે રાજકોટ જિલ્લા જેલ, મધ્ય ગુજરાતના કેદીઓ માટે વડોદરા જેલ અને દક્ષિણ ગુજરાતના કેદીઓ માટે સુરતની સેન્ટ્રલ જેલમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેલમાં કેદીઓ માટે લેવાનારી બોર્ડની પરીક્ષાની મોનીટરીંગ જેલના સુપ્રીટેન્ડેન્ટ અને શિક્ષણ બોર્ડ સાથે મળીને કરશે. રાજકોટ જિલ્લા જેલના સુપ્રીટેન્ડેન્ટ બી.જે.નીનામાના માર્ગદર્શન હેઠળ કરણસિંહ કેદીઓની પરીક્ષા માટે તમામ વ્યવસ્થાનું સુચા‚ આયોજન કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા જેલમાં કુલ ૪૭ કેદીઓ પરીક્ષા આપનાર છે. જેમાં ધો.૧૦માં એક મહિલા સહિત ૩૭ કેદીઓ અને ધો.૧૨માં ૧૦ કેદીઓ પરીક્ષા આપશે. જેમાં રાજકોટના ૧૬ કેદી ધો.૧૦ની પરીક્ષા અને ૫ કેદી ધો.૧૨ની પરીક્ષા આપશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.