Abtak Media Google News

પશ્ર્ચિમમાં વિજયભાઈ રૂપાણી, પૂર્વમાં અરવિંદભાઈ રૈયાણી, દક્ષિણમાં ગોવિંદભાઈ પટેલ અને ગ્રામ્યમાં લાખાભાઈ સાગઠિયાનો જવલંત વિજય: કાર્યકરોમાં ભારે ઉત્સાહ: રાજકોટમાં વિજયોત્સવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ મુકત ભારતનું એક સુત્ર વહેતું કર્યું છે. આ સુત્રને સાર્થક કરવા માટે પ્રથમ ઈંટ જાણે રાજકોટ શહેરે મુકી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામાં યોજાયેલા મતદાન બાદ આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં જનસંઘથી જ ભાજપનો ગઢ ગણાતું રાજકોટ શહેર આજે કોંગ્રેસમુકત થઈ ગયું છે. રાજકોટની ચારેય બેઠકો પર આન, બાન અને શાન સાથે ભગવો લહેરાયો છે. રાજકોટના શાણા મતદારોએ વધુ એક વખત ગુજરાતના નાથને ઐતિહાસિક લીડ સાથે ચુંટણી કાઢયા છે.

શહેરની ભાગોળે કણકોટ ખાતે આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે ૮:૦૦ કલાકથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે ઉતેજના પૂર્ણ માહોલમાં રાજકોટ શહેરની ચાર સહિત જિલ્લાની આઠ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં તમામ બેઠકોના પરીણામ જાહેર થઈ ગયા છે. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડ સાથે વિજેતા બન્યા છે તો જિલ્લાની ચાર બેઠકો પૈકી બે બેઠકો ભાજપના ફાળે આવી છે.

૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી અને કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગા વચ્ચે સીધી ટકકર હતી. ૧૮ રાઉન્ડમાં હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં અરવિંદભાઈ રૈયાણીને ૯૩૦૮૭ અને મિતુલ દોંગાને ૭૦૩૦૫ મતો મળતા અરવિંદ રૈયાણીનો ૨૨,૭૮૨ મતોએ જવલંત વિજય થયો છે. ૬૯ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુ વચ્ચે ટકકર હતી. ૨૫ રાઉન્ડની મતગણતરીમાં આ લખાય રહ્યું છે ત્યારે ૧૮ રાઉન્ડની મતગણતરીના અંતે વિજયભાઈ રૂપાણી ૪૬,૪૧૩ મતોથી આગળ ચાલી રહ્યા હોય. તેઓની જીત નિશ્ર્ચિત થઈ ગઈ છે. ૭૦ રાજકોટ દક્ષિણ વિધાનસભાની બેઠક પર ગોવિંદભાઈ પટેલ જીતની હેટ્રીક લગાવવામાં સફળ થયા છે. ૧૬ રાઉન્ડમાં હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં ગોવિંદભાઈ પટેલને ૯૮૯૫૧ મતો મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ડો.દિનેશ ચોવટીયાએ ૫૧,૮૩૦ મતો મળતા ગોવિંદભાઈ ૪૭,૧૨૧ મતોથી વિજેતા બન્યા છે.rajkot ૭૧ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપે સીટીંગ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને પડતા મુકી લાખાભાઈ સાગઠિયાને ટીકીટ આપી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયા અને કોંગ્રેસના ઉમેદવાર વશરામભાઈ સાગઠિયા વચ્ચે ટકકર હતી. ૨૫ રાઉન્ડમાં હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં લાખાભાઈ સાગઠિયાને ૯૨૧૧૪ મત મળ્યા હતા. જેની સામે વશરામભાઈ સાગઠિયાને ૮૯,૯૩૫ મતો મળતા લાખાભાઈનો ૨૧૭૯ મતો સાથે વિજય થયો છે. રાજકોટના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બનતા કાર્યકરોમાં ભારે હર્ષોઉલ્લાસ વ્યાપી જવા પામ્યો છે. ચારેય વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નિકળશે. જેમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવવા માટે રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.