Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચુંટણીનાં પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનાં વિજય પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે હર્ષોલ્લાસની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. ગુજરાતની જનતાએ ફરી એક વખત વિકાસને પુનરાવર્તન અને કોંગ્રેસના નવસર્જનનુ વિસર્જન કર્યુ છે.

લોકશાહીનાં આ મહાપર્વમાં જાતિવાદ, વંશવાદ જેવા દૂષણોનો પરાજય અને વિકાસવાદનો વિજય થયો છે. ગુજરાતની પ્રજાએ કોંગ્રેસ સહિત તમામ એવા વ્યક્તિ, સંગઠન અને પક્ષને જાકારો આપ્યો છે જે ગુજરાતનાં વિકાસમાં બાધારૂપ હતા. ગુજરાતની જનતાએ ફરી એકવાર સત્તાનું સુકાન ભાજપના હાથમાં સોંપીને જોરદાર વિશ્વાસ મુક્યો છે. અને એમાં પણ રાજકોટના મતદારોએ તો ફરી એકવાર ઇતિહાસ સર્જ્યો છે એવું રાજુભાઇ ધ્રુવે આગળ જણાવતા કહ્યું હતું કે, રાજકોટ ભાજપનો ગઢ છે એ વાત આજે ફરી સાબિત થઈ ચુકી છે.

આ વખતની ચૂંટણી વિશેષ હતી. લોકોને ભરમાવવામાં ખંડનાત્મક વૃત્તિવાળા લોકોએ કાઈ બાકી રાખ્યું નહોતું. એક તરફ જાતિવાદ, જ્ઞાતિવાદ, વર્ગવિગ્રહ હતો તો બીજી બાજુ વિકાસની વાત વિસારે પાડી દઈને આર્થિક સુધારાને પણ વખોડીને કોંગ્રેસે ઝેર ફેલાવ્યું હતું. સુગઠીત અને સારી રીતે વિકાસના માર્ગ પર આગળ વધતા ગુજરાતને ભટકવા કોંગ્રેસે ખૂબ પ્રયાસ કર્યા. પણ લોકોએ એવી કોઈ વાત સ્વીકારી નહીં તેનો આનંદ છે.

રાજકોટ પશ્ચિમ બેઠક અંગે રાજુભાઈએ કહ્યું કે આજે અહીં અભૂતપૂર્વ ઇતિહાસ રચાયો છે. આ બેઠક પરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૫૩૦૦૦થી વધુ મતે ચૂંટાઈ આવ્યા છે. રાજકોટ સાથે એમનો વર્ષો જૂનો નાતો, કોમનમેન બનીને રહ્યા અને વર્ષોથી રાજકોટના કામ કર્યા. પાણીની સમસ્યા, શ્રમિકો માટે ભોજનથી લઈને બધું જ એમણે કર્યું. રાજકોટમાં ભાજપના કામ આમ પણ વર્ષોથી બોલે છે તમામ વર્ગને સુવિધા મળી છે તો શહેર, જિલ્લામાં વિકાસ પણ સતત થયો છે. રાજકોટના મતદારોએ ભાજપના આ સુશાસનને સ્વીકાર્યું છે. વિકાસને આવકાર્યો છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પર જંગી બહુમતિથી જીતેલા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ઉપરાંત પક્ષના ટોચના અગ્રણીઓ તેમજ સંગઠનના તમામ સ્તરના કાર્યકર્તા અગ્રણીઓનાં મહેનત અને માર્ગદર્શન વડે લોકશાહીનાં પર્વનું પરિણામ ભાજપનાં વિકાસ અને વિજયનો પર્યાય બન્યો છે.

ત્યારે દેશનાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજકોટનાં પનોતા પુત્ર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિકાસયાત્રાને આગળ ધપાવવા, રાજયની પ્રગતિને ગતિ આપવા, ભાજપના મોટા નેતાઓના માર્ગદર્શન અને કાર્યકરોના શ્રમને અનુમોદન આપવા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતની મોટા ભાગની બેઠકો પર જંગી મતદાન કરીને ભાજપના ઉમેદવારો વિજેતા બનાવવા માટે રાજુભાઈ ધ્રુવે ગુજરાતની જનતાનો આભાર માનતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.