Abtak Media Google News

બેંકના સીઈઓ સત્ય પ્રકાશ ખોખરાએ વર્ષ ૨૦૧૭-૧૮ની કામગીરીની સમીક્ષા પત્રકાર પરિષદમાં રજૂ કરી: ૪૫૦ કરોડનું માલીકી ભંડોળ, રૂ.૨૨૯૦ કરોડની ડિપોઝીટ,રૂ.૧૧૨૪ કરોડનું ધિરાણ અને રૂ.૧૫૦૦ કરોડનું રોકાણા

ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. પ્રેસ કોન્ફરન્સમાં બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ની બેંકની કામગીરીની સમીક્ષા કરેલ. રાજબેંકે ગત વર્ષે કરેલ ૬૦ કરોડના નફાની સામે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૬૬ કરોડ કરતા વધુ નફો કરેલ છે.

રાજબેંકની માલિકીની મૂડી ૨૫% કરતા વધુ છે જેમાં રૂ. ૧૬૮ કરોડની શેરમુડીનો પણ સમાવેશ થાય છે. જેમાં ૨૦૧૭-૨૦૧૮ ના પુરા થતા નાણાકીય વર્ષ દરમિયાન બેંકની શેરમુડીમાં બેંકના વિવિધ કક્ષાના શેર હોલ્ડર્સ દ્વારા શેર મુડી સાથે સંકળાયેલ જોખમોને ધ્યાને લઈ પોતાની વિવેકબુધ્ધિથી નવા રૂ. ૩૦ કરોડના જંગી વધારાનો પણ સમાવેશ થયેલ છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા ૧૮ વર્ષમાં રાજબેંકની શેરમુડીમાં રૂ. ૧૬૫ કરોડ કરતાં વધુ રકમનો જંગી વધારો થયેલ છે.

બેંકનાં શેર હોલ્ડરોને કાયદા અને પેટા નિયમની મર્યાદાને ધ્યાનમાં રાખી બેંક છેલ્લાં ૩૬ વર્ષથી બેંક દ્વારા નફાકારકતા તેમજ કાયદા મુજબની જોગવાઈઓને ધ્યાને રાખીને નિયમોનુસારનું ડીવીડન્ડ ચુકવે છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી બેંકે ૧૮% લેખે કુલ રૂ. ૫૧ કરોડનું ડીવીડન્ડ જે તે વર્ષના નફામાંથી ચુકવી આપેલ છે. પૂરા થતા નાણાકીય વર્ષ માટેના ડીવીડન્ડ રકમ બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા એપ્રિલ મહિનામાં વિવિધ ગાઈડલાઈનને ધ્યાને રાખી નક્કી કરવામાં આવશે.

સતત ૧૭ વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ પણ આપવામાં આવે છે અને ચાલુ નાણાકીય વર્ષ માટેની સભાસદ ભેટ ‘વરમોરા કંપનીનો કીચન મેટ ઓવલ (સેટ – નંગ-૬)’ નું વિતરણ પણ ૨ તબક્કામાં શરુ કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેનો પ્રથમ તબક્કો એપ્રિલના અંતમાં શરુ થનાર છે. રાજબેંકે અત્યાર સુધી છેલ્લા ૨૧ વર્ષમાં રૂ. ૧૦૦ ના ૧ શેર સામે ‚ા. ૩૨૩ ડીવીડન્ડ સ્વરુપે તેમજ બેંકની પડતર કિંમતની ગણતરીને ધ્યાને લેતા રૂ. ૫,૫૦૮ ની કિંમતની સભાસદ ભેટ મળી કુલ ‚ા. ૧૦૦ના રોકાણ સામે કુલ રૂ. ૫,૮૩૧ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વરુપે પરત કરેલ છે.

Img 3890બેંક દ્વારા છેલ્લા ૧૮ વર્ષમાં રૂ. ૪૬૦ કરોડ કરતા વધુ રકમનો નફો કરેલ છે. જેમાંથી રૂ. ૧૨૦ કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ પણ ચુકવેલ છે અને બાકી રહેતી રકમનું યોગ્ય આયોજન થકી યોગ્ય રોકાણ દ્વારા બેંક દર વર્ષે રૂ. ૨૧ કરોડ જેટલી વ્યાજની આવક કરી રહેલ છે અને આ આવકમાંથી બેંકના તમામ સ્ટાફનો પગાર ખર્ચ તેમજ અમુક રકમનો વહીવટી ખર્ચનો બોજો પણ હળવો કરી બેંકની નફાકારકતામાં ઉતરોતર વધારો કરેલ છે.

વર્ષ ૨૦૦૧ની સાલમાં બેંકની કુલ ડીપોઝીટ રૂ. ૧૫૨ કરોડની હતી જે ડીપોઝીટ છેલ્લા ૧૮ વર્ષમાં રૂ. ૨૧૪૮ કરોડના જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ. ૨૨૯૦ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. સાથોસાથ બેંકની ડીપોઝીટમાં ગત વર્ષની સરખામણીમાં ૨% જેટલો મામુલી ઘટાડો થયેલ છે, જેમાં મુખ્યત્વે નોટબંધીના સમયગાળાની અસરને લીધે નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં ડીપોઝીટમાં થયેલ જંગી વધારો જોવા મળેલ તેની અસર નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં ઘટાડા સ્વરુપે જોવા મળેલ છે. બેંકની સીએએસએ ડીપોઝીટનું પ્રમાણ ૩૬% જાળવી રાખવામાં બેંક સફળ થયેલ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ને ધિરાણ અને એનપીએની બાબતમાં ખૂબ જ ગંભીર રીતે મુલવવામાં આવી રહેલ છે. તેના ભાગરુપે રાજબેંકમાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં એન.પી.એ.માં વધારો થયેલ છે અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નવું ૩૦ કરોડ રૂપિયાનું એન.પી.એ. નોંધાયેલ છે. જેની સામે બેંકે નિયમ પ્રમાણે કરવાની થતી જરુરી જોગવાઈ કરી બેંકનું નેટ એન.પી.એ. ૩% ની મર્યાદામાં રાખેલ છે.

લોન અને ધીરાણમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ ચાલુ રાખી બેંકનું ધિરાણ ડીપોઝીટના ૫૦% સુધી લઈ જઈ બેંકની નફાકારકતાને જાળવી રાખેલ છે. ૩૧, માર્ચ-૨૦૧૮ના પુરા થતા વર્ષ માટે બેંકનું કુલ ધિરાણ રૂ. ૧૧૦૦ કરોડ કરતા વધુ રકમનું થયેલ છે. સૌથી અગત્યની વાત એ ગણી શકાય કે રાજબેંકમાં છેલ્લા પાંચ વર્ષથી બેંકનો સીડી રેશીયો ઓછો હોવા છતાં બેંકની નફાકારકતામાં એક પણ વર્ષમાં ઘટાડો જોવા મળેલ નથી.

સહકારી બેંકો માટે કોર્પોરેટ ગવર્નન્સ અમલમાં મુકવાના ભાગરુપે રાજબેંકમાં આ પ્રકારના કોર્પોરેટ ગવર્નન્સ અમલમાં છે. બેકના સીઈઓના કહેવા પ્રમાણે કોર્પોરેટ ગવર્નન્સનો સીધો અને સાદો સરળ અર્થ એ થાય કે કોઈપણ સંસ્થાનાં માલિકો, ગ્રાહકો અને કર્મચારીઓનાં સંકલન અને સમન્વયથી સંસ્થાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરવું. રાજબેંકમાં પણ સંચાલનની દરેક બાબતોમાં માલિકો એટલે કે શેર હોલ્ડરો, ગ્રાહકો અને કર્મચારીઓનું સંકલન અને સમન્વય ગત વર્ષ દરમિયાન શ્રેષ્ઠ રીતે જોવા મળેલ છે.

સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજબેંકમાં જુદા જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ૩૮ વર્ષના ઓડીટ તેમજ બેંકની તમામ ૨૭ શાખાઓનું કોન્ક્ધરન્ટ ઓડીટ જુદા જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બેંકીંગના નિષ્ણાતો દ્વારા આંતરીક ઓડીટ કરવામાં આવે છે. જુદા જુદા ઓડીટમાં દર્શાવાયેલ વિવિધ પ્રકારની ક્ષતિઓનું યોગ્ય સમય મર્યાદામાં વાસ્તવિક રીતે બેંકના હીતમાં નિરાકરણ કરવામાં આવેલ છે.

રાજબેંકની રીકવરીની ટીમ ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક આયોજનબધ્ધ રીતે રીકવરીનાં પ્રમાણિક પ્રયાસો વર્ષોવર્ષ કરે છે જેનાં ફળ સ્વરૂપે સતત ૧૮માં વર્ષે પણ ખૂબ જ સારી વસુલાત કરેલ છે. જેના માટેનો તમામ શ્રેય બેંકના તમામ ધિરાણદારો કે જેઓએ સમયસર વ્યાજ અને હપ્તા ભરપાઈ કરેલ છે તેઓને તેમજ બેંકના રીકવરી સાથે સંકળાયેલ નિષ્ઠાવાન કર્મચારી કે જેઓએ તેમની ફરજ યથાયોગ્ય રીતે બજાવી તેઓને જાય છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં બેંકના ડીપોઝીટના વ્યાજના ખર્ચમાં રૂ. ૫ કરોડ નો ઘટાડો, સ્ટાફ ખર્ચમાં રૂ. ૭૭ લાખનો ઘટાડો થતા તેમજ રોકાણના વેચાણ થકી થયેલ નફા દ્વારા ગત વર્ષની સરખામણીમાં બેંકના નફામાં રૂ. ૬ કરોડથી વધુ રકમના વધારા સાથે બેંકનો નફો રૂ. ૬૬ કરોડ થયેલ છે. વિવિધ પડકારો અને અડચણો વચ્ચે રાજબેંકે ચાલુ નાણાકીય વર્ષમાં નફાકારકતા ગત વર્ષની સરખામણીમાં વ્યાજબી વધારા સાથે જાળવી રાખી બેંકનો નફો રૂ. ૬૬ કરોડનો આંક વટાવી ચુકેલ છે જે રાજબેંકના ૩૮ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ નફો છે.

બેંકના કર્મચારીઓની ગ્રેચ્યુઈટી તેમજ રજાના પગાર ચુકવવા અંગેની ભૂતકાળની તમામ જવાબદારીનાં ખર્ચ માટે પણ બેંકે પૂરેપુરું પ્રોવિઝન કરેલ છે અને હાલમાં કર્મચારીઓની નિવૃતિનાં લાભો સુરક્ષિત કરવાનાં આશયથી બેંકે રૂ. ૯ કરોડ કરતાં વધુ રકમનું સુરક્ષિત રોકાણ કરેલ છે અને આ રોકાણ દ્વારા બેંકને દર વર્ષે આશરે રૂ. ૭૨ લાખ જેટલી આવક થાય છે.

બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ. ૬.૬૫ લાખ જેટલો છે જ્યારે એક કર્મચારી દીઠ નફો રૂ. ૨૩ લાખ કરતા વધારે છે. બેેંકની કુલ ૨૭ શાખાઓ છે જે પૈકી ૧૫ શાખાઓ માલીકીના મકાનમાં કાર્યરત છે.

રાજબેંક એ માત્ર આર્થિક વ્યવહારો પૂરતી જ બેંક નથી પરંતુ પોતાની સામાજીક જવાબદારી બહુ સારી રીતે સમજે છે અને નિયમો તથા કાયદાને આધિન રહીને કામ કરે છે. સામાજીક, શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત સામાજીક વિકાસને લગતા અન્ય કાર્યક્રમ હોય, રાજકોટ શહેરના વિકાસને લગતાં કોઈ યોગદાનની વાત હોય, કે ફેડરેશન વિગેરે આયોજીત બેંકીંગ ક્ષેત્રનાં સેમીનારનાં આયોજનની વાત હોય કે સરકાર મારફત કુદરતી આફતો સમયે આર્થિક યોગદાનની વાત હોય, રાજબેંકે આ ઉતરદાયિત્વ નિભાવવામાં કદી પાછી પાની કરી નથી.

રાજબેંકની લીડરશીપ લોકોના પ્રતિભાવો અને અભિપ્રાયોને પણ શ્રેષ્ઠ રીતે મૂલવે છે, જ્યારે જ્યારે લોકો તરફથી પ્રતિભાવો કે અભિપ્રાયો મળે છે ત્યારે રાજબેંકની લીડરશીપ તેનો એકમતે સ્વીકાર કરી તેનું યોગ્ય મૂલ્યાંકન કરી બેંકના હિતને ધ્યાને લઈ મળેલ પ્રતિભાવો કે અભિપ્રાયો ત્વરિત ધોરણે અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. આરબીઆઈ એ ડાયરેક્ટર્સ માટેના Do’s અને Dont’s ના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવા માટેનો ઠરાવ કરી તેનો બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવે છે.

બેંકે રૂ. ૨૨  કરોડનો એડવાન્સ ઇન્કમટેક્સ પણ ભરેલ છે.  બેંકનાં ગ્રાહકોને બેંકમાં જ જનરલ અને લાઈફ ઇન્સ્યોરન્સ અંગે ઉપયોગી માર્ગદર્શન તેમજ વિમા અંગેની સેવાઓ આપવામાં આવે છે. ૨૦૦૬ની સાલથી શરુ કરેલ જનરલ અને લાઈફ ઇન્સ્યોરન્સ અંગેની રેફરલ તેમજ કોર્પોરેટ કક્ષાના લાયસન્સ દ્વારા કરેલ કામગીરીના સંદર્ભમાં છેલ્લા ૧૨ વર્ષમાં બેંકે કુલ રૂ. ૪.૫૦ કરોડ જેટલી રકમની વધારાની નોન બેંકીંગ આવક મેળવેલ છે અને જુદા જુદા સમયે લાગુ પડતા હેડ હેઠળ આવક જમા કરવામાં આવેલ છે. રાજકોટ, ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ શાખામાં સ્ટેમ્પ ફ્રેન્કીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં લોન ડોક્યુમેન્ટ ચાર્જ, બેંક ગેરેંટી અને એલ.સી. કમિશન સ્વરુપે મળી કુલ વ્યાજ સિવાયની (નોન-ઇન્ટરેસ્ટ)આવક રૂ. ૧૪ કરોડ કરતા વધુ થયેલ છે, જે કુલ પગાર ખર્ચના ૭૫% જેટલી થાય છે. એટલું જ નહીં છેલ્લા ૧૭ વર્ષમાં બેંક દ્વારા લોન પ્રોસેસીંગ ચાર્જ સ્વરુપે રૂ. ૩૪ કરોડ કરતા વધુ રકમની આવક કરેલ છે.

વધુમાં રાજબેંકની પ્રણાલિકા પ્રમાણે દરેક વર્ષનું રીઝલ્ટ વર્ષના છેલ્લા દિવસે આપવાની સીસ્ટમ ચાલુ રાખવાના ભાગ સ્વરુપે સામાન્ય સંજોગોમાં દર વર્ષે ૧લી એપ્રિલે ડીપોઝીટનું વ્યાજ આપવાની પ્રથાને બદલે બેંક ૨ દિવસ વહેલું વ્યાજ એટલે કે ૩૦ અથવા ૩૧ માર્ચે વ્યાજ જમા આપવાની પ્રથા અમલમાં મુકેલી છે અને આજરોજ પ્રેસ મીટીગમાં તા. ૩૦.૦૩.૨૦૧૮ સુધીના આંકડાઓ રજુ કરેલ છે.

ભાવિ આયોજનના સંદર્ભમાં બેંકનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાતનુ મંજુર થતા પ્રથમ તબક્કે સુરત નવી શાખા ખોલવાનું આયોજન છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં બેંકનો બિઝનેસ રૂ. ૪૦૦૦ કરોડ સુધી અને નફો રૂ. ૭૨ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સૌ પ્રથમ વખત થયેલા એનપીએના તમામ ખાતાઓમાં રીકવરી દ્વારા એન.પી.એ. ખાતા ઘટાડવા માટેનું આયોજન તા. ૩૧.૦૩.૨૦૧૯ સુધીમાં કરેલ છે અને બેંક ટૂંક સમયમાં ફરીથી  ZERO Net NPA  નું સ્ટેટસ મેળવવા માટેનો એક એકશન પ્લાન પણ તૈયાર કરેલ છે. કારણ કે બેંક દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી ZERO Net NPA સ્ટેટસ જાળવેલ પરંતુ પૂરા થતા નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના અંતે ૩ % જેટલું સામાન્ય Net NPA થયેલ છે. જેના માટે આવતા વર્ષોમાં નફામાંથી જોગવાઈ તેમજ રીકવરી દ્વારા તા. ૩૧.૦૩.૨૦૧૯ માં ફરીથી ZERO Net NPA મેળવવા કટીબધ્ધ છે.

આ રીતે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં રાજબેંકમાં રોકાણકારોએ આપેલી અમૂલ્ય મુડીની પુરતી સલામતીની રાજબેંક પરિવાર વતી ખાતરી આપું છું.

રાજબેંકની સફળતા અને અવિરત પ્રગતિનો શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્ર્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણિકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણિકભાઈ સેજપાલ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભૂતપૂર્વ વાઈસ ચેરમેન, રાજબેંક) તેમજ બેંકનાં ભૂતપૂર્વ ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભૂતપૂર્વ વાઈસ ચેરમેન જગજીવન સખીયા, પ્રવર્તમાન ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, વાઈસ ચેરમેન રમેશભાઈ ટીલારા, મેનેજીંગ ડીરેકટર ચિરાગભાઈ સિયાણી, સીડીઓ કમલભાઈ ધામીનાં સતત માર્ગદર્શન તથા બોર્ડ ઓફ ડીરેકટર્સનાં પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ તથા રાજબેન્કના કર્મચારી પરિવારની ટીમવર્કના ફાળે જાય છે.

રાજબેંકની લીડરશીપ લોકોના પ્રતિભાવો અને અભિપ્રાયને પણ શ્રેષ્ઠ રીતે મૂલવે છે, જ્યારે જ્યારે લોકો તરફથી પ્રતિભાવ કે અભિપ્રાય મળે છે ત્યારે રાજબેંકની લીડરશીપ તેનો એકમતે સ્વીકાર કરી યોગ્ય મૂલ્યાંકન કરી બેંકના હિતને ધ્યાને લઈ મળેલ પ્રતિભાવ કે અભિપ્રાય અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. રાજબેંકના સંચાલક મંડળની લીડરશીપની આ એક આગવી ખાસીયત અને પ્રણાલી છે તેવું રાજબેંકના જીએમ એન્ડ સીઈઓ સત્યપ્રકાશ ખોખરાની એક અખબારી યાદીમાં જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.