Abtak Media Google News

રાજય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ, એક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ અને ડોર મેટરીનું ખાતમુહૂર્ત કરાશે

ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને સ્થળ પર જ પાકુ અને ઘરનું ઘર મળી રહે તથા શહેરમાંથી ઝુંપડપટ્ટીનું દુષણ દુર થાય તેવા આશ્રય સાથે મહાપાલિકા દ્વારા અંતર્ગત આવાસ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં.૧માં રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં વિસ્તાર નજીક અંતર્ગત બનાવવામાં આવેલા ૩૩૬ આવાસનું આગામી ૯મી ઓકટોબરના રોજ રાજય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧માં રાણીમાં રૂડીમાં વિસ્તારમાં વસવાટ કરતા ઝુંપડાધારકો માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્થળ પર જ અંતર્ગત ૩૩૬ આવાસ બનાવવામાં આવ્યા છે. લાભાર્થીઓને આવાસના નંબરો આપવા માટે ગત સપ્તાહે ડ્રો યોજવામાં આવ્યો હતો. દરમિયાન આગામી ૯મી ઓકટોબરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રૈયાધારમાં આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ મોચીબજારમાં ખટારા સ્ટેન્ડ નજીક શિક્ષણ સમિતિની શાળા નં.૧૦માં નિર્માણ પામનાર રેનબસૈરા (ડોર મેટરી)નું પણ ખાતમુહૂર્ત કરશે અને શહેરના સામાકાંઠા વિસ્તારમાં દુધની ડેરી નજીક રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બનાવવામાં આવેલી શાળાના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરવામાં આવશે.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ૯મી ઓકટોબરના રોજ સાઉથ ઝોન મામલતદાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે વેસ્ટ ઝોન મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.