બાળ ઉછેર: બાળકને ‘મોટા કરવા’ની સાથે ‘મોટા બનાવવા’નું ધ્યેય સમાજ માટે પ્રેરણારૂપ

બાળકમાં ‘હું કંઇક છું’ નહીં બલ્કે ‘હું કંઇક કરીને બતાવીશ’ જેવી ભાવના ઉજાગર કરવાથી પરિવાર અને સમાજને મળશે મજબુત યુવાધન

‘સંસ્કાર’ ને તેની ઉંમર કરતા મોટા બનાવવા માતા-પિતા એ જ કમર કસવી પડશે

આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો ઉછેર કરવો એ લોખંડના ચણા ચાવવા બરાબર છે, બાળકને ‘મોટા કરવા’ અને ‘મોટા બનાવવા’ આ બન્નેમાં ઘણું અંતર છે. તેના માટે માતા-પિતાએ ઘણો ભોગ આપવો પડે છે. અને કુનેહપૂર્વક કામ લેવું પડે છે. કારણ કે બાળમાનસ પર અઁકિત થયેલું દરેક વર્તન અને બોલાયેલા શબ્દો તેને બાલ્યાવસ્થા ઉપરાંત પણ યાદ રહે છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. પરિવાર દેશ અને સમાજને સશકત બનાવવા બાળકોને સમૃઘ્ધ બનાવવા કરતાં સંસ્કારી બનાવવા વધારે જરુરી છે.

પ્રસિઘ્ધ વિદ્વાનાચાર્ય ચાણકયએ સમાજને પોતાની નીતિ દ્વારા અનેક વિષયો પર શીખ આપી છે. એ પૈકીની એક છે ‘બાળ ઉછેર’ તેમણે આપેલું પ્રત્યેક માર્ગદર્શન સમાજને બહુ ઉપયોગી નિવડયું છે. અને તેને દરેક મા-બાપ અનુસરશે તો આગળ પણ ઉપયોગી નિવડશે તેમાં બે મત નથી. ચાણકય સમાજશાસ્ત્ર:, ફુટ નીતી શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમણે પોતાના જ્ઞાન અને અનુભવને ચાણકયનીતિમાં વ્યકત કર્યો છે.

બાળકોના ઉછેર વિશે ચાણકયનું માનવું છે કે સંતાનને જો શ્રેષ્ઠ અને સફળ બનાવવા હોય તો માતા-પિતાએ શરૂઆતથી જ ઘ્યાન આપવું જોઇએ, બાળકોનું મન બહુ જ કોમળ અને જીજ્ઞાસુ હોય છે. બાળકો પોતાની આસપાસ દરેક ચીજોનું ખુબ જ સુક્ષ્મતાથી નીરીક્ષણ કરે છે અને શીખવાનો જાણવાનો પ્રયાસ કરે છે. તેથી બાળકોને ગુણવાન, સંસ્કારવાન બનાવવા માતા-પિતાએ જ ઘ્યાન આપવું પડશે.

બાળકોમાં સંસ્કાર સિંચન જરૂરી

ચાણકયના માર્ગદર્શન મુજબ બાળકોને સંસ્કાર આપવા માતા-પિતા અને ગુરુનો મુખ્ય રોલ છે. જે માતા-પિતાના બાળકો સંસ્કારવાન હોય છે તે આ ધરતીના સૌથી ધનવાન અને ખુશહાલ માતા-પિતા હોય છે. બાળકોની પ્રથમ પાઠશાળા પરિવાર છે. બાળકોની સામે માતા-પિતાએ સદૈવ ઉચ્ચ આદર્શ બનવાનો પ્રયત્ન  કરવો જોઇએ, ઘરના વાતાવરણનો બાળકોના કુમળા માનસ પર તુરંત પ્રભાવ પડે છે. તેથી માતા-પિતાએ બાળકો સામે એવું આચરણ કરવું જોઇએ જે યોગ્ય અને ઉચિત હોય

બાળકોને ધર્મ અને મહાપુરૂષો વિશે જાણકારી આપો

બાળકોને નાનપણથી ધર્મ પુસ્તકમાંથી વાર્તાના રૂપમાં પણ માહીતી આપવી જોઇએ તેનાથી બાળમાનસ કુણું બને છે. રામાયણ- મહાભારના પ્રેરણાદાયી પ્રસંગો બાળકોને વાર્તાની સરળતાથી સમજાવવા જોઇએ જેથી સંસ્કારની દ્રષ્ટિએ બાળક વિવેકી અને સભ્ય બને છે. એ સિવાય બાળકો સાથે ઇતિહાસના મહાપુરૂષો વિશેની જાણકારીનું પણ આદાન-પ્રદાન કરવું જોઇએ.

બાળકોને બિનજરૂરી ગેઝેટસથી દૂર રાખો: વાંચન પ્રત્યે પ્રેરિત કરો

વર્તમાન સમય ડિજિટલ યુગ છે. બાળકોને સમય પ્રમાણે જરુરી ઉપકરણ આપવા જોઇએ, જેમ કે વિડીયોગેમ, મોબાઇલ પણ બીનજરુરી મોબાઇલ કમ્પ્યુટરની સંગત રાખવાથી થતા નુકશાન વિશે માહીતી આપવી પણ જરુરી છે. બાળકોને ઉંડાણપૂર્વક સમજાવવું જોઇએ કે તેનાથી શું નુકશાન થાય છે. આજે ઘણી ગૃહિણીએ ઘરના કામનો નિપટાવવા બાળકના હાથમાં મોબાઇલ થમાવી દે છે. એ તદ્દન અનુચિત છે. આમ કરવાથી બાળકનું કુમળુ હાર્ટ મોબાઇલના ‘રેડીએશન’થી પ્રભાવિત થાય છે.

બાળકનું માનસ કોરી પાટી જેવું હોય છે. તેથી તેનામાં નાનપણથી જે લખવામાં આવે છે તે કાયમી રહે છે, અને બાળક જેવું જોવે તેવું જ અનુકરણ કરે છે તેથી  તેનામાં જો વાંચનથની ટેવ વિકસાવવી હોય તો માતા-પિતાએ પણ તેની સામે વાંચન  કરવા બેસવું જોઇએ જેથી ધીમે ધીમે બાળકમાં વાંચન પ્રત્યે રૂચિ કેળવાય છે.

આજનું બાળક કાલનું ભવિષ્ય છે તેથી તેના ઉજજવળ ભવિષ્ય માટે બાળસિંચન અતિ આવશ્યક છે. તેથી બાળકને જો સંસ્કારી બનાવવું હોય તો તેને ‘મોટપ’ દેખાડવાનું શીખવાડવા કરતા ચલાવી લેવાની ભાવના કેળવવી જોઇએ, આ સાથે તેને કોઇપણ વાત સમજાવતા પહેલા જે તે સંદર્ભની સારી અને ખરાબ બન્ને વિશેની માહીતી આપવી જોઇએ. અને જો બાળક નિર્ણય લઇ શકે તેવું સક્ષમ બની ગયું હોય તો પહેલા દરેક માહીતી સાથે માર્ગદર્શન અને તેના પરિણામ વિશેનીપણ ચર્ચા કરીને  નિર્ણય તેના પર છોડી દેવો જોઇએ જેથી બાળકમાં નિર્ણય શકિતનો પણ વિકાસ થાય.

બાળકને દરેક માતા-પિતાએ ‘હું કંઇક છું’ તેવી ભાવના કરતાં ‘હું કંઇક કરીને બતાવીશ’ ઘ્યેયની ભાવના ઉજાગર કરવી જોઇએ.

Loading...