Abtak Media Google News

ખાનગી સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવરીંગ કામનો ૭૦ ટકા ખર્ચ રાજય સરકાર, ૧૦ ટકા ખર્ચ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અને ૧૦ ટકા ખર્ચ સ્થાનિક સ્વરાજયની સંસ્થા ઉઠાવશે

શહેરમાં આવેલી ખાનગી સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવરીંગ કામ માટે ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવા માટે સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. માત્ર ૧૦ ટકા ખર્ચ ખાનગી સોસાયટીએ ઉઠાવવાનો રહેશે બાકીનો ૯૦ ટકા ખર્ચ ફાયનાન્સ બોર્ડ, ધારાસભ્યની ગ્રાન્ટ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થા ભોગવશે.

આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યો દ્વારા એવી માંગણી કરવામાં આવતી હતી કે ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી કામો કરવા માટે ગ્રાન્ટ વાપરવા અંગે મંજુરી આપવામાં આવે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સામાજીક, આંતરમાળખાકીય સુવિધાઓના ઘટક પૈકી જનભાગીદારી યોજના અંતર્ગત શહેરી વિકાસ વિભાગના ઠરાવથી નિયત થયેલા કામો પૈકી રસ્તાના કામોમાં ખાનગી સોસાયટીના કોમન પ્લોટમાં પેવરીંગના કામનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો આ સંદર્ભે અનેક રજુઆત મળી હતી જેના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી સ્વચ્છ ભારત મિશનના સ્વચ્છતાના હેતુસર શહેરી વિકાસ દ્વારા ૨૩મી જુલાઈએ એક ઠરાવ કરવામાં આવ્યો છે.

જેમાં ખાનગી સોસાયટીના કોમન પ્લોટમાં પેવરીંગના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવેથી ખાનગી સોસાયટીના કોમન પ્લોટમાં જો પેવરીંગના કામ કરવા હશે તો ખાનગી સોસાયટીઓએ ૧૦ ટકા ખર્ચ ઉઠાવવો પડશે. કુલ ખર્ચની ૭૦ ટકા રકમ ફાયનાન્સ બોર્ડ દ્વારા આપવામાં આવશે. ૧૦ ટકા રકમ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે જયારે ૧૦ ટકા રકમ સ્થાનિક સ્વરાજયની સંસ્થા ઉઠાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.