Abtak Media Google News

ભવનાથ-સાબલપુર અને ગિરનારનાં જંગલમાં વરસાદ જૂનાગઢનાં ભવનાથમાં રોડ પર પાણી વહી ગયા

ગઈકાલે બપોર બાદ પવન સાથે ધોરાજી, જામકંડોરણા અને મંડલીકપુર પંથકમાં વરસાદ પડયો હતો. ધોરાજીમાં ગરમી ઉકળાટ વચ્ચે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ગરમી અને બફારા વચ્ચે વરસાદનાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમીથી છુટકારો મળતા રાહતનો શ્ર્વાસ લીધો હતો જોકે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

બીજીબાજુ વાત કરીએ તો કોરોનાનાં લોકડાઉનમાં ધોમધખતા તાપ વચ્ચે ગઈકાલે સાંજે ૫:૧૫ વાગ્યા બાદ જૂનાગઢની ભાગોળે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. જુનાગઢથી ૫ કિલોમીટર દુર આવેલા સાબલપુર ચોકડી પાસે લગભગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી કમોસમી વરસાદે પોતાની ઈનીંગ ખેલી હતી. સાબલપુર ચોકડીથી લગભગ ૭ કિલોમીટરનાં એરીયામાં વરસાદ પડયો હોવાનાં સમાચાર મળ્યા હતા. કમોસમી વરસાદે ગાબડુ પડતા વરસાદી પાણીથી રસ્તા પર પાણી ફરી વળ્યું હતું.

બીજીબાજુ ગીરનાર પર્વત અને ગીરનાર આસપાસનાં જંગલમાં પણ કમોસમી વરસાદનાં ઝાપટા પડયા હતા જોકે બામણ ગામ સુખપુર સુધી તથા હસનાપુર ડેમ અને ગીરનાર જંગલ વિસ્તારમાં પણ કમોસમી વરસાદનાં કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા. સાંજનાં સમયે એકાએક વરસાદે ભારે પવન સાથે એન્ટ્રી કરતા સાબલપુર વિસ્તારમાં આવેલા દુકાનનાં છાપરા અને તડકાથી રક્ષણ આપતી આડશો રોડ ઉપર ઉડવા લાગી હતી જેના લીધે વેપારીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. જુનાગઢથી પાંચ કિલોમીટર દુરનાં વિસ્તારમાં ૧૦ મિનિટ જોરદાર ઝાપટા પડયા હતા જયારે જુનાગઢમાં તડકાનું સામ્રાજય હતું જોકે સાંજનાં સમયે વાતાવરણ બદલાયું હતું અને જુનાગઢ મહાનગર ઉપર વાદળીયું વાતાવરણ થવા પામ્યું હતું. આ સિવાય જિલ્લામાં કમોસમી વરસાદનાં સમાચાર મળ્યા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.