Abtak Media Google News

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજકોટમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

હાલ ગુજરાતમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે સુરતનાં ઉમરપાડામાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. સૌરાષ્ટ્રનાં પણ ઘણાખરા વિસ્તારમાં આજે સવારે ૬:૦૦ વાગ્યા સુધીમાં ૧ થી ૪ ઈંચ સુધી વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદનાં કારણે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદનાં પગલે સૌરાષ્ટ્રનાં ૩૨થી વધુ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે ત્યારે બીજીબાજુ વાત કરીએ તો આજે વહેલી સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં ૧ ઈંચ અને ખંભાળીયામાં પણ ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં પણ આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં સવારથી ૮૩ તાલુકામાં ઝાપટાથી લઈ ૧ ઈચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે. હજુ આવતીકાલે બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સક્રિય થતા રાજયભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. આજે ૧ ઈંચ સુધી વરસાદ ખાબકતા દ્વારકા સહિતનાં જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા જેવો વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે અસહય ગરમી બાદ મેઘરાજાએ છેલ્લા દિવસોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડુતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે શિયાળુનો મબલખ પાક ઉત્પન્ન થાય તેવું પણ લાગી રહ્યું છે.

રાજયભરમાં આજે સવારથી સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં ૧ ઈંચ, ખંભાળીયામાં ૧ ઈંચ, અમદાવાદના ધંધુકામાં ૨૦ મીમી, ગીર સોમનાથનાં કોડીનારમાં ૨૨ મીમી, તાલાલામાં ૨૦ મીમી, નર્મદામાં ૧૪ મીમી, ગીરગઢડામાં ૧૧ મીમી, જુનાગઢનાં કેશોદમાં ૧૧ મીમી, નવસારીમાં ૧૧ મીમી, રાજકોટનાં ધોરાજીમાં ૧૦ મીમી, સુરતનાં મહુવામાં ૧૦ મીમી, દ્વારકાનાં ભાણવડમાં ૯ મીમી, જુનાગઢનાં મેંદરડામાં ૯ મીમી, નવસારીમાં ૯ મીમી, માંડવીમાં ૯ મીમી, અમરેલીનાં બગસરામાં  ૮ મીમી, જુનાગઢમાં માળીયામાં ૮ મીમી, રાજકોટનાં જસદણમાં ૭ મીમી, ગીર સોમનાથનાં સુત્રાપાડા અને વેરાવળમાં ૬ મીમી, જામનગર, લાલપુરમાં ૬ મીમી, મોરબીનાં ટંકારામાં ૫ મીમી, ઉપલેટામાં ૫ મીમી, વિંછીયામાં ૫ મીમી, અમરેલીમાં ૪ મીમી, રાજકોટમાં પણ ૪ મીમી જેેટલો વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.