Abtak Media Google News

કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર.

બે-ત્રણ દિવસમાં દક્ષિણ આંદમાનમાં મોનસુન એક્ટિવીટી શરૂ થશે.

કેરળમાં ૨૯મી સુધીમાં ચોમાસું બેસી જશે.

છેલ્લા બે માસથી કાળઝાળ અને અંગ દઝાડતી કાતિલ ગરમીનો સામનો કરી રહેલી ગુજરાતની જનતા માટે સારા સમાચાર આવી રહ્યા છે. આગામી ૧૫મી જુન સુધીમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વાવણી લાયક વરસાદ થઈ જશે તેવી હૈયે ટાઢક આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ અંદમાનમાં મોનસુન એકટીવીટીનો આરંભ થઈ જશે અને ૨૯મી મે સુધીમાં કેરલમાં વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસું બેસી જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં આ વખતે બે-ત્રણ દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું બેસે તેવા એંધાણ મળી રહ્યા છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું ૧૬ આની રહે તેવું વર્તાય રહ્યું છે. જે રીતે હાલ વાતાવરણ સક્રિય થઈ રહ્યું છે અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી બે-ત્રણ દિવસમાં જ દક્ષિણ અંદમાનના અમુક વિસ્તારોમાં ચોમાસાની એકટીવીટી શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં એકાદ સપ્તાહમાં પ્રિ-મોનસુન એકટીવીટી શરૂ થઈ જશે. નૈઋત્યના ચોમાસાનું આગમન કેરલથી થતું હોય છે.

 

જયારે કેરલમાં ૩ થી ૪ ઈંચ વરસાદ પડે ત્યારે ચોમાસું શરૂ થઈ ગયું હોવાની સતાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આગામી ૨૯મી મે સુધીમાં એટલે કે નિર્ધારીત સમય કરતા બે દિવસ પહેલું કેરલમાં ચોમાસું બેસી જાય તેવું લાગી રહ્યું છે ત્યારબાદ ક્રમશ: નૈઋત્યનું ચોમાસું સમગ્ર દેશની આવરી લેશે અને જુનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં દેશમાં ૯૭ ટકા જેટલો વરસાદ વરસી જશે.

ભારતમાં આ વખતે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહે તેવી આગાહી હવામાન વિભાગ તથા ખાનગી હવામાન એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. હાલ જે રીતે ચોમાસાની સિસ્ટમ પ્રગતીમાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે દેશમાં નૈઋત્યનું ચોમાસું સારી રહેશે અને સંતોષકારક વરસાદ પડશે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫મી જુન આસપાસ નૈઋત્યના ચોમાસાનો આરંભ થઈ જતો હોય છે પરંતુ આ વર્ષે જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, રાજયમાં બે-ચાર દિવસ પહેલું ચોમાસું બેસી જશે.

૧૫મી જુન સુધીમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પડી જાય તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે રાજયમાં સતાવાર રીતે ચોમાસું કયારે બેસશે ? તેનું લેટેસ્ટ અપડેટ માસાંતે આપવામાં આવશે. હાલ ચોમાસાની પ્રગતિ સાનુકુળ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સમગ્ર દેશમાં ચોમાસું સમયસર અને સામાન્ય રહેશે.

રાજકોટમાં આજે પણ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહેશે

છેલ્લા ચારેક દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે શહેરમાં રેકોર્ડબ્રેક ૪૫.૭ ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. દરમિયાન આજે પણ રાજકોટમાં મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગઈકાલે મહાપાલિકા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને હિટવેવ સામે રક્ષણ મેળવવા માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. આજે પણ રેડ એલર્ટ જેવો જ માહોલ શહેરમાં જોવા મળશે અને ૪૪ ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉંચકાય તેવી શકયતા જણાઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.