Abtak Media Google News

મોટાભાગનાં જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર: વહિવટીતંત્ર એલર્ટ: જળાશયોમાં અનરાધાર પાણીની આવક: ખેડુતોમાં ભારે ખુશાલી

વેલમાર્ક લો-પ્રેશર ઉતર ગુજરાત અને રાજસ્થાન પર કેન્દ્રીત થઈ જતાં સૌરાષ્ટ્રમાં શુક્રવાર બપોરથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે સુપડાધારે વરસાદ વરસ્યા બાદ આજે સવારથી સૌરાષ્ટ્રમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ પડી રહ્યો છે. મોટાભાગનાં જિલ્લાઓમાં સાવચેતીનાં ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જળાશયોમાં પાણીની અનરાધાર આવક થવા પામી છે. ખેડુતોમાં ભારે ખુશાલી વ્યાપી ગઈ છે. ગઈકાલે સાર્વત્રિક વરસાદ બાદ આજે સવારથી વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજકોટ સહિતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એક થી લઈ ૧૫ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સવારે મોટાભાગનાં જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

12 1

ન્યારી-૨ ડેમ ઓવરફલો: ૪૦ જળાશયોમાં પાણીની ધોધમાર આવક

ન્યારી-૨ ડેમનાં ૧૦ દરવાજા ૩ ફુટ સુધી ખોલાયા: હેઠવાસનાં ગામોમાં એલર્ટ: ભાદર, ન્યારી-૧, આજી-૧ સહિતનાં જળાશયોમાં પાણીની આવક: ડેમ સાઈટ પર જનમેદની ઉમટી

Img 20190810 Wa0096 1

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શુક્રવારે પડેલા અનરાધાર વરસાદનાં કારણે શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલો ન્યારી-૨ ડેમ આજે સવારે ઓવરફલો થઈ જતાં ડેમનાં ૧૦ દરવાજા ૩ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા જળાશયો પૈકી ૪૦ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ન્યારી-૨ ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સવારથી સતત વરસાદ ચાલુ હોવાનાં કારણે લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા પણ સુચના આપવામાં આવી છે. જળાશયોમાં સતત પાણીની આવક ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાનો ન્યારી-૨ ડેમ ઓવરફલો થઈ ગયો છે. ડેમનાં ૧૪ પૈકી ૧૦ દરવાજા  ૩ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. ડેમની હેઠવાસમાં આવતા ગોકુલપુર, રંગપર, તરઘડી, વીરપુર, પટીરામપર, બોડીઘોડી, પડધરી સહિતનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. આજી-૨ ડેમ પણ ઓવરફલો ચાલુ હોય હેઠવાસનાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢકા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સગપરને સાવચેત કરાયા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૧.૪૮ ફુટ, મોજ ડેમમાં ૦.૦૩ ફુટ, આજી-૧ ડેમમાં ૧.૮૦ ફુટ, ડોડીમાં ૦.૪૯, ગોંડલીમાં ૧૪.૭૬ ફુટ, વાછાપરીમાં ૨.૬૨ ફુટ, વેરીમાં ૧.૬૧ ફુટ, ન્યારી-૧માં ૨.૩૦ ફુટ, ન્યારી-૨માં ૦.૩૯ ફુટ, ફાડદંગ બેટીમાં ૨૧.૮૫ ફુટ, ખોડાપીપરમાં ૫.૮૧ ફુટ, કરમાળમાં ૧૬.૦૮ ફુટ, કણુકીમાં ૫.૫૮ ફુટ, મોરબી જિલ્લાનાં મચ્છુ-૧ ડેમમાં ૩.૩૮ ફુટ, મચ્છુ-૨ ડેમમાં ૩.૫૧ ફુટ, ડોડી-૧માં ૪.૨૭ ફુટ, ડોડી-૨માં ૯.૮૪ ફુટ, ઘોડાદ્રોઈમાં ૪.૯૨ ફુટ, બંગાવડીમાં ૯.૬૮ ફુટ, બ્રાહ્મણીમાં ૦.૭૨ ફુટ, બ્રાહ્મણી-૨માં ૧.૪૮ ફુટ, મચ્છુ-૩માં ૩.૬૪ ફુટ, ડેમી-૩માં ૭.૫૫ ફુટ, જામનગર જિલ્લાનાં પન્નાડેમમાં ૫.૬૮ ફુટ, આજી-૪માં ૮.૪૬ ફુટ, ઉડ-૧માં ૪.૦૪ ફુટ, કંકાવતીમાં ૧.૨૫ ફુટ, ઉંડ-૨માં ૨.૮૫ ફુટ, રૂપાવટીમાં ૧૨.૪૭ ફુટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ડેમમાં ૬.૭૩ ફુટ, વઢવાણ ભોગાવો-૨માં ૨.૯૦ ફુટ, લીંબડી ભોગાવો-૧માં ૬.૫૦ ફુટ, થલકુમાં ૫.૯૨ ફુટ, વાસલમાં ૨૦.૧૮ ફુટ, મોરસરમાં ૬.૨૭ ફુટ, સુબેરીમાં ૫.૫૮ ફુટ, ત્રિવેણી ઠાંગામાં ૨.૪૬ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૨.૯૫ ફુટ, નિભણીમાં ૧૬.૨૪ ફુટ અને ધારી ડેમમાં ૧૧.૪૮ ફુટ પાણીની આવક થવા પામી છે. સવારથી સર્વત્ર અનરાધાર વરસાદ ચાલુ હોવાનાં કારણે જળાશયોમાં પાણીની આવક ચાલુ છે.

Img 20190810 Wa0020

ન્યારી-૧ ડેમનાં ૭ દરવાજા ૪ ફુટ ખોલાયા ૧૬૦૦૦ કયુસેક પાણીની જાવક

રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં ગઈકાલથી પડી રહેલા અનરાધાર વરસાદનાં કારણે જળાશયોમાં પાણીની માતબર આવક થઈ રહી છે. ન્યારી-૨ ડેમ ઓવરફલો થઈ ગયો છે. જયારે મહાપાલિકાની માલિકીનો એકમાત્ર ડેમ અને ન્યુ રાજકોટની જીવાદોરી મનાતો ન્યારી-૧ ડેમમાં પણ પાણીની આવક ચાલુ હોય આજે સવારે ડેમનાં ૭ દરવાજા ૪ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. ૧૬૦૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી છે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, ન્યારી-૧ ડેમનાં ૭ દરવાજા આજે સવારે ૪ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા હોય ડેમનાં હેઠવાસનાં ગામો ઈશ્ર્વરીયા, વડ વાજડી, વાજડી ગઢ, વાજડી વિરડા, હીરપર પાળ, વેજાગામ, ખંભાળા, ઢોકરીયા અને ન્યારાને સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા પણ સુચના આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યારી ડેમની ઉંચાઈ તાજેતરમાં જ વધારવામાં આવી છે અને આ વર્ષે ડેમની પૂર્ણ ક્ષમતાથી ભરવામાં આવનાર છે. આજે સવારે ડેમમાં ૩ ફુટ સુધી પાણી આવ્યું હતું. ભારે વરસાદ હજી ચાલુ હોય ડેમમાં પ્રતિ સેક્ધડ ૨૬,૦૦૦ કયુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે હાલ ડેમનો એક દરવાજો ૪ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યો છે. ૧૬૦૦૦ કયુસેક પાણીની જાવક માટે ૭ દરવાજા ૪ ફુટ સુધી ખોલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.