આવતીકાલથી રેલ વ્યવહાર ‘શરતોને આધીન’ શરૂ !!!

સ્ટેશન પર ટિકિટ બારીઓ રહેશે બંધ, જયારે યાત્રિકોએ ટ્રેન સમયનાં એક કલાક પૂર્વે સ્ટેશન પર આવવું પડશે: માસ્ક પહેરવું ફરજીયાત

કોરોનાનાં પગલે જે રીતે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી સરકારે રેલ વ્યવહારોને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો જેમાં મુખ્યત્વે પાર્સલ ટ્રેનો જ શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા આવતીકાલથી રેલ વ્યવહાર શરતોને આધીન શરૂ કરવાનું પણ જણાવ્યું છે જેમાં હવે રેલવે સ્ટેશન પરની ટીકીટ બારીઓ બંધ રહેશે અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી જ ટ્રેન માટે ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે ત્યારે બપોરે ૪ વાગ્યાથી આઈઆરસીટીસી પર ૧૫ રૂટો પરની ટ્રેન બુકિંગ સેવાઓ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે યાત્રિકોએ ટ્રેનનાં સમયનાં એક કલાક પૂર્વે સ્ટેશન પર આવવું પડશે અને જરૂરીયાત મુજબનાં ટેસ્ટ પણ કરાવવા પડશે. બીજી તરફ યાત્રિકોએ યાત્રા દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત પણ કરવામાં આવ્યું છે.

૧૫ રૂટો પરની જો વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ, ડિબરુગઢ, અગરતાલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુભુગ્નેશ્ર્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરૂવન્તપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ અને જમ્મુ તાવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ રૂટો પર જનાર યાત્રિકોએ તેમની ટીકીટનું બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી જ કરવાનું રહેશે જયારે પ્લેટફોર્મ ઉપર ટીકીટનું વેચાણ થઈ શકશે નહીં. તમામ ટ્રેનો એસી કોચવાળા અને ખુબ લિમિટેડ સ્ટોક આધારીત ટ્રેનો દોડાવવામાં આવશે. જયારે પેસેન્જરોએ યાત્રા દરમિયાન માસ્ક અને સ્ટેશન પર સ્ક્રીનીંગ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોઈપણ રોગ અને સિમ્ટક્ષ વગરનાં યાત્રિકો જ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. આ સમયગાળા દરમિયાન જે યાત્રિકોએ ઓનલાઈન ટીકીટ બુક કરાવેલી હશે તેઓને આ ૧૫ રૂટોની ટ્રેનોમાં યાત્રા કરવા દેવામાં નહીં આવે. આ સમયગાળા દરમિયાન એક પણ પ્રકારની તત્કાલ સેવાનો લાભ યાત્રિકોને મળવાપાત્ર નહીં હોય. રેલવે સ્ટેશન પર આવનાર યાત્રિકો પાસે આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોવી ફરજીયાત બની છે જયારે જે યાત્રિકો રેલ મુસાફરી કરવાના હોય તેમની પાસે ક્ધફોર્મ ટીકીટ હોવી આવશ્યક બની રહેશે.

ફરીથી જીવન વ્યવહાર શરૂ થઈ જાય તે માટે સ્પેશિયલ ટ્રેનોની કેન્દ્રે રાજય પાસે ભલામણો મંગાવી

લોકડાઉનના પગલે ધંધા-રોજગારો પૂર્ણત: બંધ થઈ ચુકયા છે ત્યારે ફરીથી જીવન વ્યવહાર શરૂ થઈ જાય તે માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટે કેન્દ્ર સરકારે રાજયો પાસેથી ભલામણો મંગાવી છે અને જણાવ્યું છે કે, આ સેવાઓ પુરી પાડવા માટે રાજય સરકારને જેટલી પણ ટ્રેનોની જરૂરીયાત હોય તે તમામ પુરી પાડવામાં આવશે. બીજી તરફ કેન્દ્ર સરકારે રાજયોને તાકિદ કરતા પણ જણાવ્યું છે કે, વિસ્થાપિતોને વતન પરત મોકલવા માટે નવી સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવી અનિવાર્ય છે. હાલ ઘણાખરા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વિસ્થાપિતો સ્પેશિયલ વાહનો કરી તેમના વતન પરત જઈ રહ્યા છે જયારે અમુક પરપ્રાંતિય લોકો ચાલતા વતન જતા નજરે પણ પડે છે. સરકારનું માનવું છે કે, હાલ ૧લી મેથી કુલ ૩૬૬ જેેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે જેમાં ૪ લાખ વિસ્થાપિતોને વતન પરત કરાયા છે. કોંગ્રેસે ભાજપ એટલે કે કેન્દ્ર સરકારને માંગ કરતા જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં પરપ્રાંતિય મજુરોને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી તેઓને બચાવવામાં આવે અને તેમની જરૂરીયાત મુજબની માંગોને સ્વિકારવામાં આવે. વતન જવા માટે ઉત્સુક થનારા ૧૪ જેટલા વિસ્થાપિતો ઈજાગ્રસ્ત થયા છે જયારે ૬ પરપ્રાંતિય મજુરોએ તેમનો જીવ પણ ગુમાવ્યો છે. રેલમંત્રી પિયુષ ગોયલનાં જણાવ્યા મુજબ આગામી ૩ થી ૪ દિવસમાં મુખ્યત્વે પરપ્રાંતિય લોકોને તેમના વતન પરત કરવા માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

ગુજરાતે ૧૬૭ ટ્રેનો મારફતે ૨ લાખ વિસ્થાપિતોને વતન  પરત પહોંચાડ્યા

દેશભરમાં કોરોનાના લોકડાઉનનાં ત્રીજા તબકકા બાદ આંશિક છુટછાટ વચ્ચે સરકારે રોજીરોટીની દરકારે વસેલા પરપ્રાંતિય શ્રમજીવીઓને વતન વાપસી માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતે ૧૬૭ ટ્રેન મારફતે ૨ લાખ વિસ્થાપિતોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. દેશવ્યાપી ધોરણે ખાસ દોડાવાયેલી ૩૬૪ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં શુક્રવાર મધરાત સુધી ગુજરાતમાંથી ૧૬૭ ટ્રેનો દોડાવવામાં આવી હતી તેમ સરકારનાં વરિષ્ઠ અધિકારી દ્વારા જાણવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રીનાં મુખ્ય સચિવ અશ્ર્વિનીકુમારે જાહેર કરેલા આંકડાઓની વિગતો મુજબ શનિવાર રાત્રી સુધી દોડેલી શ્રમિકો ટ્રેનોમાં ૪૬ ટકા જેટલી ટ્રેનો ગુજરાતને સૌથી વધુ પ્રમાણમાં ટ્રેનો ફાળવી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર અને ઉત્તરપ્રદેશ સહિતનાં રાજયોમાં કુલ ૨ લાખથી વધુ વસતા શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. શનિવારે મધરાત્રી સુધીમાં મહારાષ્ટ્રથી ૪૫, પંજાબથી ૩૬, તેલંગણાથી ૨૫, કેરલથી ૨૪, રાજસ્થાનથી ૨૦, કર્ણાટકથી ૧૪ જયારે હરિયાણાથી ૧૧ ટ્રેનો ઉપાડવામાં આવી હતી. ગુજરાતમાંથી વધારાના ૬૭ હજારથી વધુ મજુરોને તેમના વતન મોકલવામાં આવ્યા છે.

૭૫ ટકા સ્પેશિયલ ટ્રેનો પરપ્રાંતીયોને યુપી-બિહાર પહોંચાડવા રવાના

લોકડાઉનમાં છુટછાટ આપ્યા બાદ શ્રમિકોને વતન પરત મોકલવા માટે શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેમાંથી દર ૪ ટ્રેન માંથી ૩ ટ્રેન ઉત્તરપ્રદેશ અને ખાસ કરી પૂર્વતર અને બિહારનાં મજુરો માટે દોડાવવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. શ્રમિક ટ્રેનોમાં ઉત્તરપ્રદેશને ૪૪ ટકા જયારે બિહારને ૩૦ ટકા જેટલી ટ્રેનો ફાળવવામાં આવી છે. રવિવાર સુધીમાં ભારતીય રેલવે દ્વારા આવી ૩૬૬ ટ્રેનો દોડાવવામાં આવી હતી જેમાંથી ૨૮૭ ટ્રેન પોતાના પહોંચવાના ઠેકાણે પહોંચી ગઈ હોવાનું રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ બિહાર બાદ મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ સહિતનાં ૩ રાજયોમાં વધુ ટ્રેનો ફાળવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ ટ્રેનોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ૧૨૦૦ જેટલા મુસાફરોએ પ્રવાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સરકાર દ્વારા પરીવહન સેવાઓને છુટ મળતા જ આ ટ્રેનો આ પ્રકારની જોગવાઈઓ સાથે જ ચાલુ રહેશે તેમાં શંકાને સ્થાન નથી.

Loading...