જૂનાગઢમાં બૂટલેગરના ઘરે દરોડા : દારૂ ન મળ્યો પણ રૂ.૩૨ લાખની રોકડ મળી !!

ચોરખાનમાં છૂપાવેલી મોટી રોકડ રકમ પોલીસે કબ્જે કરી તપાસ આદરી

જુનાગઢ દારૂના ધંધાર્થીઓની તપાસ દરમિયાન બુટલેગરના ઘરમાં તપાસ કરતા બુટલેગર હાથ લાગ્યો નહોતો, પરંતુ તેના ઘરના મંદિરના નીચે બનાવેલા છુપા ભોંયરામાંથી ૩૨ લાખ રૂપિયાની રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આદેશો જારી કર્યા હતા, અને નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝૂંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા સ્ટાફે બાતમી આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હીરાભાઈ પૂંજાભાઈ ભારાઈ  રબારી ગાંધીગ્રાામમાથી પકડી પાડી, ધરપકડ કરવા માટે તેના રહેણાંક મકાને રેઇડ કરવામાં આવેલ હતી.

જો કે, આરોપી હીરાભાઈ પૂંજાભાઈ ભારાઈ ઘરે હાજર મળી આવેલ ના હતો, પણ તેના પિતા પૂંજાભાઈ વરજાંગભાઈ ભારાઈ હાજર મળી આવેલ હતા. અને સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મકાનમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા, મકાનની અંદર આવેલ મંદિર નીચેની લાદી ખેસવી, તપાસ કરતા ભોંયરા જેવું ચોર ખાનું મળી આવેલ હતું. જે ચોરખાનામાં તપાસ હાથ ધરવામાં આવતા સાત જેટલી નાની પેટીમાં જુદા જુદા દરની રૂ. ૩૨,૫૩,૦૦૦ ની ચલણી નોટો મળી આવેલ હતી. તપાસ દરમિયાન માતબર રકમની ચલણી નોટો મળી આવતા, પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી અને હાજર આરોપી હીરા પૂંજાભાઈ રબારીના પિતા પૂંજાભાઈ વરજાંગભાઈ ભારાઈએ સંતોષકારક જવાબ આપી શકેલા ના હતા. જેથી, સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તમામ રોકડ રકમ રૂ. ૩૨,૫૩,૦૦૦ કબજે કરવામાં આવેલ હતા.

આમ, વોન્ટેડ આરોપીની તપાસમાં ગયેલ સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી આરોપીના ઘરની ઝડતી તપાસમાં લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવેલ હતી.

Loading...