Abtak Media Google News

રાફેલ સોદાની ગેરરીતિની ફાઈલો પૂર્વ સંરક્ષણમંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના બેડરૂમમાં હોવાની ઓડીયો ટેપ રજૂ કરીને રાહુલે પત્રકાર પરિષદમાં આ મુદે પરિકર મોદીને ‘બ્લેકમેલ’ કરી રહ્યાનો દાવો કર્યો

ઉત્તર ભારતમાં પડતી કાતિલ ઠંડી વચ્ચે સંસદના શિયાળુ સત્રમાં સત્રધારી અને વિપક્ષના આક્ષેપો-પ્રતિ આક્ષેપો વચ્ચે ગરમાવો આવી જવા પામ્યો હતો. લોકસભામાં રાફેલ મુદે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરતા આ ખરીદીમાં ભારે ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો હતો. આ મુદે રાહુલે એક ઓડીયો કલીપ જાહેર કરીને સરકારને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જેના જવાબમાં નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદે મોદી સરકાર અણીશુધ્ધ હોવાનો દાવો કરીને કોંગ્રેસે આચરેલા ભ્રષ્ટાચારોની વિગતો આપી હતી. દિવસભરના આ ધમાસાણ બાદ રાહુલ ગાંધીએ આ મુદે વડાપ્રધાન મોદીને ૨૦ મીનીટ વન-ટુ-વન ચર્ચા કરવા પડકાર ફેંકયો હતો.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહૂલ ગાંધીએ એક પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતુ કે મોદીમાં હિંમત હોય તો રાફેલ સોદા કે બીજા કોઈ નિતિવિષયક મુદા પર ૨૦ મીનીટ સીધી ચર્ચા કરે તેમને આવી સીધી ચર્ચા કરવાની મોદીમાં હિંમત ન હોવાનો પણ દાવો કર્યો હતો.

મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરીને અનિલ અંબાણીને કોન્ટ્રાકટ અપાવીને ૩૦ હજાર કરોડ રૂ.ની ગેરરીતિ આચરવામાં આવ્યાનું જણાવ્યું હતુ રાહુલે આ મુદે આક્રમક વલણ અપનાવતા જણાવ્યુંં હતુ કે આ સોદાની વિગતો જ જણાવે છે કે ‘ચોકીદાર ચોર છે ’ લોકસભામાં અ‚ણ જેટલીએ આપેલા જવાબ અંગેના પત્રકારોએ પુછેલા પ્રશ્ન ના જવાબમાં રાહુલે આ આક્ષેપ કર્યો હતો.

લોકસભામાં રાફેલ સોદા પર રાહુલના આક્ષેપોના જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતુ કે ‘દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કે જેના અધ્યક્ષ તરીકે ભૂતકાળમાં અનેક રાજકીય મહાનુભાવોએ સેવાઓ આપી છે. તેના વર્તમાન અધ્યક્ષને લડાકુ હવાઈ જહાજ અંગેનું સામાન્ય જ્ઞાન પણ નથી જે અંગે રાહુલે જણાવ્યું હતુ કે ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેની ઓડીયો ટેપ તેમની પાસે છે જેમાં તેઓ સ્પષ્ટ કહે છે કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર કે જેઓ રાફેલ સોદા વખતે દેશના સંરક્ષણ મંક્ષી હતા તેમની પાસે રાફેલ સોદાની ગેરરીતિની તમામ ફાઈલો તેમના બેડરૂમમાં છે. આ ફાઈલોના આધારે પરિકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘બ્લેકમેલ’ કરી રહ્યા છે.

રાહુલે એવો પણ દાવો કર્યો હતો. કે રાફેલ સોદામા ગેરરીતિની વિગતો વાળી તેમની પાસે ઓડીયો કલીપ છે તે સાચી છે અને આવી અનેક ઓડીયો કલીપો તેમની પાસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો લોકસભામાં ૫૮ હજાર કરોડ રૂ.ના રાફેલ સોદાની જોઈન્ટ પાર્લીયામેન્ટરી કમિટી દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે જેને લઈને લોકસભામાં બંને પક્ષો વચ્ચે સામસામા આક્ષેપો થયા હતા જે બાદ રાહુલે આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કરીને સીધી ચર્ચાનું આહવાન કર્યું હતુ.

રાફેલ-ટ્રીપલ તલાકને લઇ બન્ને ગૃહોમાં સાંસદોને હાજર રહેવા કોંગ્રેસનું ફરમાન

સંસદના શિયાળુ સત્રમાં લોકસભા અને રાજયસભા બંને ગૃહોમાં રાફેલ સોદા તથા ત્રિપલ તલ્લાક જેવા મહત્વપૂર્ણ મુદાઓ પર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં પોતાના તમામ સાંસદો હાજર રહે તે માટે કોંગ્રેસ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. ગઈકાલે લોકસભામાં રાફેલ સોદાની ચર્ચા દરમ્યાન સત્તાધારી અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉગ્ર વાતાવરણ થઈ જવા પામ્યું હતુ જે દરમ્યાન રાહુલે મોદીને સીધો પડકાર ફેંકી તેમનામાં સંસદમાં જવાબ દેવાની હિંમત ન હોવાના દાવો કર્યો હતો. જેના જવાબમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અ્ધ્યક્ષને ખોટા ગણાવ્યા હતા આજે પણ આ મુદે લોકસભામાં ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. જયારે રાજયસભામાં ત્રિપલ તલાક અને જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મુદે ચર્ચા થવાની છે. આમ, બંને ગૃહોમાં અતિ અગત્યની ચર્ચા થવાની હોય કોંગ્રેસે વ્હીપ જાહેર કરીને તેમના તમામ સાંસદોને બંને ગૃહોમાં હાજર રહેવા ફરમાન કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.