Abtak Media Google News

રાહુલને બુલેટપ્રુફ કારની ઓફર છતા ખાનગી કાર પસંદ કરી: મુખ્યમંત્રી રૂપાણી

પૂરપીડિત બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ફોર્ચ્યુનર કાર ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે ગાડીનો કાચ ફુટી ગયો હતો. આ ઉપરાંત રાહુલ ગાંધીના કમાન્ડોને ઈજા પણ પહોંચી હતી. રાહુલ ગાંધીએ આ ઘટના બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે પથ્થરમારાથી ડરતા નથી, હું પૂરપીડિતોના દુ:ખમાં સહભાગી થવા આવ્યો છું. તેમના દર્દને સમજવા આવ્યો છું મારો વિરોધ કરનારા ડરપોક છે. રાહુલ ગાંધીએ અસરગ્રસ્તોને કહ્યું હતું કે, ગુજરાત, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર નથી પણ કોંગ્રેસના કાર્યકરો તેમના પ્રશ્ર્નો રાજયસભા સુધી પહોંચાડશે અને જરૂરીયાતમંદ લોકોને જલ્દી સમય મળે તે માટેના પુરતા પ્રયાસો કરવામાં આવશે.

ધાનેરાના લાલચોક ઉપરથી સભા પુરી કરીને રાહુલ ગાંધી હેલીપેડ તરફ જઈ રહ્યા હતા તેવામાં અજાણ્યા શખ્સે તેની કાર ઉપર પથ્થર ફેંકયો હતો. આ ઉપરાંત સભામાં પણ રાહુલ ગાંધીનો કાળા વાવટા ફરકાવીને વિરોધ શરૂ કરવામાં આવતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ધાનેરા એપીએમસીમાં પણ મોદી સરકાર તરફી અને કોંગ્રેસ વિરોધી સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

પ્રદર્શન કારીઓએ કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસે ગુજરાતના લોકોની મદદ કરી નથી. રાહુલ ગાંધીનો વિરોધ અને પથ્થરમારાની ઘટનાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાહુલ ઉપર હુમલાની ઘટનાને વખોડી હતી અને જવાબદારો સામે સખત પગલા લેવા અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને બુલેટ પ્રુફ કારની ઓફર કરવામાં આવી હતી પણ ખાનગી કારમાં પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાનું નકકી કર્યું હતું.

રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારાની ઘટના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગણતરીના કલાકોમાં વિરોધ શ‚ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ગુજરાતના તમામ મથકોએ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે અને રજુઆતોનો દોર પણ શરૂ થયો છે.

રાહુલ ઉપર હુમલાની ઘટના બાદ કોંગ્રેસના રાજયસભા બેઠકના ઉમેદવાર અહેમદ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે તે ફરી એક વખત પૂરવાર થયું છે. બીજી તરફ રાહુલ ગાંધી ઉપરના હુમલા અને ભાજપ દ્વારા રાહુલ સામે કરવામાં આવેલા સુત્રોચ્ચાર બાદ ફરિયાદ નોંધાવવા માટે પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

એક તરફ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોર મોકલી દેવામાં આવ્યા છે અને ધારાસભ્યોના રાજીનામા બાબતે પણ ગુજરાતનું રાજકારણ ડહોળાયેલું છે તેવામાં હવે રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારાની ઘટનાથી વધુ એક વખત આક્ષેપબાજી શરૂ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.