Abtak Media Google News

સત્તા મળશે તો દસ જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાનું રાહુલ ગાંધીનું વચન

રાહુલ ગાંધીએ ધર્મના દલાલના મામલે કરેલુ નિવેદન ટૂંક સમયમાં વિકરાળ વિવાદનું સ્વ‚પ ધારણ કરે તેવી શકયતા છે. સોમનાથ મંદિરમાં બિન હિન્દુ રજિસ્ટરમાં રાહુલ ગાંધીના નામના મુદ્દે વિવાદ વકર્યા બાદ રાહુલ ગાંધીએ અમે ધર્મના દલાલ નથી તેમ કહેતા હવે આ પ્રકરણ કયાં જઈ અટકશે તે જોવાનું રહ્યું.

અમરેલીમાં વેપારીઓ સાથેની બેઠકમાં હિન્દુત્વના વિવાદ પર રાહુલ ગાંધીએ પહેલીવાર ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મારા દાદી જ નહીં, મારો પરિવાર શિવ ભક્ત છે. આમા જાહેરમાં બોલવાથી શું ફાયદો આ મારો ધર્મ છે. બધી જ વસ્તુઓનો વેપાર કે દલાલી ન હોય, અમે ધર્મની રાજનીતિ કરતા નથી, મારે કોઈના સર્ટીફીકેટની જ‚ર નથી.

ગુજરાતમાં બે દિવસીય ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમરેલીમાં જીએસટી, નોટબંધીને લીધે નાના ઉદ્યોગકારો સાથે બેઠકમાં મુશ્કેલીઓ જાણી હતી. તેમણે લાઠી ખાતે લોકોને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તેમના પાંચ થી દસ ઉદ્યોગકાર મિત્રોની ૧.૨૫ લાખ કરોડની લોન માફ કરી હતી. પરંતુ ખેડૂતોના દેવા માફીની વાત આવે ત્યારે મોદી અને જેટલીજી પોલીસીનું બહાનું આગળ ધરતા હોવાનો આક્ષેપ રાહુલે કર્યો છે. રાહુલ ગાંધીએ સત્તા મળશે તો ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સત્તા ઉપર આવ્યાના દસ જ દિવસમાં અમે ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરી દઈશું. વડાપ્રધાન મોદીજીએ ૨૨ વર્ષ સુધી ખેડૂતો અંગેની માત્ર વાતો જ કરી છે. કોઈ પગલા લીધા નથી. ખેડૂતોની જમીનો છીનવી લેવાઈ, પાણી ઉદ્યોગોને આપી દેવાયું અને પાક વિમા ન અપાયા હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.