Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૨૫મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં ત્રિદિવસીય ‘રોડ-શો’નો પ્રારંભ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી કરશે. જેમાં તેઓ દ્વારકા, જુનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં થઈને સુરેન્દ્રનગર પહોંચશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આગામી તા. ૨૫થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન ત્રિદિવસીય ‘રોડ-શો’નો પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પ્રારંભ કરશે.

યાત્રાધામ દ્વારકાથી શરૂ થનાર આ ‘રોડ-શો’ દ્વારકાથી જામનગર, રાજકોટ થઈને સુરેન્દ્રનગરમાં તા. ૨૭મીએ પૂર્ણ થશે. આ ‘રોડ-શો’ દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ નજીકના કાગવડ ખાતેના ખોડલધામ સ્થિત પાટીદારોના કુળદેવી ખોડીયાર માતાના દર્શન કરશે એમ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં સોમવારે તાલુકા-જિલ્લા પ્રમુખો, વિધાનસભાના નિરીક્ષકો અને પ્રદેશના પદાધિકારીઓ સાથેની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રવાસ અને ‘રોડ-શો’ અંગે ચર્ચા કરીને સંબંધિત લોકોને તેમની જવાબદારી સોંપવામાં આવી હતી.

સોલંકીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના ‘રોડ-શો’ દરમિયાન દ્વારકાથી જામનગર વચ્ચે આવતા ગામડાં, ટાઉનના નાગરિકોને મળશે તેમજ સંબોધન કરશે અને ભોજન કરશે. જામનગર શહેરમાં રોડ-શો કરીને ત્યાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે જામનગરથી નીકળીને રાજકોટ પાસેના પાટીદારોના આસ્થા સમાન એવા કાગવડ સ્થિત ‘ખોડલધામ’માં ખોડીયાર માતાજીના દર્શન કરીને ‘રોડ શો’ દ્વારા રાજકોટ પહોંચશે. ત્યાર બાદ રાજકોટથી ૨૭મીએ સવારે પ્રસ્થાન કરીને રાહુલ ગાંધી સુરેન્દ્રનગર રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.