રાહુલ ગાંધીની છબી ૨૦૧૪ કરતા વધુ ખરડાઇ છે : રૂપાણી

505

મુંબઈમાં ભાજપના ગુજરાતી ઉમેદવાર મનોજ કોટકને જીતાડવા વિજયભાઈ રૂપાણી મેદાનમાં

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની છબી વર્ષ ૨૦૧૪ની સાપેક્ષમાં વધુ ખરડાઈ છે. તેમની અપરિપકવ વર્તણુકને લીધે સોશ્યલ મીડિયામાં તેમની ખુબ નિંદા પણ કરવામાં આવે છે જે ખૂબ દયનીય છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, જેમ ૨૦૧૪માં મોદી વેવ આવ્યું હતું તેમ ૨૦૧૯માં તો મોદી સુનામી આવવાની છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અપરિપકવ વર્તણુકને કારણે સોશ્યલ મીડિયામાં રાહુલ ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. રાહુલની છબી ગંભીર ન હોય તેવા રાજકારણીની છે. પાર્લામેન્ટમાં તે જેવું વર્તન કરે છે તે તેની અપરિપકવતા બતાવે છે. રાહુલની છબી વર્ષ ૨૦૧૪ કરતા ખરડાઈ ચૂકી છે.

મુંબઈ નોર્થ ઈસ્ટના ભારજપના ઉમેદવાર મનોજ કોટકને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ એવું પણ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં મોદી વેવ આવી હતી જેનો સાક્ષી સમગ્ર દેશ છે. આ વર્ષે પણ લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામી આવવાની છે. વર્ષ ૨૦૧૪માં લોકો ઈચ્છતા હતા કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને ત્યારે આ વખતે લોકો કહે છે કે, મોદી જ વડાપ્રધાન પદ માટે સાચી પસંદગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રને વૃદ્ધિ અપાવી છે. દેશમાં ઘણા વર્ષો બાદ પારદર્શક અને વિશ્ર્વસનીય શાસન થયું છે.

વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, પુલવામા ખાતે હુમલો થયા બાદ ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારથી મોદી નિર્ણાયક વડાપ્રધાન તરીકે જાણીતા થયા છે. વડાપ્રધાન મોદી મજબૂત અને સ્થિર સરકારનું બરાબર રીતે નેતૃત્વ કરી રહ્યાં છે. લોકો માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર જ મત આપી રહ્યાં છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટ્રમ્પ કાર્ડ માને છે પરંતુ પ્રિયંકા ગાંધી માત્ર ઉત્તરપ્રદેશ પુરતા જ મર્યાદિત છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માત્ર એક કે બે જ સીટો જીતી શકવાની છે.

બીજા એક પ્રશ્ર્નના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે બહુમતી હિન્દુ પ્રજાની વિરુધ્ધમાં જઈને હિન્દુ આતંકના નામે હિન્દુ વિરોધી લાગણી પ્રબળ બનાવી છે. જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજ્જો આપનારી બંધારણીય કલમ ૩૭૦ને રદ્દ કરવાનો ઈન્કાર કરી કોંગ્રેસે તે હિન્દુ વિરોધી છે તે તાજેતરમાં ફરીથી પુરવાર કર્યું છે. આ બધા કારણે લોકો મનમાં કોંગ્રેસ પ્રત્યેની નકારાત્મક વલણ ઉભુ થયું છે. મોટાભાગના હિન્દુ મતદારો કોંગ્રેસની વિરુધ્ધ છે અને તેથી જ તેને એટલે કોંગ્રેસને મત નહીં આપે. માલેગાવ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપને લોકસભાની ટિકિટ આપવા મુદ્દે રૂપાણીએ જણાવ્યું હતું કે, હિન્દુ આતંકના શબ્દોથી હિન્દુઓને બદનામ કરવાનો પ્રયાસ કરનારા કોંગ્રેસને સબક શીખવવા સાધ્વીજીને ટિકિટ અપાઈ છે. હેમંત કરકર સામે પ્રજ્ઞા ઠાકુરને ટિપ્પણી અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, તેણીએ આવું કહ્યું નથી.

રૂપાણીએ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર થયેલી એર સ્ટ્રાઈક અને તાજેતરમાં થયેલી સશસ્ત્ર દળોની જીત સમાન ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સૈન્યને યોગ્ય સમયે મુકત હાથે કાર્યવાહી કરવાની છુટ આપી છે. જયારે કોંગ્રેસે સશસ્ત્ર દળોને પાછા ખેંચવાની વાતો કરે છે. લોકો આ તફાવત જુવે છે અને મોદીની પ્રશંસા કરે છે.

Loading...