Abtak Media Google News

પાક વીમા પ્રશ્ને ધારાસભ્ય લલીત કગથરા સહિતનાએ દિલ્હી દોડી જઈને ખેડૂત રેલી યોજવાનો પ્રસ્તાવ મુકયો

ગરીબ પરિવારોના ખાતામાં વાર્ષિક રૂ૭૨૦૦૦ જમા કરાવવાની રાહુલ ગાંધીની જાહેરાતને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, જિલ્લા પ્રમુખ હિતેશ વોરા અને ધારાસભ્ય લલીત કગથરાએ આવકારી

પાક વીમા પ્રશ્ને કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક આગેવાનોએ ખેડૂતોની રેલી યોજવા માટે તંત્ર પાસે મંજૂરી પણ માંગી હતી પરંતુ તંત્ર દ્વારા રેલીઓને મંજૂરી અપાતી ન હોય ધારાસભ્ય લલીત કગથરા સહિતના કોંગી અગ્રણીઓએ દિલ્હી ખાતે દોડી જઈ પોતાની વ્યથા ઠાલવીને રાજકોટમાં રાહુલ ગાંધીની વિશાળ ખેડૂત રેલી યોજવાનો પ્રસ્તાવ હાઈ કમાન્ડ સમક્ષ મુકયો છે જેનો હકારાત્મક જવાબ મળતા આગામી દિવસોમાં રાજકોટમાં રાહુલ ગાંધીની વિશાળ ખેડૂત રેલી યોજાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.Dsc 8998

તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મીનીમમ ઈન્કમ સ્કીમ ગેરંટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે યોજના હેઠળ દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને વાર્ષિક રૂ.૭૨૦૦૦ આપવામાં આવનાર છે. આ યોજનાનો ૨૫ કરોડ ગરીબ નાગરિકોને લાભ મળનાર છે. આ યોજનાને આવકારતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને નોટબંધી કરી ગરીબ પ્રજાના રૂપિયા છીનવી લીધા હતા. જયારે રાહુલ ગાંધી રિમોનીટાઈઝેશન કરીને દેશની ગરીબ જનતાને લાભ આપશે.

ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ જણાવ્યું કે, હાલ સરકાર ખોટા પ્રચાર-પ્રસાર અને જાહેરતોમાં જે અબજોના ખર્ચ કરે છે તે, કાર્યક્રમો યોજીને ખોટા ખર્ચ કરે છે તે તેમજ અન્ય ખર્ચાઓ બચાવીને રાહુલ ગાંધી આ યોજના અમલમાં મુકશે જેનો લાભ દેશની ગરીબ જનતાને મળવાનો છે. વધુમાં તેઓએ પાક વીમા મુદ્દે જણાવ્યું કે, જે તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો હોય તે તાલુકામાં ઝીરો ટકા પાક વીમો કઈ રીતે જાહેર થઈ શકે તે મોટો પ્રશ્ન છે.

પડધરી, ઉપલેટા અને ધોરાજીમાં ઝીરો ટકા પાક વીમો જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય તાલુકામાં પણ નહીંવત જેટલો પાક વીમો જાહેર કરાયો છે. સરકાર વીમા કંપનીને કમાવી દેવા ભ્રષ્ટાચાર આચરી રહી છે. આ મામલે વિરોધ નોંધાવવા તંત્ર પાસેથી રેલી સહિતના કાર્યક્રમો યોજવાની મંજૂરી માંગવામાં આવી રહી છે પરંતુ તંત્ર આ મંજૂરી આપતું નથી.

આ વ્યથા રજૂ કરવા તેઓ અન્ય બે ધારાસભ્યોની સાથે દિલ્હી ખાતે હાઈ કમાન્ડને મળવા પહોંચ્યા હતા. જયાં તેઓએ રાહુલ ગાંધીની આગેવાનીમાં રાજકોટમાં વિશાળ ખેડૂત રેલી યોજવાનો પ્રસ્તાવ મુકયો છે. આ પ્રસ્તાવ સામે હાઈ કમાન્ડે હકારાત્મક વલણ દાખવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.