Abtak Media Google News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે: રાત્રી રોકાણ સુરતમાં કરશે: બપોરે વંથલીમાં અને સાંજે ભુજમાં ચૂંટણીસભા સંબોધશે

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ તથા કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતને ધમરોળી રહ્યા છે. આજથી બે દિવસ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે જુનાગઢના વંથલી ખાતે અને સાંજે કચ્છમાં ભુજ ખાતે ચુંટણીસભા સંબોધશે. રાત્રી રોકાણ સુરત ખાતે કરશે. આવતીકાલે તેઓ બારડોલીમાં જાહેરસભા સંબોધવાના છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુ અને શુક્રવારે ગુજરાતના ચુંટણી પ્રવાસે છે. આજે બપોરે ૩:૩૦ કલાકે રાહુલ ગાંધી રાયબરેલી હવાઈમાર્ગે સીધા કેશોદ આવી પહોંચશે ત્યાંથી તેઓ બપોરે ૪ વાગ્યે કેશોદથી વંથલી જવા રવાના થશે. રાહુલ ગાંધી વંથલીમાં બપોરે ૪ થી ૫ વાગ્યા સુધી પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠક માટે ચુંટણીસભા સંબોધશે. જુનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુંજાભાઈ વંશ અને પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયા ચુંટણી લડી રહ્યા છે.

વંથલીમાં જાહેરસભા સંબોઘ્યા બાદ રાહુલ ગાંધી ૫:૩૦ કલાકે ફરી કેશોદ આવી પહોંચશે અને ત્યાંથી સ્પેશિયલ ફલાઈટ મારફત ભુજ જવા માટે રવાના થશે. સાંજે ૬:૧૫ કલાકે રાહુલ ગાંધી ભુજમાં એક ચુંટણીસભા સંબોધશે અને ૭:૩૦ કલાકે ભુજથી સુરત જવા માટે રવાના થશે. સુરત ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે અને અહીં વેપારીઓ અને ઉધોગપતિઓ સાથે ચર્ચાઓ કરશે. આવતીકાલે રાહુલ ગાંધી બારડોલીમાં જાહેરસભા સંબોધશે.

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ૨૦૧૪ જેવા પરીણામનું પુનરાવર્તન ન થાય તે માટે ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રચાર કમાન પોતાના હસ્તક લઈ લીધી છે. આ પૂર્વે પણ તેઓ ગત સપ્તાહે ગુજરાતમાં ચુંટણી પ્રવાસે આવ્યા હતા અને રાજુલા તથા દક્ષિણ ગુજરાતમાં ચુંટણીસભાઓને સંબોધી હતી. આજે વંથલી અને ભુજ ખાતે રાહુલ ગાંધી ચુંટણીસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની ઝાટકણી કરે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.