Abtak Media Google News

રા.લો. સંઘના પરિણામ સહકારી ક્ષેત્રમાં ધમાસાણ સર્જશે

નરેન્દ્રસિંહના ડિરેક્ટર પદને લઈને હરદેવસિંહનો વિરોધ યાર્ડમાં ‘પડઘા’ પાડશે: ચેરમેન અને વાઇસચેરમેન પદ માટે બે જૂથ વચ્ચે રેસ : ત્રણ બેઠકોના પરિણામ બાદ પણ રૈયાણી જૂથનો ૮ ઉમેદવાર હોવાનો દાવો

રાજકોટ લોધિકા સંઘમાં વિવાદો હજુ સમ્યા નથી. હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંકને લઈને બે જૂથ વચ્ચેની લડાઈ ચરમસીમાએ પહોંચી છે. જેમાં બન્ને જૂથો પોતાના ચેરમેન બનાવવા કમર કસી રહ્યા છે. જો કે આ વિવાદના પડઘા યાર્ડની ચૂંટણીમાં પડશે તે વાત નક્કી છે.

રાજકોટ ડેરી બાદ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થતાની સાથે જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો.નીતિન ઢાંકેચા અને  મનસુખ સરધારાની સામે ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની પેનલ ઊભી રાખી હતી. રા.લો. સંઘની ચૂંટણીમાં ૪ ઓગસ્ટે ફોર્મ ભરાયા હતા. બાદમાં ૨૪ ઓગસ્ટે મતદાન અને ૨૫મીએ મતગણતરી કરવામાં આવી હતી. રાજકોટ લોધિકા સંઘની ૧૫ બેઠકની ચૂંટણી બીનહરીફ કરાવવા માટે કેબીનેટમંત્રી જયેશ રાદડીયાએ રૈયાણી અને ઢાંકેચા જૂથને સાથે બેસાડી સમાધાનના પ્રયાસો કરતા ૧૨ બેઠક બિનહરીફ થઇ હતી. પરંતુ ત્રણ બેઠક માટે સમાધાન ભાંગી પડ્યું હતું. અને ચૂંટણી યોજવાની નોબત આવી હતી.

રાજકોટ-લોધીકા સહકારી સંઘની ૧૫માંથી ૧૩ બેઠક બિનહરીફ થયા બાદ બાકી બચેલી ત્રણ બેઠકની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે મતદાન થયું હતું. તેમાં છ ઉમેદવાર સહિત ૧૩ મતદારોએ મતદાન કર્યું હતું. આ ત્રણ બેઠકોમાં ઢાંકેચા જૂથના લક્ષ્મણભાઈ સિંધવ, નરેન્દ્રભાઈ ભુવા અને ભપેન્દ્રસિંહ જાડેજા સામે રૈયાણી જૂથના પ્રવીણ સખીયા, કરશનભાઈ ડાંગર અને રઘુવીરસિંહ જાડેજા મેદાને પડ્યા હતા. જેમાં રૈયાણી જૂથે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

હારનો સ્વાદ ચાખ્યા બાદ પણ રૈયાણી જૂથે પોતાની પાસે ૮ ઉમેદવારો હોવાનો દાવો કરી ચેરમેન તેમના જૂથમાંથી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ સામે નીતિન ઢાંકેચા જૂથે પણ ચેરમેન પોતાના જૂથમાંથી બનાવવા કમર કસી હોય ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે અંદરોઅંદર વિવાદ જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટ લોધિકા સંઘમાં પદ માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેની અસર યાર્ડ ઉપર થશે તે વાત નક્કી છે. નરેન્દ્રસિંહ જાડેજા જીવન બેંકના મેનેજીંગ ડિરેક્ટર હોય હરદેવસિંહ દ્વારા તેમના ડિરેક્ટર પદ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ નરેન્દ્રસિંહ દ્વારા તેઓ કોઈ આર્થિક વેતન ન મેળવતા હોવાનો પુરાવો રજૂ કરીને તેઓનો બચાવ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.