રા.લો. સંઘમાં ચેરમેનપદ માટે નીતિન ઢાંકેચાનો ‘વિજય’ વિશ્વાસ

છેલ્લા કેટલાય સમયથી ચેરમેનપદે રહેલા નીતિન ઢાંકેચાની તરફેણમાં ૧૯ પૈકી ૧૧ સભ્યો હોવાનો દાવો : ધારાસભ્ય રૈયાણીનો ‘પનો’ ટૂંકો પડવાની ધારણા

રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદની ચૂંટણી આગામી તા.૧૩ના રોજ યોજાનાર છે. જેમાં સમાધાનના પ્રયાસો તો થયા પણ તે સફળ રહ્યા ન હોય ચૂંટણી યોજાશે તે નક્કી છે. સંઘના ચેરમેન પદ માટે નીતિન ઢાંકેચા ’વિજય’ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેઓની તરફેણમાં ૧૯ પૈકી ૧૧ સભ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્તમાન સ્થિતિ જોતા ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પનો ટૂંકો પડવાની ધારણા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભારે ખેંચતાણ બાદ હવે ચેરમેન પદની ચૂંટણી આવી છે. જેને હવે થોડા જ દિવસો બાકી હોય રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ જિલ્લા બેન્કની ચૂંટણી જે રીતે બિનહરીફ જાહેર થઈ તે રીતે રા.લો. સંઘની ચૂંટણીને પણ બિનહરીફ જાહેર કરવાના પ્રયાસો થયા હતા. આ માટે ભાજપના અનેક જુના જોગીઓ મેદાને પડ્યા હતા. પરંતુ તેઓના પ્રયાસો નિષફળ નિવડયા હતા અને અંતે ચૂંટણી યોજવાની નોબત આવી હતી.

ત્યારબાદ હવે આગામી તા.૧૩ના રોજ ચેરમેન પદ માટેની ચૂંટણી પણ યોજાવાની છે. જેમાં પણ સમાધાન થાય તેવી કોઈ શકયતા દેખાઈ રહી નથી. એક તરફ છેલ્લા ઘણા સમયથી ચેરમેન રહી ચૂકેલા નીતિન ઢાંકેચા છે. તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે. બન્ને પોતાના સ્થાને મક્કમ હોય ચૂંટણી યોજાશે તે સ્પષ્ટ છે.

બીજી તરફ નીતિન ઢાંકેચા સાથે ચૂંટણી અંગે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે તેઓની તરફેણમાં ૧૯ સભ્યો પૈકી ૧૧ સભ્યો છે. માટે તેઓનો વિજય નિશ્ચિત છે. જ્યારે આ બાબતે વાત કરવા માટે ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ સંપર્ક ક્ષેત્રની બહાર હોય સંપર્ક થઈ શક્યો ન હતો.

હાલ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના વર્તમાન માહોલ પરથી નિષ્ણાંતો એવું તારણ કાઢી રહ્યા છે કે ચેરમેન પદની ચૂંટણીમાં નીતિન ઢાંકેચાનો વિજય નિશ્ચિત છે. સામે ધારાસભ્ય અરવિંદ રૈયાણીને હારનો સ્વાદ ચાખવો પડે તેવી શકયતા છે.

૧૩મીએ ચૂંટણી: કેવી હશે ચૂંટણીની પ્રક્રિયા?

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને જણાવ્યું કે રા.લો.સંઘની ચૂંટણી આગામી તા. ૧૩ તારીખે યોજાશે આ ચૂંટણી રા.લો સંઘની બિલ્ડીંગમાં જ યોજાશે આ ચૂંટણીમાં ૧૬ ચૂટાયેલા સભ્ય અને ચાર અન્ય સભ્ય મળી કુલ૨૦ સભ્ય ભાગ લેશે. જો પ્રમુખ ઉપપ્રમુખ માટે એક એક જ ઉમેદવારી મળે તો ચૂંટણી યોજાશે અન્યથા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સંપૂર્ણ તકેદારી સાથે ગુપ્ત મતદાનની વ્યવસ્થાગોઠવવામાં આવશે. આ વેળાએ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. વધુમાં ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે જો ઉમેદવારો વચ્ચે ટાઈ થાય તો ચીઠ્ઠી નાખીને વિજેતા જાહેર કરવામાં આવશે.

Loading...