Abtak Media Google News

વિશ્વકપમાંથી ભારતીય ટીમ આઉટ થતાં ભારતવાસીઓ નિરાશ: કીવીનો ફાઈનલમાં પ્રવેશ

વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેન ઈન બ્લુ અને કિવી વચ્ચે રમાઈ હતી. જેમાં ૨૪૦નાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમનું અભિગમ હકારાત્મક રહ્યો ન હતો અને કિવીઝની ચુસ્ત બોલીંગનાં કારણે ભારતીય ટીમનો ૧૮ રને પરાજય થયો હતો. જેમાં રોહિત શર્મા, લોકેશ રાહુલ અને ટીમનાં સુકાની વિરાટ કોહલી માત્ર ૧ રન બનાવી પેવેલિયન તરફ પરત ફર્યા હતા. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, ટીમ ૨૪૦ રનનો સ્કોર ખુબ જ સરળતાથી હાંસલ કરી લેશે પરંતુ ૧૮ રનથી મળેલી મારનાં પગલે ભારતીય વિશ્વકપમાંથી આઉટ થઈ ગઈ છે જેને લઈ કરોડો ભારતીય લોકોમાં  નારાજગી વ્યાપી જવા પામી છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારો રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી નિષ્ફળ જતાં ભારત વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઇનમાં ભારત ૧૮ રનથી હારી ગયું હતું. રવીન્દ્ર જાડેજાએ લડાયક રમત દાખવી હતી. તેણે ધોની સાથે મળીને ભારતને વિજયની નજીક લાવી દીધું હતું પરંતુ ભારે રોમાંચ અને વારંવાર મેચનું પાસું પલટાયા બાદ ન્યૂઝીલેન્ડે બાજી જીતી લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ ભારતને કારમા પરાજયમાંથી બહાર લાવીને શાનદાર રમત દાખવી હતી અને કરોડો પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. જોકે પ્રારંભિક ધબડકાને કારણે કરોડો દેશવાસીઓ નિરાશ થયા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડે સળંગ બીજી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

વરસાદથી પ્રભાવિત બની ગયેલી અને બે દિવસ ચાલેલી સેમિફાઇનલમાં બોલર્સે ભારત માટે બાજી બનાવી દીધી હતી પરંતુ ન્યૂઝીલેન્ડે આપેલા ૨૪૦ રનના પડકાર સામે ભારત પ્રારંભમાં જ શરણે થઈ ગયું હતું જેમાંથી રવીન્દ્ર જાડેજાએ અને ધોનીએ ટીમને મેચમાં પરત લાવવાના ભરપુર પ્રયાસ કર્યા હતા તેમ છતાં અંત સમયે ભારત ૧૮ રનથી દૂર રહી ગયું હતું.  વર્તમાન વર્લ્ડ કપમાં ભારતે સતત સફળ દેખાવ કર્યો હતો. યજમાન ઇંગ્લેન્ડ સામેની મેચને બાદ કરતાં ભારતે તમામ મેચ જીતી હતી અને ફાઇનલમાં પ્રવેશવા માટે તે જ દાવેદાર હતું. મંગળવારે ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન પણ ભારતે વેધક બોલિંગ કરીને હરીફ ટીમને માંડ ૨૩૯ રન કરવા દીધા હતા. આમ બુધવારે સવારે ભારતીય ઇનિંગ્સનો પ્રારંભ થયો ત્યાં સુધી કોહલીની ટીમ ફેવરિટ હતી પરંતુ માત્ર પાંચ રનમાં ત્રણ વિકેટ ગુમાવવાની સાથે અચાનક જ ભારત મુશ્કેલીમાં આવી ગયું હતું. ટુર્નામેન્ટમાં પાંચ સદી ફટકારનારો રોહિત શર્મા ફક્ત એક જ રન કરી શક્યો હતો. વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં એકેય મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો અને બુધવાર તેમાંથી અપવાદ ન હતો કેમ કે તે પણ માત્ર એક રન કરી શક્યો હતો તો અગાઉની મેચમાં સદી ફટકારનારો લોકેશ રાહુલ પણ માત્ર એક જ રન કરી શક્યો હતો.

ભારતે ૯૨ રનમાં છ વિકેટ ગુમાવી દીધી ત્યારે કોઈ આશા રહી ન હતી પરંતુ સૌરાષ્ટ્રનો હોનહાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા મેદાનમાં આવ્યો ત્યાર બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. તેણે ધોની સાથે ધીમે ધીમે સ્કોર આગળ ધપાવ્યો હતો અને પછી આક્રમક વલણ અપનાવ્યું હતું. ૩૯ બોલમાં અડધી સદી પૂરી કરનારા જાડેજાએ ઝડપી રન લેવાની સાથે સાથે સિક્સર પણ ફટકારવા માંડી હતી. એક તબક્કે તો ધોની પણ જાડેજા સાથે રન દોડવામાં ધીમો પડતો દેખાતો હતો. બંનેએ સ્કોર ૨૦૦ ઉપર પહોંચાડીને ટીમને ટારગેટથી નજીક લાવી દીધી હતી. જાડેજાએ માત્ર ૫૯ બોલમાં જ ૭૭ રન ફટકારી દીધા હતા જેમાં ચાર સિક્સર અને ચાર બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો. મહેન્દ્રસિંહ ધોની મોટા ભાગે તેની વર્લ્ડ કપની અંતિમ મેચ રમી રહ્યો હતો. જેણે જાડેજાના સહયોગીની ભૂમિકા અદા કરી હતી. ધોની ધીમો હતો પરંતુ તેણે વિકેટ બચાવી રાખીને ૭૨ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.