Abtak Media Google News

જસદણ, બગસરા, બાબરા અને અમરેલીમાં એક ઈંચ વરસાદ:સૌરાષ્ટ્રમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી: ૧૨ અથવા ૧૩મી જુને ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી જવાની સંભાવના.

કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ પર ગુરુવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. નૈઋત્યનું ચોમાસુ હજુ સત્તાવાર રીતે શ‚ થયું નથી. છતાં છેલ્લા દશેક દિવસથી સૌરાષ્ટ્રમાં લોકલ ફોર્મેશનના કારણે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ જિલ્લાના વિંછીયા ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તથા વડિયા પંથકમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગુરુવારે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘાનું આગમન થયું હતું. રાજકોટમાં પણ બપોરે જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. કંટ્રોલ‚મના જણાવ્યાનુસાર આજે સવારે ૮ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના વિંછીયામાં ૫૨ મીમી અને જસદણમાં ૨૬ મીમી વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં હળવા ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લામાં ગુરુવારે મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું હતું. અમરેલી શહેરમાં ૧૭ મીમી, બાબરામાં ૨૦ મીમી, બગસરામાં ૨૮ મીમી, ધારીમાં ૬ મીમી, ખાંભામાં ૨ મીમી, લાઠીમાં ૪ મીમી, રાજુલામાં ૫૧ મીમી તથા વડિયામાં ૫૩ મીમી વરસાદ પડી ગયો હતો. આજે સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર કેરલમાં છેલ્લા પાંચેક દિવસથી સ્થિર થઈ ગયેલું નૈઋત્યનું ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં એકાદ બે દિવસમાં ચોમાસુ બેસી જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાતમાં સંભવત: ૧૨ અથવા ૧૩મી જુન આસપાસ ચોમાસુ બેસી જશે. હાલ ચોમાસાને અવરોધે તેવા કોઈ પરિબળ સક્રિય નથી. રાજયમાં ચોમાસુ સામાન્ય રહેશે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૭.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા પવનની સરેરાશ ઝડપ ૧૦ કિમી રહેવા પામી હતી.

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકિટવીટની અસરતળે આજે પણ છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા દશેક દિવસથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો હોય લોકોને ગરમીથી રાહત મળી છે. સતત ત્રણ વર્ષ ચોમાસુ નબળુ રહ્યા બાદ આ વખતે હવામાન વિભાગે ગુજરાતમાં ૧૦૦ ટકા વરસાદ પડશે તેવી આગાહી કરતા લોકોના હૈયે ટાઢક વળી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.