Abtak Media Google News

પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર ૫૦ ખેડૂતોને બોલાવાયા: ખરીદ પ્રક્રિયામાં વિલંબ થતા જગતાત અકળાયા: વિવાદના અંતે ૩૫ કિલોની બદલે ૩૦ કિલોની ભરતી માન્ય રાખવાની જાહેરાત

દરેક કેન્દ્રો પર સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે ખરીદી: ૩૦મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે: ૯૦ દિવસ સુધી મગફળીની ખરીદી કરાશેDsc 1511

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. તમામ ખરીદ કેન્દ્રો પર સવારે ૯ કલાકથી ખરીદ પ્રક્રિયા આરંભવામાં આવી હતી. પ્રથમ દિવસે દરેક કેન્દ્રો પર ૫૦ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જોકે પ્રથમ દિને જ ખેડુતોએ રાજકોટ ખાતે મગફળી ખરીદીની પ્રક્રિયામાં થતા વિલંબ સામે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત ખેડુતોએ ભરતીનું માપ ૩૦ કિલો રાખવાની ઉગ્ર માંગ કરી હતી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયાએ વિવાદને અંતે ૩૫ની બદલે ૩૦ કિલોની ભરતી માન્ય રાખવાની જાહેરાત કરી હતી.Dsc 1565

રાજકોટ સહિત રાજયભરનાં ૧૨૨ જેટલા માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આગામી ૯૦ દિવસ સુધી મગફળીની ખરીદી ચાલુ રાખવામાં આવનાર છે. આજે પ્રથમ દિવસે તમામ ખરીદ કેન્દ્રો પર સવારે ૯ થી ૯:૩૦ આસપાસ ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. દરરોજ સાંજે ૫ વાગ્યા સુધી ખેડુતોની મગફળી ખરીદવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આજે પ્રથમ દિવસે દરેક ખરીદ કેન્દ્રો ઉપર ૫૦ ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા. જોકે એક ખેડુતની મગફળી ખરીદવામાં ૨૫ મિનિટ જેવો સમય થાય છે ત્યારે આજે પ્રથમ દિવસે જ ૫૦ ખેડુતોની મગફળીની ખરીદી કેમ થશે તે પણ મોટો પ્રશ્ર્ન છે. રાજકોટના જુના માર્કેટ યાર્ડ ખાતે ત્રણ તાલુકાઓની મગફળી ખરીદવામાં આવી રહી છે ત્યારે આ સ્થળે ખેડુતોએ મગફળી ખરીદીની પ્રક્રિયામાં થતા વિલંબ સામે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત ભરતી ૩૫ની બદલે ૩૦ કિલોની રાખવાનો પણ આગ્રહ કર્યો હતો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયાએ ૩૦ કિલોની ભરતી પણ માન્ય રહેશે તેવી જાહેરાત કરી હતી.Dsc 1518

અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અનેક ગેરરીતીઓ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ વખતે મગફળીની ખરીદીમાં ગેરરીતીનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા પુરી તકેદારી રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જિલ્લાનાં આઠેય ખરીદ કેન્દ્રો પર વર્ગ-૧નાં અધિકારીને નિરિક્ષણ કરવા માટે હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે તમામ ખરીદ કેન્દ્રો પર ખેડુતોની મગફળીમાંથી બે સેમ્પલ લેવામાં આવશે. આ સેમ્પલની યોગ્ય ચકાસણી કરીને જો મગફળી નિયત કરવામાં આવેલા ધારાધોરણ મુજબની હોય તો જ ખરીદવામાં આવશે.Dsc 1508

રાજકોટ ખાતે આવેલા જુના માર્કેટયાર્ડ ખાતે રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ખેડુતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. જયારે ગોંડલ એપીએમસી સેન્ટર ખાતે ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાની મગફળીની ખરીદી થઈ રહી છે. આ સાથે બાકીના તાલુકાઓ જેતપુર, ધોરાજી, જસદણ, વિંછીયા, ઉપલેટા અને જામકંડોરણા ખાતે સ્થિત એપીએમસી સેન્ટરોમાં ત્રણ સ્થાનિક ખેડુતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. રાજકોટ તાલુકામાંથી ૧૩ હજાર મેટ્રીક ટન, ગોંડલ તાલુકામાંથી ૨૦ હજાર મેટ્રીક ટન, જેતપુર તાલુકામાંથી ૧૦ હજાર મેટ્રીક ટન, ઉપલેટા તાલુકામાંથી ૮ હજાર મેટ્રીક ટન, ધોરાજી તાલુકામાંથી ૯ હજાર મેટ્રીક ટન, લોધીકા તાલુકામાંથી ૬ હજાર મેટ્રીક ટન, કોટડાસાંગાણી તાલુકામાંથી ૮ હજાર મેટ્રીક ટન, જામકંડોરણા તાલુકામાંથી ૮ હજાર મેટ્રીક ટન અને વિંછીયા તાલુકામાંથી ૬ હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવનાર છે. આમ રાજકોટ જિલ્લામાંથી કુલ ૧ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવામાં આવનાર છે. જયારે ગઈકાલ સુધીમાં રાજકોટ જિલ્લામાં અંદાજે ૨૨ હજાર જેટલા ખેડુતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હજુ આગામી ૩૦મી સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલવાની છે. જયારે મગફળી ખરીદીની પ્રક્રિયા આગામી ૯૦ દિવસ સુધી ચાલશે.

૪૩ ટકા ખેડુતો દેણામાં ડુબ્યા !!!Dsc 1558

પોકેટબુક અનુસાર કૃષિ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પ્રમાણે ૩૯.૩૧ લાખ કૃષિ પરિવારો પૈકીના લગભગ ૪૩ ટકા લોકો દેવાદાર છે. ગુજરતામાં ૫૮.૭૨ લાખ ગ્રામીણ પરિવારો છે અને તેમાના ૬૬.૯ ટકા કૃષિમાં જોડાયેલા છે. જેમાંથી ૩૯.૩૧ લાખ ગ્રામીણ કૃષિ પરિવારો પૈકી ૧૬.૭૪ લાખ ઘરો દેવાદારોમાં ડુબ્યા છે. અહેવાલ અનુસાર ૩૪.૯૪ લાખ ઘરોએ પાક લોન તેમજ ટર્મ લોન લીધેલી છે. જે ૫૪,૨૭૭ કરોડ રૂપીયા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ૨૦,૪૧૨ કરોડ ટર્મ્સ અને ખેતીનાં સાધનો ખરીદવામાટે ખેડુતો દ્વારા ધીરાણ કરાયેલી લોન મારફતે બનેલું છે. કુલ બાકી ખેડુતોમાં પાકની લોન ૬૨ ટકા જેટલી છે ૩૪.૯૪ લાખ ઘરનાં લોકોએ લોન લીધેલ છે. જેમાં ૨૯.૫૦ લાખ પરિવારોએ કુલ ૩૩૪૬૪ કરોડની પાક લોન લીધી છે.

જોકે અધિકારાઓના જણાવ્યા અનુસાર ૨૦૧૪-૧૫માં પાકની લોન લેનાર લોકોની સંખ્યા ૨૦૧૬-૧૭માં ૨૨.૪૯ લાખથી વધીને ૩૪.૯૪ લાખ થઈ છે. જેમાં ૫૫ ટકાનો વધારો નોંધાયો છે. પાક લોન માટે ઉધાર લેવામા આવેલી રકમ ૨૮,૭૩૦ કરોડ રૂપીયાથી વધીને ૩૩૮૬૪ કરોડ થઈ છે.

ખરીદી વખતે ધુળ અને ઢેકાવાળી મગફળી ન આવે તે માટે વિડીયોગ્રાફી કરાશે

ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ ઉઘાડી પડી હતી ત્યારે આ વર્ષે ખરીદી પ્રક્રિયામાં ગેરરીતીને ડામવા માટે તંત્રએ પુરેપુરી તકેદારી રાખી છે. ખરીદી પ્રક્રિયા વખતે મગફળીમાં ધુળ અને ઢેફા તેમજ અન્ય કચરો ન આવે તે માટે ખરીદ કેન્દ્રની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે સાથે વર્ગ-૧નાં અધિકારીને પણ ખરીદ કેન્દ્રનાં નિરીક્ષણ અર્થે રોકવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મગફળીમાં ૨ ટકા જેટલા પ્રમાણમાં કચરો ચલાવી લેવામાં આવશે જો કચરાનું પ્રમાણ ૨ ટકાથી વધુ હશે તો તે મગફળીની ખરીદી રદ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.