Abtak Media Google News
  • – તુવેર પછી અડદ- મગની આયાત પર સરકારે અંકુશ મૂકતાં તહેવાર ટાણે ‘આમ આદમી’ને ફટકો
  • – એક ક્વિન્ટલ મગનો ભાવ રૃ.૪૩૦૦થી વધીને રૃ.૫૦૦૦, મગદાળ રૃ.૫૭૦૦થી વધીને રૃ.૬૩૦૦, અડદ દાળનો ભાવ રૃ.૫૮૦૦

કેન્દ્ર સરકારે તાજેતરમાં  દેશમાં થતી તુવેરની આયાત પર અંકુશો મુક્યા પછી આજે અડદ તથા મગની આયાત પર ઓચિંતા અંકુશો મુકી દીધાના નિર્દેશો વહેતા થતાં ઘરઆંગણે તહેવારો ટાંકણે કઠોળ તથા દાળ બજારમાં સોમવારે મોડી સાંજે ભાવોમાં ભડકો થઈ ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જેના પગલે દાળ અને કઠોળમાં ૧૦૦ કિલોએ રૃ.૭૦૦થી ૮૦૦ જેટલો વધારો થયો છે. આ ભાવ વધારાની અસર છૂટક બજારમાં પણ થશે અને દાળ-કઠોળના ભાવમાં કિલોએ રૃ.આઠથી પણ વધુનો વધારો થશે. આ પૂર્વે તુવેરની આયાત પર અંકુશો મુકાયા હતા ત્યારે તાજેતરમાં તુવેર તથા તુવેરદાળના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળતા હતા અને આજે અડદ તથા મગની આયત પર નિયંત્રણો લદાતાં મગ તથા મગદાળ અને અડદ તથા અડદ દાળના ભાવમાં તેજીનું તોફાન સોમવારે મોડી સાંજે આંખના પલકારામાં જોવા મળ્યું હતું તથા બજારના મોટા મોટા ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

જથ્થાબંધ બજારોમાં ભાવ ઉછળતાં રિટેલ દુકાનદારો પણ ઓચિંતા ઉંચા ભાવો બોલવા માંડયા હતા અને તહેવારો ટાંકણે સરકારના આવા અંકુશોના પગલે જનતા માટે તહેવારો મોંઘા સાબિત થઈ રહ્યા છે. આ પૂર્વે તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી પણ વધારી દીધી હતી અને તેના પગલે શ્રાવણના તહેવારોમાં જનતાએ ખાદ્યતેલોના ઉંચા ભાવો ચૂકવવાનો વારો આવ્યો હતો. હવે દાળ- કઠોળન ી બજારમાં આવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

બજારમાંથી મળતા આધારભૂત સમાચારો મુજબ મગ- અડદની આયાત પર વાર્ષિક ધોરણે ત્રણ લાખ ટનની મર્યાદા બાંધવામાં આવી છે. આ પૂર્વે તુવેર પર આવી આયાત મર્યાદા બે લાખ ટનની બાંધવામાં આવી હતી. આજે મોડી સાંજે નવી મુંબઈના જથ્થાબંધ બજારોમાં ૧૦૦ કિલોના ભાવો અડદના રૃ.૪૨૦૦થી ૪૩૦૦ વાળા ઉછળી રૃ.૪૯૦૦થી  ૫૦૦૦ બોલાઈ ગયા હતા જ્યારે અડદ દાળના ભાવો રૃ.૫૭૦૦થી ૫૮૦૦ વાળા ઉછળી રૃ.૬૪૦૦થી ૬૫૦૦ તથા સારા માલોના રૃ.૬૧૦૦થી ૬૨૦૦ વાળા વધી રૃ.૬૮૦૦થી ૭૦૦૦ બોલાઈ ગયાના સમાચારો હતા.

આ પૂર્વે તુવેર પર આવા અંકુશો આવ્યા ત્યારે વિશ્વબજારમાં તુવેરના ભાવો ૩૦૦થી ૩૫૦ ડોલરવાળા ગબડી ૨૩૦ ડોલર થઈ ગયા હતા અને હવે મગ તથા અડદના વિશ્વબજારોમાં પણ આવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. તાજેતરમાં સરકારે દેશમાં આયાત થતા પામતેલ, સોયાતેલ, સનફલાવર તેલ સહિતના વિવિધ ખાદ્યતેલોની આયાત પર ઈમ્પોર્ટ ડયુટી વધારી દીધી હતી અને ત્યારબાદ બજારમાં તહેવારો ટાંકણે તાજેતરમાં વિવિધ ખાદ્યતેલોના બજાર ભાવો ઝડપથી ઉછળ્યા  છે અને હવે દાળ- કઠોળના ભાવો ઉછળી રહ્યા છે. મોંઘવારી વધુ વધવાના એંધાણ મળ્યા છે. જોકે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા સરકારે આવા પગલાં  ભરવામાં આવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.