Abtak Media Google News

પહેલાં માન્યતા બદલાય, પછી જ મુમુક્ષુતા પ્રગટતી હોય છે.

જીવવાના કારણ શોધનારા અનેકની વચ્ચે જન્મ અને મૃત્યુનું કારણ શોધનારા તે સાધક હોય છે.

સુખ તરફની દરેક દ્રષ્ટિ તે સંસારી દ્રષ્ટિ છે, સત્ય તરફની દરેક દ્રષ્ટિ તે પ્રભુદ્રષ્ટિ છે. -રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

સત્યનું પ્રાગટ્ય કરીને હજારો હજારો આત્માઓને સત્ય ધર્મની સમજ પમાડી રહેલાં સત્તપુરુષ દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં અનેક-અનેક આત્માઓ સંયમની આરાધના કરીને ભવ સાર્થક કરી રહ્યાં છે ત્યારે ઓર બે આત્મા આ સદગુરુના શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા લેવા થનગની રહ્યાં છે ત્યારે એમના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ થઈ ગયો છે.

Whatsapp Image 2018 11 26 At 12.00.23 Pm 1 1દીક્ષાર્થી બહેનોના અહોભાવથી સ્વાગત વધામણાં બાદ રાજકોટના શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પારસ કમ્યુનિટી હોલમાં દીક્ષા મહોત્સવ નિમિત્તે જયારે સંયમલક્ષી પ્રવચનધારા પ્રારંભ કરવામાં આવી છે ત્યારે અત્યંત ભાવવાહી અને મધુર મધુર શૈલીમાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ આત્મબોધ આપતાં સમજાવ્યું હતું કે, જગતના અનંત અનંત જીવો જયારે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, લાગણી અને કોઈકની લગનીમાં 84 લાખ જીવાયોનિના ચક્કરમાં ભમાવતું જીવન વ્યતીત કરી રહ્યાં છે, ત્યારે કોઈક જીવ જન્મ-મરણના કારણનું સત્ય જાણવા માટે પ્રભુ પંથે નીકળી પડતાં હોય છે.

પરમાત્મા કહે છે, સંયમના ભાવ કોઈકને એમને એમ પ્રગટ થતાં નથી. સંયમના પ્રાગટ્ય પહેલાં સમકિતનું પ્રાગટ્ય થતું હોય છે. અંદરની વિચારધારાનું જ્યારે પરિવર્તન થાય છે ત્યાર પછી જ આચારધારા બદલાતી હોય છે. જીવને સંસારમાં અટકાવનારું કોઈક એક મુખ્ય તત્વ હોય તો તે હોય છે સુખ પ્રાપ્તિની ઝંખના. પરંતુ સંયમ સર્જાતો હોય છે સત્ય પ્રાપ્તિની ઝંખનામાંથી. દીક્ષા એ કદી સુખી થવા માટેનો માર્ગ નથી હોતો પરંતુ સત્ય પ્રાપ્તિનો માર્ગ હોય છે.

Whatsapp Image 2018 11 26 At 12.00.23 Pm

સંસારી આત્માઓ જ્યાં રમકડાં અને વસ્તુઓમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરતાં હોય છે ત્યારે કોઈક આત્મા હોય છે, જે રમકડાંમાંથી પણ વૈરાગ્ય ભાવને પ્રગટ કરી દેતાં હોય છે. કદાચિત ગુરૂવાણીનો વરસાદ કદાચિત મળી જતો હોય પરંતુ પૂર્વભવથી આત્માની બીજ પાત્રતા જો ન હોય તો સંયમ રૂપી કૂંપળ ક્યારેય ફૂટી નથી શકતી. વરસાદ તો કાંકરા અને બીજ બંને પર પડતો હોય છે. પરંતુ બીજમાંથી જ સંયમની કૂંપળ સાધકતાના અંકુરા અને પછી વીતરાગતાના ફળ પ્રગટ થતાં હોય છે. કાંકરામાંથી કદી ક્યારેય કંઈ ઉપજતું નથી હોતું.

આવા સુંદર બોધ સાથે ભાવિકોને બોધિત કર્યા બાદ આ અવસરે શ્રી મહાવીરનગર સંઘના મહિલા મંડળ તરફથી સુંદર અને પ્રેરણાત્મક નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો. આ અવસરે પૂજ્ય શ્રી શ્રેયાંસીબાઈ મહાસતીજીએ સુંદર ભાવોની અભિવ્યક્તિ કરીને સહુને પ્રેરિત કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.