Abtak Media Google News

આશા, વિશ્વાસ તથા આકાંક્ષાથી ભરપુર નિર્મલાજીનું પહેલું બજેટ એવું સરકાર કહે છે! વિઝન, વાતોનાં વડાં અને સપનાનાં ઘડાં વાળું બજેટ . એવું વિવેચકો કહે છે..! એકનાં ખિસ્સા માંથી લઇને બીજાને આપવાનું ગાજર દેખાડવાનું બજેટ એવું મિડીયા કહે છે! એકંદરે આ બજેટે પાંચ લાખની આવક મર્યાદાવાળાઓને લાભ આપવાનું વચન પુરૂં કર્યા સિવાય વિશેષ ખાસ કાંઇ દેખાડ્યું નથી.જો કાંઇ દેખાડ્યું છે તો તે છે તારે જમીન પર..!

અમે અગાઉની કોલમમાં અહીં લખ્યું હતું કે વધુ આવકવાળા વર્ગ પર વધુ બોજ આવી શકે છે! જે આ વખતના બજેટમાં જોવા મળે છે. નાણામંત્રીએ સોના પરની ડ્યુટી વધારીને ૧૨.૫% કરી છે. જે સરવાળે સોનાની દાણચોરી વધારશે એ વાત નક્કી છે. કદાચ એટલે જ બજેટના દિવસે જ સોનાનાં ભાવમાં સીધો જ ૧૦ ગ્રામ દિઠ ૭૦૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.સરકારની નવી નીતિઅનુસાર સરકાને સોના પ્રત્યેનું વળગણ ઘટાડાવું છે પણ એમાં બુલિયન ઇન્ડસ્ટ્રીનો ઘડો લાડવો થઇ જવાની દહેશત વચ્ચે ધોળે દિવસે તારાં દેખાડયા છે.

સરકાર દેશને ક્રુડતેલ ફ્રી અને ઇકોફ્રેન્ડલી ટ્રાવેલીંગ તરફ લઇ જવા માગે છે એ વાત સાચી છે, સારી પણ છે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહનઆપવા ટેક્ષમાં વર્ષે દોઢ લાખ રૂપિયા સુધીની કરમુક્તિ  જાહેર કરી એ વાત પણ સાચી છે પણ દેશમાં ઇલેક્ટ્રીક કારનું માળખું જ નથી, ચાર્જીંગ સ્ટેશનો નથી,  ઈવીના રિપેર માટેનો સ્ટાફ નથી, વેચાણ માટેના શો રૂમ નથી, તો પછી આ કહેવાતો દોઢ લાખ રૂપિયાની કર મુક્તિનો લાભ મળશે કોનૈ? મતલબ કે વિઝન છે પણ અમલનો અભાવ છે.

સરકાર ભારતને આગામી દિવસોમાં ત્રણ ટ્રિલિયન ની ઇકોનોમી કરવાનું સપનું દેખાડે છે અને આગામી વર્ષોમાં પાંચ ટ્રીલિયનની  વાતો કરે છે. જેના માટે આઠ ટકાના દરે જીડીપીનો વિકાસ થવો જરૂરી છે. છેલ્લા પાંચ વર્ષોમાં ભારતે ભાગ્યે જ ક્યારેક ૭.૬% ના જીડીપી સાથે વિકાસ જોયો છે. મતલબ કે વિકાસનું સપનું દેખાડાયું છે પણ તેના અમલ માટેનું નક્કર આયોજન નથી.

આ ઉપરાંત સરકારે એવિએશન, મિડીયા, સિંગલ બ્રાન્ડ રિટેલ તથા ઇન્શયોરન્સ જેવા સેક્ટરોમાં ૧૦૦ વિદેશી રોકાણને મંજુરી આપી છે. આપણે જોઇએ છીએ કે દેશની સીવિલ એવિએશન ઇન્ડસ્ટ્રી ફડચામાં છે. જેટ, એર ઇન્ડિયા, કિંગફિશર જેવી સંખ્યાબંધ કંપની રન-વે પરથી ઉતરી ગઇ છે. આવી જ રીતે મોટાભાગની મિડીયા કંપનીઓ પણ નફા માટે ઝઝુમી રહી છે. ઝી ટેલિફિલ્મ્સ, એનડી ટીવી તેના જીવંત ઉદાહરણ છે. ગત વર્ષે જેટલી ઇન્શ્યોરન્સ કંપનીઓના IPO  આવ્યા તેના ભરણાં માંડ ભરાયા છે. મતલબ સ્થાનિક રોકાણકારોને તેમાં રસ નથી. કદાચ આજ કારણ છે કે હવે આ સેકટરોમાં વિદેશી કંપનીઓને આમંત્રણ આપવામાં આવે. એક રીતે જોઇએ તો આ રણનીતિ સાચી છે પણ આ સેક્ટરો સાથે દેશની સુરક્ષાનાં સંવેદનશીલ મામલાઓ જોડાયેલા છે તેથી સરકારે બહુ સાવચેતીથી કદમ રાખવા પડશે.

સરકારને કિસાનોનો વિકાસ કરવો છે પણ એફપીઓ સિવાય બીજો કોઇ માર્ગ દેખાયો નથી. સરકાર હાલમાં મોજુદ ૭૦૦૦ એફપીઓ  સુધી પહોંચી શકી નથી તેમાં નવા ૩૦૦૦ એફપીઓ સાથે આંકડો ૧૦૦૦૦ સુધી લઇ જવાની મહત્વકાંક્ષા રજુ કરાઇ છે. શું એફપીઓની રચના માત્રથી કિસાનોનો વિકાસ થઇ જશે?

સરકાર પાસે નાણા નથી તૈ સૌ જાણે છે. રાહતોનાં આંબા દેખાડયા છે પણ એકંદરે એફવાય-૨૦માં ટેક્ષની આવક ૧૬૪૯૬ અબજ સુધી લઇ જવાનું લક્ષ્ય રખાયું છે જે ગત વર્ષ કરતાં ૨૫.૩ ટકા નો વધારો સુચવે છે. આ ઉપરાંત ટેક્ષ વિનાની આવકમાં પણ ગત વર્ષની તુલનાએ ૨૭.૭ ટકાનો વધારો થવાનું લક્ષ્ય મુકાયું છે. આમછતાંયે કહેવાયું છે કે સરકાર કરદાતાઓ પાસેથી હસતાં ચહેરે ટેક્ષ લેવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.