બાર કાઉન્સીલના ઠરાવના વિરોધમાં વકીલોના ધરણા

વકીલોની ગરિમા ઘટે એવું કેમ વિચારાય છે?: વકીલો

કોર્ટ કાર્યવાહી તાકીદે શરૂ કરવા વકીલોને સહાય ચૂકવવા માંગ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં લઈને કોઈપણ જરૃરિયાતમંદ વકીલ તા. ૩૧-૧૨-૨૦ સુધી પોતાની આર્થિક ઉપજ માટે વકીલાતના વ્યવસાયની ગરિમા જળવાય તેવા કોઈપણ ધંધો, વ્યવસાય નોકરી કરી શકશે તેવા ઠરાવ કર્યો છે.

આ ઠરાવના વિરોધમાં જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી અને જામનગર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એન.વી.ગોહિલની આગેવાની હેઠળ પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. લોકડાઉનમાં કોણ જરિયાતમંદ નથી? વકીલાતનો ધંધો એક ગરીમાવાળો છે તેવો અન્ય ધંધો કયો ? અગર વકીલાતથી કોરોના ફેલાય તો અન્ય ધંધો નોકરીથી નહીં ફેલાય ? આ લોજીક સમજમાં નથી આવતું અને જો અન્ય ધંધો-નોકરી વ્યવસાય ચાલુ હોય તો શું ફકત વકીલાતના ધંધામા જ કોરોના થાય છે. ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનેટાઈઝર વગેરે ઉપાયો સાથે વકીલાત થઈ શકે છે. તો શા માટે વકીલોની ગરિમા સમાજમાં ઘટે તેવું વિચારાય છે ?

હાલની વકીલો, તેના કુટુંબીજનોની આર્થિક હાલત દયનીય અને ચિંતા ઉપજાવે તેવી થઈ રહી છે. તેનો તાકીદે ઉકેલ લાવી વકીલાત શરૂ કરવાના પ્રશ્ને ગંભીર પ્રયાસ યોગ્ય લડત કરવાની વિનંતી છે. દરમ્યાન સરકારને જો આપણે ફાળો આપી શકીએ તો સરકાર પાસેથી પણ રાહત પેકેજની માંગણી કરવી જોઈએ. આપણા ભંડોળમાંથી વકીલોને સહાય આપો અને ઠરાવથી જે માનસિક વેદના થઈ છે તે તરફ બાર કાઉન્સીલ, સરકાર અને દેશની જનતાનું ધ્યાન દોરવા લાલ બંગલા સર્કલે પ્રતીક ઉપવાસ, ધરણાં શરૂ કરવામાં આવ્યા છે.

છેલ્લા પાંચ મહિનાથી લોક ડાઉનના કારણે વકીલોની આર્થિક હાલત બીલકુલ ડામાડોળ થઈ ગયેલ છે અને હાલમાં રોજીરોટીના પણ ફાંફા છે. ઘરનું અને બાલ-બચ્ચાનું ભરણ-પોષણ મુશ્કેલ બન્યું છે. અન્ય ક્ષેત્રોને છુટછાટ આપવામાં આવતી હોય તો કોર્ટની કાર્યવાહીમાં છુટછાટ કેમ આપવામાં આવતી નથી અને વકીલોને આર્થિક અધોગતીમાંથી બચાવવા સત્વરે તમામ કોર્ટના કામકાજ શરૃ થાય તેવી અમારી માંગણી છે. દસ વરસથી વકીલાત કરતા જુનીયરોને બારકાઉન્સીલ રૂ.૧૦,૦૦૦ તેમજ જિલ્લાના દરેક વકીલ મંડળો રૂ. ૩,૦૦૦ આપે તેમ માંગણી છે. તામીલનાડુ સરકારે જાહેરાત કર્યા મુજબ ગુજરાત સરકાર પણ જુનીયર વકીલોને સહાય આપે એવી માંગણી છે. છેલ્લા પાંચ મહિનાથી કોર્ટનું કામકાજ બંધ છે. તેને કાયમી ધોરણે વકીલોની રોજીરોટી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ તમામ જિલ્લાની કોર્ટ ચાલુ કરવાની માંગણી છે.

Loading...