Abtak Media Google News

1 લાખ કે તેથી વધુ બાકી વેરો ધરાવતા 7600 રીઢા બાકીદારોનું લીસ્ટ તૈયાર નવા ભળેલા પાંચ ગામોની 33 હજાર મિલકતોને 20 મહિનાના બીલો ફટકારાશે

ચાલુ નાણાકીય વર્ષમાં મહાપાલિકાને મિલકત વેરા પેટે થતી આવકમાં તોતીંગ ગાબડુ પડ્યું છે. 248 કરોડનો લક્ષ્યાંક કોઈ કાળે પૂર્ણ થાય તેવી સંભાવના નથી. અગાઉ કોરોનાની કામગીરી અને ત્યારબાદ ચૂંટણી ફરજમાં રોકાયેલો કોર્પોરેશનનો સ્ટાફ હવે નવરો થતાં જ લાખેણા બાકીદારો સામે આવતા સપ્તાહથી હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે. 1 લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા 7600 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવશે. બીજી તરફ મહાપાલિકાની હદમાં ભળેલા પાંચ ગામોની 33000 જેટલી મિલકતોને એક વર્ષ નહીં પરંતુ 20 મહિનાના વેરા બીલ ફટકારવામાં આવશે.

ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.248 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે હાલ માત્ર 170 કરોડની વસુલાત થવા પામી છે. વર્ષ પૂરું થવાના આડે હવે માત્ર 27 દિવસ જ બાકી રહ્યાં છે. રોજ 3 કરોડની વસુલાત થાય ત્યારે ટાર્ગેટ પુરો થાય તેવું છે. હવે ટેકસ બ્રાંચ દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવશે. 1 લાખથી લઈ 1 કરોડ સુધીનો બાકી વેરો ધરાવતા 7600 બાકીદારો સામે આવતા મંગળવારથી હાર્ડ રીકવરી શરૂ કરાશે. જેમાં લાખેણા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવશે અને જરૂર પડશે તો વેરો વસુલવા મિલકતની જાહેર હારરાજી પણ કરી દેવામાં આવશે. ટૂંકમાં હવે નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં કોર્પોરેશન બાકીદારો પર પુરજોશમાં ત્રાટકશે.

અગાઉ તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે મહાપાલિકાની હદમાં ભળેલા માધાપર, મુંજકા, ઘંટેશ્ર્વર અને મોટા મવામાં આવેલી આશરે 33000 મિલકતો પાસેથી એક વર્ષનો વેરો વસુલ કરવામાં આવશે અને કાર્પેટ એરીયા આધારીત પધ્ધતિની અમલવારી કરવામાં આવશે. પરંતુ હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જ્યારથી આ પાંચ ગામોનો સમાવેશ મહાપાલિકાની હદમાં થયો છે તે 1લી જુલાઈ 2020થી વેરો ગણવામાં આવશે. નવા વર્ષમાં પાંચ ગામોની 33000 મિલકતોને એક વર્ષ નહીં પરંતુ 20 મહિનાના બીલો ફટકારવામં આવે તેવી શકયતા હાલ દેખાઈ રહી છે.

નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ટેક્સ બ્રાંચ ટાર્ગેટ સુધી પહોંચવા માટે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરશે જેમાં પ્રથમ તબક્કે લાખેણા બાકીદારો સામે સકંજો કસવામાં આવશે અને ત્યારબાદ વર્ષોથી જે લોકોએ વેરો ભરવાની તસ્દી નથી લીધી અને તેઓને વેરાની રકમ નાની હોય તો પણ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો નળ જોડાણ અને ડ્રેનેજ જોડાણ પણ કપાત નાખવામાં આવશે.

મવડીમાં આવાસ યોજનાની 38 દુકાનોની 17મીએ હરરાજી

શહેરના મવડી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્માર્ટ ઘર-2 અને સ્માર્ટ ઘર-3માં કુલ 38 દુકાનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 11.89 ચો.મી.થી લઈ 21.21 ચો.મી. સુધીનો કાર્પેટ એરીયા ધરાવતી આ દુકાનોના વેંચાણ માટે આગામી 17મી માર્ચના રોજ જાહેર હરરાજી હાથ ધરવામાં આવશે. જેમાં દુકાનોની અપસેટ કિંમત રૂા.9.80 લાખથી લઈ રૂા.20.20 લાખ નિયત કરવામાં આવી છે. મવડી વિસ્તારમાં સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાછળ, શ્યામ સ્કાય લાઈફની સામેની શેરીમાં શ્રી સીતારામ ટાઉન શીપમાં 33 દુકાન અને શ્રી લક્ષ્મણ ટાઉન શીપમાં 5 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વેંચાણથી આપવા માટે આગામી 17મી માર્ચના રોજ સવારે 9 કલાકે જાહેર હરરાજી હાથ ધરવામાં આવશે. જેમાં ભાગ લેનાર આસામીએ 1 લાખ રૂપિયા રોકડા અથવા રાજકોટ મહાનગરપાલિકાના નામનો ડિમાન્ડ ડ્રાફટ રજૂ કરવાનો રહેશે. ડિપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનનું ક્ષેત્રફળ 11.89 ચો.મી.થી લઈ 21.21 ચો.મી. સુધીનું છે. વધુ માહિતી માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ એસ્ટેટ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.