Abtak Media Google News

ગૌપૂજન સહિતના આયોજનો ઘડી કઢાયા: મહિલાઓ ઉમટી પડી

ભારતીય સંસ્કૃતિમાં ગૌરીવ્રત-બોળચોથની મહિમા અપરંપાર છે. પરિવારનું મંગલ-શુભ કલ્યાણના ઉદ્દેશ્યથી મહિલાઓ ગૌરીવ્રત રહે છે ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગીયાની આગેવાનીમાં આજે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓએ ગૌપૂજન કર્યું હતું. આ તકે આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

શ્રાવણ વદ ચોથ ભારતીય સંસ્કૃતિનું ગૌરીવ્રત છે. એ દિવસે ગામની તમામ બહેનો સાથે મળીને ગાયનું પૂજન કરતી હોય છે. ગાયની પ્રદક્ષિણા કરે છે. ગાયના દૂધ, ઘી અને છાશથી પોષણનો મનોમન સંકલ્પ કરે છે. આ ઉપરાંત ૩૬ ગૌ સંસ્કૃતિ સંસ્કારનું વાંચન પણ કરે છે. આ પ્રસંગે ગાયના દૂધની ખીરનો પ્રસાદ પણ અપાય છે. નોંધનીય છે કે, જળક્રાંતિ ટ્રસ્ટ (ફલોટેક એન્જીનીયરીંગ)ના મનસુખભાઈ સુવાગીયા ગૌક્રાંતિના પ્રણેતા અને ગૌવેદનાના રચીયતા છે. તેમણે જળ રક્ષા, ગૌરક્ષા, ગાય આધારીત કૃષિ, દિવ્ય ગ્રામ યોજના, પ્રકૃતિ રક્ષા, સંસ્કૃતિ ઉત્થાન માટે અનેકવિધ કાર્યો કર્યા છે. તેમની આગેવાનીમાં આજે ગૌરીવ્રતને લઈ વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા.

ગૌમાતા એટલે પવિત્ર પ્રસંગોમાં ઇશ્ર્વરની હાજરી: શોભનાબેન કાછડીયા

Dsc 0267

આ તકે ઢોલરા ગામના વતની શોભનાબેન કાછડીયાએ કહ્યું હતું કે ગૌરીવ્રતના રોજ અમે ગૌ માતાની પૂજા અર્ચના કરીએ છીએ. અગાઉ જે પ્રકારની માન્યતા હતી કે ગાયનું ઘી કે અન્ય વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ તે માન્યતા તોડીને અમે સૌને સમજણ આપીએ છીએ તેમજ તમામ પવિત્ર પ્રસંગો પર અમે ગૌ માતાના દૂધ, ઘીનો ઉપયોગ કરીને જ ગૌ માતાની ખરા અર્થમાં પૂજા કરીએ છીએ.

ગૌ માતા માનવજીવનની દાત્રી છે: મનસુખભાઈ સુવાગિયા

Dsc 0257

ફ્લોટેક એન્જીનીયરીંગ પ્રા.લી. ના માલિક તેમજ જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખભાઇ સુવાગિયાએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિન મૂળમાં ગૌ નાતા રહેલી છે. મેં જ્યાં સુધી ચારેય વેદનો અને ચરકસંહિતાનો અભ્યાસ કર્યો છે તે મુજબ માનવજાતના મૂળમાં પણ ગૌ માતા રહેલી છે. ગૌધન એટલી હદે માનવજીવન સાથે વણોવાયેલું છે કે આપણે ગૌ ને માતાનું બિરુદ આપીએ છીએ. તેમણે ગૌરીવ્રત અને બોળચોથ વિશે કહ્યું હતું જે ગૌરીનો અર્થ પ્રકૃતિ, પાર્વતી માતા અને ગૌ થાય છે. જે રીતે ભગવાનની દાત્રી પાર્વતીજી છે તેવી જ રીતે માનવોની દાત્રી ગૌ માતા છે. ગૌરીવ્રતની જે કથા છે તેમાં ગૌ માતાનું કતલ કરી દેવામાં આવે છે તેવુ વર્ણવામાં આવ્યું છે જે આપણી સંસ્કૃતિ માટે એક કલંકરૂપ છે ત્યારે સૌ આ કલંકમાંથી બહાર આવે તે ઉદેશ્યથી અમે ગૌરીવ્રત નિમિતે ગૌ માતાની પૂજા અર્ચના કરીએ છીએ અને ગૌમાતાના દૂધમાંથી વાનગી બનાવીને ઘરની મહિલાઓ તમામ પરિવારને પ્રસાદી આપે છે. ગાયની રક્ષા માટે જળક્રાંતિ ટ્રસ્ટની રચના કરી હતી જે ગૌ ક્રાંતિ માટે સતત પ્રયત્નશીલ હોય છે અને એક સમયે જે ગાયનું મૂલ્ય રૂપિયા ૧૦ હજાર પણ ગણવામાં આવતું ન હતું આજે એ ગાય રક લાખ રૂપિયાથી પણ વધુ કિંમતની માનવામાં આવે છે જે અમારા પ્રયત્નનું ફળ હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું ગૌ રક્ષા અને ગૌરીવ્રત માટે મેં કુલ ૩૬ સંસ્કારની રચના કરી, જે ટંકારાના વેદ નિષ્ણાંત પાસે ખરાઈ કરાવી જેમાં આ સંસ્કાર બિલકુલ સાર્થક સાબિત થયા જેમાં ગૌ સંવર્ધન, ગૌ રક્ષા, ગૌ નિષ્ઠા, ગૌ વંદના, ગૌ પ્રેમ, ગૌ દર્શન, ગૌ ગ્રાસ, ગૌ વિવેક સહિતના સંસ્કારોનો સમાવેશ થાય છે જે અમે હિન્દી અને ગુજરાતી ભાષામાં સમગ્ર દેશ સમક્ષ સોશ્યલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.