રેલ્વેનું ખાનગીકરણ ખર્ચ સાથે સુવિધા વધારી દેશે

હવે વિમાનની જેમ રેલવેમાં પણ યાત્રિકોને પસંદગીની સીટ સહિત અનેકવિધ સેવાઓ આપી નાણા એકત્રિત કરાશે

રેલવે મંત્રાલય દ્વારા ખાનગી રોકાણકારો અને ખાનગી પ્લેયરોને રેલવેની અમુક ટ્રેનો માટેની ભાગદોડ સંભાળવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે પહેલાનાં જમાનામાં મહારાજાઓની ગણાતી ટ્રેનોને હવે મહારાજાઓના હાથમાં જોવા મળશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ તકે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, ખાનગી રોકાણકારો અને ખાનગી પ્લેયરોને રેલવેમાં સ્થાન આપવા માટે તમામ પ્રકારની સુચારું વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે અને ખાનગી રોકાણકારોની સાથે રેલવે જોડે રહી આવકમાં પણ વધારો કરશે. વિમાનમાં જે રીતે લોકોને પસંદગીની સીટ પ્રિમીયમ દઈને આપવામાં આવતી હોય છે એવી જ રીતે હવે ટ્રેનમાં પણ લોકોએ પ્રિમીયમ આપી તેમની મનગમતી સીટ તેઓ લઇ શકશે. સાથો સાથ બેગેજ અને જાહેરાતો મારફતે રેલવે મંત્રાલય અને ખાનગી પ્લેયરો નાણા એકત્રિત કરશે.

ઘણા સમય પહેલા રેલવે નુકસાનીમાં જતી હોવાની સ્થિતિ પણ દેશે જોયેલી છે ત્યારે રેલવેને વધુ નાણાકિય મજબુત બનાવવા માટે અને વિકસિત કરવા માટે ખાનગી રોકાણકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો ખાનગીરોકાણકારો રેલવેની ભાગદોડ સંભાળશે તો ઘણી ખરી તકલીફોનું નિવારણ પણ ત્વરીત આવી શકશે. ખાનગી રોકાણકારો દ્વારા જુજ ટ્રેનો એટલે કે ૫ ટકા જેટલી ટ્રેનો તેને હસ્તગત રહેશે જેમાં તેઓ મનગમતી સીટો, બેગેજ, ઓન બોર્ડ સર્વિસ સહિતની ચીજવસ્તુઓ થકી જે નાણા એકત્રિત થશે તે બંને પક્ષે વહેચવામાં પણ આવશે. ઓન બોર્ડ સર્વિસમાં આવતી કેટરીંગ સર્વિસ, બેડ રોલ, વાઈ-ફાઈ, જાહેરાત, બ્રાન્ડીંગ સહિતનાં મુદાઓ પરથી રેલવે નાણા એકત્રિત કરશે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧૦૯ રૂટો પર ૧૫૧ અતિઆધુનિક ટ્રેનોને દોડાવવામાં આવશે. સાથો સાથ ખાનગી રોકાણકારોને આમંત્રિત કરી રૂા.૩૦ હજાર કરોડનું રોકાણ પણ રેલવે ક્ષેત્રમાં જોવા મળશે.

હાલ રેલવે મંત્રાલય દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેકવિધ નામાંકિત કંપની જેવી કે ઈન્ડીગો, મેક માઈ ટ્રીપ, ટાટા ઈન્ફ્રાસ્ટ્રકચર અને અદાણી ગ્રુપ દ્વારા રસ દાખવવામાં આવયો છે. આ તકે રેલવે મંત્રાલયનાં આધારભુત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જુલાઈ માસનાં અંત સુધીમાં જયારે બીડ ખોલવામાં આવશે ત્યારે જ સ્પષ્ટતા થઈ શકશે કે કઈ ખાનગી કંપનીઓએ રેલવે મંત્રાલયમાં રસ દાખવ્યો છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે, વર્ષો પહેલા જે ટ્રેનો મહારાજાઓની ગણવામાં આવતી હતી અને જે જોવામાં આવતી હતી તે હવે નવા જમાનાનાં મહારાજાઓ એટલે કે ઉધોગપતિઓ દ્વારા ચાલતી હોવાની જોવા મળશે.

Loading...