Abtak Media Google News

કેવડીયા પાસે સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના જાજરમાન લોકાર્પણ સમારોહમાં ૯૦૦ જેટલા કલાકારો ૩૩ રાજયોની સંસ્કૃતિની ઝાંખી રજુ કરશે

સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું રૂ.૧.૨૩ કરોડના ખર્ચે કરાયેલું લાઈટીંગ, વેલી ઓફ ફલાવર્સ અને ટેન્ટ સિટી મુખ્ય આકર્ષણ

આવતીકાલે વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ લોકાર્પણ સમારોહ સંદર્ભે આજરોજ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થવાનું છે. તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને કાલે સવારે લોકાર્પણ સમારોહમાં હાજરી આપવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાજરમાન સમારોહમાં ૯૦૦ જેટલા કલાકારો ૩૩ રાજયોની સંસ્કૃતિની ઝાંખી રજુ કરવાના છે. ઉપરાંત આ પ્રસંગે વડાપ્રધાન મોદી પરીસરમાં શિવલિંગ પર દુગ્ધાભિષેક પણ કરવાના છે.

ગુજરાતને વૈશ્વક સ્થળે ખ્યાતી અપાવનાર વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુનું આવતીકાલે અનાવરણ થવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી આ પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. જેથી આ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૯:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે.

રાજ ભવન ખાતે રાત્રી રોકાણ કરીને આવતીકાલે સવારે ૭:૪૫ કલાકે કેવડીયા જવા રવાના થશે. સવારે ૯:૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચીને વેલી ઓફ ફલાવર્સના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ તેઓ ૯:૩૦ કલાકે ટેન્ટ સિટી પહોંચશે. સવારે ૧૦:૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં પહોંચશે. લોકાર્પણ સમારોહમાં વડાપ્રધાન ૨ કલાક જેટલો સમય આપશે. બાદમાં તેઓ બપોરે ૧ થી ૧:૧૫ વચ્ચે દિલ્હી જવા રવાના થશે.

કેવડીયાના સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળકાય પ્રતિમાના લોકાર્પણ બાદ કાલથી ચીનમાં આવેલી બુદ્ધની પ્રતિમા બીજા ક્રમે ખસેડાઈ જશે.

આવતીકાલના જાજરમાન સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં મહાનુભાવોને વિશાળ ઉપસ્થિતિ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે વિશેષ આકર્ષણો ઉભા કરીને પ્રવાસીઓને આકર્ષવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રૂ.૧.૨૩ કરોડના ખર્ચે અદભુત લાઈટીંગ કરવામાં આવ્યું છે. આ લેસર લાઈટનો નજારો માણીને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ જશે.

આ ઉપરાંત સમારોહમાં ૯૦૦ કલાકારો દ્વારા ૩૩ રાજયોની સંસ્કૃતિની ઝાંખી રજુ કરવામાં આવનાર છે. આ કલાકારો પોત-પોતાની સંસ્કૃતિ મુજબ પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઈને ૪૦ જેટલી કૃતિઓ રજુ કરવાના છે. ઉપરાંત કેવડીયા ખાતે તૈયાર કરવામાં આવેલા વેલી ઓફ ફલાવર્સ પણ પ્રવાસીઓનું મન મોહી લેશે. વેલી ઓફ ફલાવર્સમાં સેલ્ફી પોઈન્ટ તેમજ ફુડ કોર્ટ પણ બનાવવામાં આવ્યા છે.

આ સાથે ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સાતપુડાની લીલીછમ ગીરીમાળાઓ વચ્ચે ખીણમાં ઉભું કરાયેલ ટેન્ટ સિટીમાં ૨૫૦ ઉપરાંત આકર્ષક અને મનમોહક ટેન્ટ બનાવવામાં આવ્યા છે. અહીં આવનાર પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીમાં રોકાણ કરવું પણ એક આહલાદક અનુભવ ગણાશે. આ લોકાર્પણ બાદ આવતીકાલથી વડોદરા જિલ્લો ભારતનો અગ્રણી ટુરીસ્ટ પોઈન્ટ બનવા જઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.