Abtak Media Google News

સરદાર પટેલની પ્રતિમા ઉપર હેલિકોપ્ટરની મદદથી પુષ્પવર્ષા કરાશે: વડાપ્રધાન શિવલીંગ પર નર્મદા જળનો અભિષેક કરશે

૩૧મી ઓકટોબરે સરદાર જયંતિએ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે ત્યારે ૧૮૨ મીટરની સરદારની પ્રતિમાનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે લોકાર્પણ માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ૩૧મી ઓકટોબરે કેવડીયા પાસેના લીમડી ગામના હેલીપેડ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાને સંબોધવાના છે.

આ દિવસે ૩૧મીએ સરદાર જયંતિએ વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા પર હેલીકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા થશે. જે એક અદભૂત નજારો જોવા મળશે. સ્ટેચ્યુ નજીક શિવલીંગ બનાવાશે. ત્યાં તેદિવસે વડાપ્રધાન શિવલીંગ પર નર્મદા જળથી અભિષેક કરશે. ત્યારબાદ સભામંડપ પર આવી ૨૦ ફૂટ ઊંચી રેપ્લીકાનું અનાવરણ કરશે. બાદ સભા મંડપમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. પૂજા માટે ૧૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા નર્મદાષ્ટકમ અને મંત્રોચ્ચાર દ્વારા શાસ્ત્રોકત વિધિ કરાશે.

અહીં જગ્યા નાની હોવાથી ૮ થી ૧૦ હજારની જનમેદની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. ઉપરાંત ડેમ સાઈટ ખાતે નર્મદા ટેન્ટ સિટી આકાર લઈ રહી છે. પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસજે હૈદરે આપેલી જાણકારી મુજબ ૭૫ જેટલા એસી ટેનટ, ૭૫ જેટલા ડીલકસ ટેન્ટ અને ૭૫ નોન એસી ટેન્ટ મળી ૨૨૫ જેટલા ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે પુરતી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.