વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબા મતદાન કર્યા બાદ બોલ્યા ‘ભગવાન ગુજરાતનું ભલુ કરે’

hira baa
hira baa

વયોવૃદ્ધ હિરાબાએ લોકશાહીને મજબુત કરવા સવાર-સવારમાં કર્યું મતદાન: યુવાનો માટે પ્રેરણાદાયી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબકકાના મતદાનમાં આજે રાજયના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે સવારથફી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વયોવૃદ્ધ માતા હિરાબાએ વહેલી સવારમાં જ પોતાના પવિત્ર અને કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં લોકશાહીને વધુ મજબુત બનાવવા માટેની ઈંટ મુકી હતી. મતદાન કર્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા માત્ર એટલું જ કહ્યું હતું કે, ભગવાન ગુજરાતનું અને ગુજરાતીઓનું ભલુ કરે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વયોવૃદ્ધ માતા હિરાબાએ આજે સવારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેકટર-૨૦ ખાતે આવેલા મતદાન બુથ પર જઈ મતદાન કયુર્ં હતું. આ તકે તેઓની સાથે તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી પણ જોડાયા હતા. એક તરફ યુવાનો મતદાન કરવા જતા નથી તો બીજી તરફ વયોવૃદ્ધ હિરાબા અનેક શારીરિક તકલીફો હોવા છતાં દર વખતે દરેક ચૂંટણીમાં અવશ્યપણે મતદાન કરવા જાય છે. હિરાબા જેવા વ્યકિત જ ભારતમાં લોકશાહીનું રક્ષણ કરી રહ્યા છે અને લોકશાહીને વધુ મજબુત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે ગાંધીનગર ખાતે સેકટર-૨૦માં મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હિરાબાએ જણાવ્યું હતું કે, ‘ભગવાન ગુજરાતનું ભલુ કરે’ તેઓના આ શબ્દો ઘણું કહી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબા આજે એક સામાન્ય નાગરિકની માફક જ મતદાન કરવા માટે નિકળ્યા હતા અને લાઈનમાં ઉભા રહીને તેઓએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કયારેય પોતાના પરિવારજનોને ખાસ સુવિધા આપવામાં આવે તેવો આગ્રહ રાખ્યો નથી. આ પૂર્વે જયારે નોટબંધી વખતે પણ હિરાબા એક સામાન્ય નાગરિકની માફક બેંકમાં નોટ બદલાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.

Loading...