વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાંથી ચૂંટણી નહીં લડે: પ્રદેશ નિરીક્ષકની સ્પષ્ટતા

61

રાજકોટ લોકસભા બેઠક માટે સેન્સ લેવા આવેલા પ્રદેશ નિરીક્ષક બાબુભાઈ જેબલીયાનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકસભાની આગામી ચુંટણીમાં ઉતરપ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી જંગમાં ઝંપલાવશે તેવી વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. દરમિયાન આજે રાજકોટ બેઠક માટે સેન્સ લેવા આવેલા પ્રદેશ નિરીક્ષક બાબુભાઈ જેબલીયાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી ચુંટણી નહીં લડે. આ બેઠક પરથી ચુંટણી લડવા માટે ભાજપમાં અનેક નેતાઓ તૈયાર છે.

આજે સવારે સેન્સ પ્રક્રિયા પૂર્વે તેઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ સહિતની સુવિધાઓની જે ભેટ આપવામાં આવી છે તેના પરથી છેલ્લા ઘણા સમયથી એવી વાતો વહેતી થઈ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ લોકસભા બેઠક પરથી ચુંટણી લડશે.

વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને જે ભેટ આપવામાં આવી છે તે રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય સેન્ટર છે જેને ધ્યાનમાં રાખીને અપાઈ છે. રાજકોટ જેટલી જ યોજનાઓ અમદાવાદ અને બરોડાને પણ આપવામાં આવી છે. વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડશે તે વાતમાં કોઈ દમ નથી અને આ વાત પાયાવિહોણી છે. વાસ્તવમાં રાજકોટ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવા માટે ભાજપમાં અનેક કાર્યકરો તૈયાર છે.

Loading...