Abtak Media Google News

૭ દિવસના અંતરાલમાં વડાપ્રધાન બીજી વખત ગુજરાતમાં ચુંટણીપ્રચાર માટે આવી રહ્યા હોય કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ: ૨૦ કે ૨૧મીએ પણ પી.એમ ફરી ગુજરાતમાં આવે તેવી સંભાવના

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ યોજાનારી ચુંટણીના મતદાનના આડે હવે માત્ર ૧૧ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજયમાં ફરી તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી છે. ગત ૧૦મી એપ્રીલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જુનાગઢ અને સોનગઢમાં ચુંટણીસભાઓ સંબોધી રાજયમાં ચુંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા. દરમિયાન આગામી ૧૭મીના રોજ ફરી એક વખત પી.એમ. ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમરેલી ખાતે એક જંગી ચુંટણીસભા સંબોધે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે. રાજયની ૨૬ બેઠકો માટે આગામી ૨૧મીના રોજ સાંજે પ્રચાર-પડઘમ શાંત થવાના છે તે પૂર્વે આગામી ૨૦ કે ૨૧ એપ્રીલના રોજ ફરી એક વખત વડાપ્રધાન ગુજરાતમાં ચુંટણીપ્રચાર માટે આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે.

ગુજરાતમાં મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે પ્રચાર-પડઘમ ચરમસીમાએ પહોંચી ગયો છે. આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાતને ધમરોળશે. આગામી ૧૫મી એપ્રીલના રોજ રાહુલ ગાંધી રાજુલા ખાતે એક ચુંટણીસભા સંબોધવા માટે આવી રહ્યા છે ત્યારે રાહુલની સભાના બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ અમરેલી જિલ્લામાં ચુંટણીસભા સંબોધશે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી અમરેલી લોકસભા બેઠક ભાજપ માટે નબળી માનવામાં આવી રહી છે ત્યારે આ બેઠક પર જો વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવે તો મતદારોને ભાજપ તરફ વાળી શકાય તેમ હોય પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી ખાતે વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭મીએ ફરી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી રહેલા વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં અમરેલી ઉપરાંત મધ્યગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં એક સભા સંબોધે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન ૨૦ કે ૨૧મી એપ્રીલના રોજ ફરી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવશે તેવી માહિતી પણ મળી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે ગાંધીધામ, ભાવનગર, બોટાદમાં ચૂંટણીસભા સંબોધશે

લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો રીતસર ગુજરાતને ધમરોળી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં ગાંધીધામ, બોટાદ અને ભાવનગરમાં ચુંટણીસભા સંબોધશે.રાજનાથસિંહ સવારે ૧૧:૦૦ કલાકે કચ્છના ગાંધીધામ ખાતે આવેલા સિંધુભવન હોલ ખાતે ચુંટણીસભાને સંબોધી હતી. જયારે બપોરે ૪:૦૦ કલાકે તેઓ યશવંતરાય નાટયગૃહ હોલ ભાવનગર ખાતે અને સાંજે ૫:૩૦ કલાકે બોટાદમાં ભાવનગર રોડ પર આવેલા વી.પી.બંગલો પાસે ચુંટણીસભાને સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.