Abtak Media Google News

Table of Contents

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હોમ ગ્રાઉન્ડ રાજકોટ હોય આ બેઠક સૌથી વધુ સલામત: રાજકોટ બેઠક પરથી ચુંટણી લડે તો સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર અસર પડી શકે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ રાજકોટથી જ કરી હતી: જીવનની પ્રથમ ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા

રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સની ફાળવણી બાદ નરેન્દ્ર મોદી રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે તે વાતે વેગ પકડયો છે

જો વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી ચૂંટણી ન લડે તો ભાજપ સિટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાને રિપીટ કરી શકે: અન્ય ચાર દાવેદારોના નામ પણ ચર્ચામાં

૧૭મી લોકસભાની ચુંટણીની તારીખોનું એલાન થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકિય પક્ષોએ સતા હાંસલ કરવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી છે. ચુંટણી જંગમાં ઉતારવા માટે કુશળ સૈનિકોની શોધખોળ હાલ ચાલી રહી છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટ લોકસભા બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

વડાપ્રધાન અલગ-અલગ બે બેઠકો પરથી લોકસભાની ચુંટણી લડશે જેમાં એક બેઠક વારાણસીની ઘોષણા અગાઉથી જ કરી દેવામાં આવી છે જયારે અન્ય એક બેઠક ગુજરાતની હશે તે ફાઈનલ છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય લોકસભા બેઠક પર પ્રતિકુળ અસર પડે તે માટે ભાજપની સૌથી સલામત ગણાતી રાજકોટ લોકસભા બેઠક પરથી વડાપ્રધાન મેદાનમાં ઉતરે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન જે રીતે રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ સહિતની સુવિધાઓની છુટા હાથે લ્હાણી કરવામાં આવી છે ત્યારથી જ એવી ચર્ચા ચાલી રહી છે કે લોકસભાની આગામી ચુંટણીમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ બેઠક પરથી મેદાનમાં ઉતરશે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ઉતરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક અને ગુજરાતની વડોદરા લોકસભા બેઠક પરથી ચુંટણી લડયા હતા અને બંનેમાં તેઓ જીત્યા પણ હતા જોકે પાછળથી તેઓએ વડોદરા બેઠક ખાલી કરી દીધી હતી. આ વખતે પણ વડાપ્રધાન બે બેઠકો પરથી લોકસભાની ચુંટણી લડે તે વાત ફાઈનલ છે.

ગત સપ્તાહે ભાજપ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે, વડાપ્રધાન વારાણસી બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવશે. દરમિયાન બીજી બેઠકની ઘોષણા કરવામાં આવી નથી. વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ નરેન્દ્રભાઈ રાજકોટ બેઠક પરથી લડે તે વાત લગભગ ફાઈનલ મનાઈ રહી છે. આ ઉપરાંત જુનાગઢ બેઠક પરથી પણ તેઓના નામની ચર્ચા થઈ રહી છે.ભાજપ સ્થાપનાકાળથી લઈ કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સુધીની સફરમાં રાજકોટનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે.

આટલું જ નહીં ખુદ નરેન્દ્રભાઈ મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હતી અને તેઓ રાજકોટ-૨ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડીને મુખ્યમંત્રી બન્યા હતા. રાજકોટ બેઠક વર્ષોથી ભાજપ માટે સલામત ગઢ માનવામાં આવી રહી છે.આટલું જ નહીં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટના હોવાના કારણે તેનો સીધો ફાયદો આ બેઠકને મળે છે.

આવામાં જો વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવે તો એક પણ વખત પ્રચારમાં આવ્યા વિના તેઓ તોતીંગ લીડથી જીત પણ હાંસલ કરી શકે છે. રાજકોટ બેઠક પરથી વડાપ્રધાન ચુંટણી લડે તો તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠેય બેઠક પર પડી શકે છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનું સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટાપાયે ધોવાણ થઈ ગયું હતું. લોકસભાની ચુંટણીમાં આવું ન થાય તે માટે ખુદ વડાપ્રધાન સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાંથી મેદાનમાં ઉતરે તેવું મનાઈ રહ્યું છે.

જો નરેન્દ્રભાઈ મોદી રાજકોટ અને વારાણસી એમ બે બેઠક પરથી લોકસભાની ચુંટણી લડે અને બંને બેઠક પરથી જીતે તો તેઓ રાજકોટની બેઠક ખાલી કરી શકે છે. જો વડાપ્રધાન રાજકોટમાં ચુંટણી ન લડે તો ભાજપ આ બેઠક પરથી સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાને પણ રીપીટ કરી શકે છે. જો તેઓને રીપીટ કરવામાં ન આવે તો અન્ય ચાર નામો હાલ ભાજપમાં ચર્ચાઈ રહ્યા છે. 

ભાજપ ૧૬મીએ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે

લોકસભાની ૫૪૩ બેઠકો માટે ૭ તબકકામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબકકાનું મતદાન આગામી ૧૧મી એપ્રિલના રોજ યોજાવાનું છે ત્યારે સતાધારી પક્ષ ભાજપ આગામી ૧૬મી માર્ચના રોજ પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

આગામી ૧૬મી માર્ચના રોજ ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. ૧૧મી એપ્રિલના રોજ યોજાનારા પ્રથમ તબકકાના મતદાનમાં ૨૦ રાજયોની ૯૧ બેઠક માટે મતદાન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.