Abtak Media Google News

લાભાર્થીઓને જમીનની સ્વપ્રમાણિત વિગત, આધારકાર્ડની નકલ, બેંક પાસબુક, અરજદારની સહી સાથેનું એકરારનામુ જોડવાનું રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાય યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના નાના અને સીમાંત ખેડૂત પરિવારને જ લાગુ પડશે

આ યોજનામાં કુલ વાવેતર હેઠળની વધુમાં વધુ બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારને પરિવાર દીઠ પ્રતિ વર્ષ રૂ. ૬૦૦૦ ની મર્યાદામાં ત્રણ હપ્તામાં દર ચાર મહિને લાભ આપવામાં આવશે. પ્રથમ હપ્તા તરીકે ૧ ડીસે. થી ૩૧ માર્ચ સુધીનો સમયગાળો રહેશે.

આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂત પરિવારની વ્યાખ્યા પરિવાર એટલે કે પતિ પત્ની અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની સુધી ખેતીલાયક જમીન ધરાવતા હોય તેવા નાના અને સીમાંત ખેડૂત પરિવાર તરીકે ગણાશે ૦૧/૦૨/૨૦૧૯ ની સ્થિતિએ રેવન્યુ રેકર્ડ પર જમીન ધારક તરીકે જેમના નામ નોંધાયેલા છે તેઓને જ લાભ મળવાપાત્ર છે.

સંસ્થાકીય જમીન ધારક (ઈન્સ્ટીટ્યુટસનલ), જમીન ધારક ખેડૂત પરિવાર પાસે અથવા ખેડૂત પરિવારના સમાવિષ્ટ વ્યક્તિઓની સંયુક્ત માલિકી હેઠળ કુલ બે હેક્ટર કરતા વધુ જમીન હોય, ખેડૂત પરિવારના કોઈ એક અથવા વધુ તેથી સભ્યો નીચેની કેટેગરીમાં આવતા હોય, વર્તમાન સમયમાં કે ભૂતપૂર્વ બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ, વર્તમાન કે ભૂતપૂર્વ મંત્રી, કેબિનેટ કે રાજ્ય મંત્રી, વર્તમાન લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનસભા કાઉન્સિલના સભ્યો તમામ, વર્તમાન કે ભૂતપૂર્વ મહાનગરપાલિકાના મેયર, વર્તમાન કે ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત સેવારત અને નિવૃત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત અને સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમીત (મલ્ટીટાસ્કીંગ સ્ટાફ/વર્ગ-૪/ગુપ-ડી સિવાયના) તમામ અધિકારી કર્મચારીને આ યોજનાનો લાભ નહીં મળે.

આ ઉપરાંત તમામ વયનિવૃત નિવૃત્તિ પેન્શન કે જેમનું ટેન્શન પ્રતિમાસ ૧૦,૦૦૦ કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટીટાસ્કીંગ સ્ટાફ/વર્ગ-૪/ગુપ-ડી સિવાયના), છેલ્લા આકારણી (અસેસમેન્ટ) વર્ષમાં ઇન્કમટેક્સ ભરનાર કરદાતા,  પ્રોફેશનલ વ્યક્તિઓ જેવા કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ કે વ્યવસાયિક સંસ્થામાં રજીસ્ટ્રેશન થયેલ કે વ્યવસાયિક (પ્રોફેશન) રીતે કે બિઝનેસ કરતી વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહીં લઇ શકે.

આ યોજનાનો લાભ લેવા માટે દરેક લાભાર્થીએ કુલ પરિવારની જમીન ધારક તા બાબતનું અને પોતે એક્સલયુઝન કેટેગરી એગેરપાત્રતા યાદી) માં આવતું નથી એ બધી બાબતનું સેલ્ફ ડિક્લેરેશન કે એકરારનામું ફરજિયાત આપવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે આપના ગામના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે

આ યોજના માટે સંબંધિત લાભાર્થીઓએ જમીનની વિગત, આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ બચત ખાતાનો ચેક,  અરજદારની સહી સાથેનું એકરારનામું જોડવાનું રહેશે.

અરજી તલાટી કમ મંત્રીને કરવાની રહેશે ત્યારબાદ ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઉપર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે. ગામની તમામ એન્ટ્રી પૂર્ણ થયેથી ગામના કુલ લાભાર્થી ખેડૂત પરિવારની યાદી ગામની ગ્રામ સભામાં કરી પ્રસિદ્ધ કરી ને ફાઇનલ કરવાની રહેશે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને ચૂકવવા પાત્ર રકમ કેન્દ્ર સરકાર દ્વારા આ માધ્યમથી લાભાર્થીના ખાતામાં આર. ટી. જી .એસ. /એન.ઈ.એફ.ટી/ઈ.સી.એસ થી સીધી જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ તાત્કાલિક ગામના તલાટી કમ મંત્રીને સેલ્ફ ડિક્લેરેશન (એકરારનામું) સાથે જરૂરી વિગતો પહોચતી કરવાની રહેશે. આ યોજનામાં બીજા હપ્તાના લાભ માટે આધારકાર્ડ ફરજિયાત રાખેલ હોય પ્રથમ આધાર કાર્ડની વિગતો આપવી હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.