Abtak Media Google News

બપોરે ૧:૫૫ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન: આજે બપોરે ગ્લોબલ ગુજરાત ટ્રેડ શો અને વી.એસ.હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન: કાલે સવારે વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯ ખુલ્લી મુકશે: ગ્લોબલ વેલ્થ ફંડ સાથે પીએમની રાઉન્ડ ટેબલ બેઠક

૫ દેશોના વડાઓ, ૧૧ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ૨૨ દેશોના પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેશે: ફોરેન ડેલીગેટસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંચ અને ડિનર પણ લેશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતી કાલથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯નો પ્રારંભ થનાર છે. જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. જે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ગુજરાત આવી પહોંચવાના છે. તેઓ આજે ટ્રેડ શોનું પણ ઉદઘાટન કરવાના છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આ વર્ષે અનેકવિધ નવીનતમ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સંદર્ભે રાઉન્ડ ટેબલ બેઠક યોજાવાની છે.

ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે વિશાળ જગ્યામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯નું આવતી કાલથી તા.૨૦ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે અનેક નવીનતમ ઈવેન્ટો પણ યોજાનાર છે. આ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના વરીષ્ઠ સરકારી પ્રતિનિધિઓ તેમજ વૈશ્વીક ભંડોળના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. આ સાથે સમિટમાં ગુજરાત સ્પ્રીન્ટ, આફ્રિકા ડે, મેગા ટ્રેડ શો અને બાયરસેલર મીટ, મેક ઈન ઈન્ડિયાની સાફલ્ય ગાથા વર્ણાવતું પ્રદર્શન, ૨૦ કન્ટ્રી સેમીનાર અને ૭ સ્ટેટ સેમિનાર, દુબઈ શોપીંગ ફેસ્ટીવલની જેમ જ અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ, ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, સ્પેસ એકસપ્લોરેશન વિષયક પ્રદર્શન, સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરીંગ એન્ડ મેથેમેટીકસ વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ૪ શહેરોમાં વાઈબ્રન્ટ ગુજરાત યુથ કનેકટ ઈવેન્ટ સહિતની ઈવેન્ટો યોજાશે.

આ સમિટમાં ડેન માર્ક, ચેક ઉઝબેકિસ્તાન, માર્ટા, રવાડા સહિતના પાંચ દેશોના વડાઓ ભાગ લેશે. આ તમામ વડાઓ આવતીકાલે વડાપ્રધાન સાથે ડિનર પણ લેશે. સમિટની નવમી આવૃતિમાં ૧૫ દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બન્યા છે.

જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક ડેન માર્ક, ફ્રાંસ, જાપાન, મોરકકો, નોર્વે પોલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓફ કોરીયા, થાઈલેન્ડ, નેધરલેન્ડર્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૧ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ સમિટમાં સહભાગી બનવાની છે. જેમાં ધી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સીલ, કેનેડા ઈન્ડિયા ફેડરેશન, કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલ, ઈન્ડો ચાઈના મેમ્બર ઓફ કોમર્સ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, જાપાન એકસર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, ધી નેધરલેન્ડ ઈન્ડિયા મેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ, યુએઈ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સીલ, યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સીલ અને યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજી પાર્ટનરશીપ ફોરમ જેવી સંસ્થાઓ વાઈબ્રન્ટ સમિટમાં ભાગીદાર બનશે.

આ ઉપરાંત ખાસ આકર્ષણ એવા દુબઈ શોપીંગ ફેસ્ટીવલની જેમ જ આજથી ૨૮મી સુધી અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી ભારે મેદની એકત્રિત થવા પામી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯નું આવતી કાલે ઉદઘાટન થવાનું છે. જે સંદર્ભે તેઓ આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે બપોરે ૧:૫૫ કલાકે તેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે બાદમાં તેઓ ૨:૨૫ કલાકે સેકટર-૧૭માં ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. ૩:૩૦ સુધી તેઓ ટ્રેડ-શોમાં સ્ટોલની રૂબરૂ મુલાકાત પણ લેશે. બાદમાં વડાપ્રધાન મોદી ૩:૩૫ કલાકે બાય રોડ અમદાવાદ જવા રવાના થશે. ૪:૦૦ કલાકે નવનિર્મિત વી.એસ.હોસ્પિટલનું તેઓ ઉદઘાટન કરશે.

૫:૧૫ કલાક સુધી તેઓ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે બાદમાં ૫:૩૦ કલાકે અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું તેઓ ઉદઘાટન કરશે. ૬:૩૦ કલાક સુધી તેઓ વેપારીઓ અને ગ્રાહકોને સંબોધન કરશે. ૬:૩૫ કલાકે રોડ માર્ગેથી ગાંધીનગર જવા માટે રવાના થયા બાદ ૭:૦૦ કલાકે મહાત્મા મંદિરમાં પૂર્વ તૈયારીની સમીક્ષા હાથ ધરશે.

૯:૦૦ કલાકે સી.એમ તેમજ સેક્રેટરીઓ સાથે બેઠક યોજશે. ૯:૦૫ કલાકે રાજભવન રવાના થઈને ત્યાં રાત્રી રોકાણ કરશે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૮:૩૦ કલાકે ફોરેન ડેલીગેટસ સાથે વિચાર-વિમર્શ કરશે. ૧૦:૦૦ કલાકે વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે. ૧:૩૦ કલાકે ડેલીગેટસ સાથે તેઓ લંચ કર્યા બાદ ૨:૩૦ કલાકથી તેઓ ડેલીગેટસ સાથે વન-ટુ-વન બેઠક યોજશે. ૫:૩૦ થી ૬:૩૦ સુધી વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. ૬:૪૦ કલાકથી તેઓ દાંડીકુટી ખાતે લેસર લાઈટ એન્ડ સાઉન્ડ-શો નિહાળશે. ૭:૩૦ કલાકથી તેઓ ડેલીગેટસ સાથે ડિનર યોજશે. બાદમાં ૮:૩૦ કલાકે દાંડીકુટીથી રાજભવન જઈને ત્યાં રાત્રી રોકાણ કરશે. બાદમાં ૧૯મીએ સેલવાસમાં મેડિકલ કોલેજનું ઉદઘાટન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.