Abtak Media Google News

સરકારે હાલની ખરીફ સીઝન માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કર્યા બાદ કઠોળના ભાવમાં ૧થી ૮ ટકા સુધી વધારો થયો છે. ટ્રેડર્સ અને એનાલિસ્ટ્રસ માને છે કે કઠોળના ભાવ હજુ પણ વધશે.

અત્યારે મોટા ભાગના કઠોળ એમએસપીથી નીચે વેચાય છે. તેઓ કહે છે કે પાકના એકરેજમાં ઘટાડો થવાથી અને કઠોળની વધતી માંગના કારણે પણ ભાવ હજુ ઊંચકાશે. એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વીપી રિસર્ચ, કોમોડિટી અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, ‘દિલ્હી સ્પોટ માર્કેટમાં મસૂરની દાળના ભાવ ૭.૪ ટકા વધીને રૂ.૪,૩૫૦ પ્રતિ કિવન્ટલ થયો છે.

ચણાનો ભાવ ચાર ટકા વધીને રૂ.૬,૨૦૦ થયો છે. એમએસપીની જાહેરાત થયા પછી એક સપ્તાહની અંદર જ આટલો ભાવ વધ્યો છે.’ તેમણે જણાવ્યું કે અડદ અને તુવેરનો ભાવ પણ એક ટકા વધીને અનુક્રમે રૂ.૪,૯૨૫ અને રૂ.૫,૬૫૦ પ્રતિ કિવન્ટલ થયો છે.

કઠોળ મોંઘા થવા પાછળનું એક કારણ આગામી તહેવારો અગાઉ વધેલી માંગ પણ છે. કઠોળનો વપરાશ વધ્યો છે. પરંતુ તેની આયાત પર નિયંત્રણ છે તેમ એડલવાઇઝ એગ્રી સર્વિસિસ એન્ડ ક્રેડિટના વડા પ્રેરણા દેસાઇએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અડદ અને મગના વાવેતરમાં ઘટાડો થયો હોવાના કારણે તેના ભાવ હજુ વધશે.સરકારના ડેટા પ્રમાણે કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૦ ટકા ઘટીને ૨૭.૫૧ લાખ હેઠકટર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.