Abtak Media Google News

ઉઘોગોના ઇશારે દબાણ હટાવાયાનો આક્ષેપ

તાલુકામાં કંપનીઓ અને અન્ય દબાણો શા માટે હટાવાતા નથી? તેને પણ હટાવવા માંગ

રાત્રે નોટિસ આપી ને સવારે દબાણ હટાવવા પહોંચી ગયા: એડવોકેટ પરમારનો આક્રોશ

રાજુલાના વહીવટી તંત્રે રામપરા-ર ની સર્વે નં. ૧૦૩ ની જમીનમાંથી દબાણ હટાવ્યું હતું  સરકારી તંત્રે ઉઘોગોના ઇશારે આ દબાણો હટાવ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. રાજુલામાં ખુબ જ મોટા પ્રમાણમાં ગૌચર, સરકારી પડતર જમીનોમાં દબાણ છે અને હાઇ-વે તથા ઘણા બધા ગામોમાં દબાણો હોવા અંગે અવાર નવાર રજુઆતો થાય છે અને કેટ કેટલીય કંપનીઓ દ્વારા ગૌચર સરકારી પડતર જમીનો ઉપર સરકારી તંત્રની મીઠી નજર હેઠળ દબાણ કરેલ છે? જો તેવું ન હોય તો આવા દબાણો દુર શા માટે નથી થતાં? તેવા સવાલ લોકોમાંથી પુછાઇ રહ્યો છે.

રાજુલાના રામપરા-ર ગામે ૬૭ હેકટર જેટલી જમીનમાં પીપવાવ પોર્ટ દ્વારા દબાણ કરવામાં આવેલ જેની સામે હાઇકોર્ટમાં ગ્રામ પંચાયત પીપાવાવ પોર્ટ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમાધાન કરીને ગ્રામ પંચાયત પાસે સત્તા નહી હોવા છતાં ભાડા પટ્ટે આપી દેવામાં આવેલ. એસસીએ નં. ૩૦૧૬ માં પક્ષકારોમાં સરકાર, કલેકટર  અમરેલી જીલ્લા વિકાસ અધિકારી વિગેરે પણ પક્ષકારો હોવા છતાં આ સમાધાનમાં કોઇએ વાંધો ન ઉઠાવ્યો અને ગ્રામ પંચાયતને રખેવાળી કરવા આપેલ ગૌચરની જમીન ભાડા પટ્ટે આપી દેવામાં આવી હતી. જીજ્ઞેશભાઇ  એમ. પટેલ (ડીરેકટર રાજુલા તાલુકા સહકારી સંઘ લી. રાજુલા) એ પરચુરણ કેસ નં. ૦૪/૧૯ થી રાજુલા નાયબ કલેકટર રાજુલાની કોર્ટમાં કેસ દાખલ કર્યો જેના હુકમ રપમી નવેમ્બર ૨૦૧૯ના કર્યો હાલ જેમાં એ.પી.ઓ. ટર્મીનલ પીપાવાવ પોર્ટને ભાડા પટ્ટાથી ફાળવવામાં આવેલ જમીન પૈકી અન્ય કંપની- પાર્ટીઓને સબલીઝ-  ભાડાપટ્ટાથી ઉંચા દરે ફાળવી ખુબ જ મોટા પ્રમાણમાં પીપાવાવ પોર્ટ દ્વારા નાણાકીય ફાયદો મેળવેલ હોવાનું તથા ગૌચરની જમીન સંબંધે પીપાવાવ પોર્ટ તથા ગ્રામ પંચાયત રામપરા-ર દ્વારા સમાધાન કર્યુ છે. તે સરકારની પ્રવર્તમાન ગૌચરનીતી વિરુઘ્ધ હોવાનું સ્પષ્ટ થાય છે.

રામપરા-ર ની સર્વે નં.૪ર ની ગૌચરની જમીન માપણીશીટમાં દર્શાવેલ વિગત મુજબ દબાણ કરેલ હોવાનું સ્પષ્ટ થતું હોય ગૌચરની જમીનમાં દબાણ ખુલ્લુ કરવા તેમજ ગૌચરની જમીનના દબાણ બાબતે જે તે સમયના ગ્રામ પંચાયત રામપરા-ર ના અધિકારી સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા પીપાવાવ પોર્ટ સાથે દબાણ અંગે કરવામાં આવેલ સમાધાન અનઅધિકૃત હોય તેઓની સામે રાજુલા તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરવા તેમજ આ અંગેનલ અહેવાલ દિન-૧પમાં રજુ કરવા રાજુલા નાયબ કલેકટરે જણાવ્યું હતું  સીએસઆર ફંડ માં કરેલ ઉપયોગના આધાર પુરાવા રજુ કરવા જણાવેલું હતું. જેની સામે પીપાવાવ પોર્ટ હાઇકોર્ટમાં ગયેલ છે. અને હાલમાં તે પેન્ડીંગ છે. પરંતુ આટલા બધો સમયથી દબાણ હોવા છતાં તંત્ર શા માટે કાર્યવાહી નથી કરતું તેવા સવાલો લોકોમાંથી પુછાઇ રહ્યા છે.

જયારે બીજી બાજુ રામપરા-ર ગામની સર્વે નં. ૧૦૯ ની જમીન જે સીલીંગ એકટની જમીન છે. જેમાં છેક સુપ્રિમ કોર્ટ સુધી મામલો પહોંચેલ આ કેસમાં છેલ્લે સુપ્રિમ કોર્ટ દ્વારા આ જમીનના બદલે બીજી જમીન આપવા અંગેનો હુકમ થયેલ હોવાનું એડવોકેટ નવચેતન પરમાર દ્વારા નાયબ કલેકટર રૂબરૂ જણાવેલ છે. તેમજ તેઓએ કબજો સંભાળવા આવેલા નાયબ કલેકટરને અને મામલતદારને જણાવેલ છે. કે બોમ્બે લેનડ રેવન્યુ કોડની કલમ ર૦ર મુજબ ની જે નોટીસ આપેલ છે જે મુજબ ૧૯૫, ૧૯૭ મુજબ નોટીસ કાઢવી જોઇએ અને સંક્ષિપ્ત કાર્યવાહીમાં અમોને સાંભળવા જોઇએ ત્યારબાદ કાર્યવાહી કરવી જોઇએ. જેના બદલે અમોને રાત્રે નોટીસ આપીને અત્યારે કબજો સંભાળવા મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ લઇને આવેલા છો જે ગેર બંધારણીય છે. તેમ છતાં આપને કબજો સંભાળવો હોય તો અમોને ડીટેઇન કરો ત્યારબાદ જ કબજો સંભાળો.

નવચેતન પરમારે એવી પણ નાયબ કલેકટર અને મામલતદારને દલીલ કરેલ કે, આ જમીનના બદલામાં જે જમીન આપવાની છે. તેમાં મસમોટા ખાડાઓ છે. અને પીપાવાવ પોર્ટ દ્વારા ગૌચરનું દબાણ પણ કર્યુ છે. તેની સામે શા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી

જયારે આ અંગે મામલતદારને પુછતા તેઓએ જણાવેલ છે કે આ અંગે સુપ્રિમ કોર્ટ અને નીચેની કોર્ટમાં માયાવાલા અને દલિતો જે સર્વે નં. ૧૦૯ માં હતા તે કેસ હારી ગયા છે અને ગેર કાયદેસર રીતે કબ્જો ધરાવતા હોવાથી દબાણો દુર કરીને કબજો સંભાળ્યો છે. લોકોમાંથી એવો પ્રશ્ર્ન પણ ઉ૫સ્થિત થયેલા છે કે આ દબાણો દુર થાય છે તો બીજા દબાણો શા માટે દુર કરવામાં આવતા નથી જેથી લોકોમાંથી એવી માંગ ઉઠી છે. રાજુલા તાલુકા કંપનીઓના અને અન્ય દબાણો પણ તાત્કાલીક હટાવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.