Abtak Media Google News

આર્ટ ગેલેરી ખાતે શુક્રવારથી કલા પ્રદર્શનનો પ્રારંભ: જુહીબેન વરિષ્ઠ ચિત્રકાર બળવંત જોશી પાસેથી તાલિમ લઈ રહ્યા છે

રાજકોટના નામી કવિ અને સ્વાતંત્ર સેનાની સ્વ.જયંતભાઈ પલાણના પૌત્રી જુહીબેન પલાણનું આગામી તા.૮/૯/૧૦ ફેબ્રુઆરીના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે કલા પ્રદર્શન યોજવામાં આવેલું છે. એમ.એ.વિથ ઈંગ્લીશ લીટરેચરની ડિગ્રી ધરાવતા જુહીબેન એસ.એન.કે.શાળામાં આઈ.બી.બોર્ડમાં થિયરી ઓફ નોલેજના શિક્ષિકા રહી ચુકયા છે. નાનપણથી જ કલા તથા સંગીતમાં રૂચિ ધરાવતા જુહીબેન હાલ રાજકોટના સુપ્રસિઘ્ધ વરિષ્ઠ ચિત્રકાર બળવંતભાઈ જોશી પાસે કલાની તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ખુબ સારા કેલીગ્રાફર પણ છે અને વાંચવા-લખવાનો પણ શોખ ધરાવે છે.

પોતાના દાદાની જેમ જ વસંત ઋતુ જુહીબેનને અતિપ્રિય હોવાથી તેમનું પહેલું કલા પ્રદર્શન વસંત પંચમીના પાવન અવસરે આયોજવામાં આવ્યું છે. પ્રદર્શનના નામ વિશે તેઓ જણાવે છે કે આમ તો કેસુડા જેવા અને ફુલો વસંતમાં ફોરમતા હોય છે પણ એ બધામાં ગુલમહોરનું પુષ્પ તેમને મન સૌથી સુંદર છે. આ ઉપરાંત દાદા જયંતભાઈ પલાણના પહેલા કાવ્ય સંગ્રહનું નામ પણ ગુલમહોર જ હતું.

ગુલમહોર નામના આ પ્રદર્શનમાં કુલ ૫૧ ચિત્રો રજુ થશે. જે બે અલગ-અલગ શૈલીઓમાં તૈયાર કરવામાં આવ્યા છે. પોતાના કલાગુરુ પાસેથી શીખેલી ઈન્ડિયન ટ્રેડીશ્નલ આર્ટની શૈલી ઉપરાંત બૌદ્ધ મંડલા કલા શૈલીથી પ્રેરિત થઈ તેમાં જીયોમેટીકસ પેટનર્સ અને સીમીટ્રીનો ઉપયોગ કરી મોર્ડન મનડાલ્સની શ્રેણી રજુ થશે. પ્રદર્શનનું ઉદઘાટન બળવંતભાઈ જોશીના હસ્તે થશે. પ્રદર્શનનો સમય તા.૮/૨/૨૦૧૯ના રોજ બપોરે ૪ થી રાત્રે ૮ તેમજ તા.૯ તથા તા.૧૦ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.