Abtak Media Google News

૬ નવેમ્બરથી ૧૨ નવેમ્બર દરમિયાન યોજાનાર આ મહોત્સવ અંતર્ગત ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગ તથા જમવા ઉતારા વ્યવસ્થાની તૈયારીઓ શરૂ

જ્યાં ભગવાન  સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે તીર્થધામ વડતાલ ખાતે, આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, તા.૬-૧૧-૨૦૧૯ થી ૧૨-૧૧-૨૦૧૯ દરમ્યાન પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને તેમજ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રસાદદાસજી, કોઠારી  ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ સભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, કુંડલવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી, મુનિવલ્લભદાસજી સ્વામી, શ્યામ સ્વામી વગેરે સંતો તથા બોર્ડના સભ્યોના માર્ગદર્શન નીચે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તૈયારી થઇ રહી છે ત્યારે હાલ પ૦૦૦ ઉપરાંત સ્વયંસેવકો ઉતારા વિભાગ, પ્રદર્શન વિભાગ વગેરેમાં સેવા આપી રહ્યા છે.

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સાતેય દિવસ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામા આવેલ છે. જેની તમામ જવાબદારી SGVP ગુરુકુલના પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામીના માર્ગદર્શન નીચે ગોવિંદભાઇ બારસિયા, જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા, શામજીભાઇ પટેલ વગેરે હરિભકતો સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યજ્ઞનો ધુમાડો ચિકન ગુનિયા, ઓરી, અછબડા, વાયરલ, ફિવર, શરદી ઉધરસ જેવી બિમારીઓ સામે પ્રતિકારશક્તિ વધારે છે.તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે. ૨૦૦ ઉપરાંત હરિભકતોને સજોડે યજ્ઞમાં બેસી લાભ લેશે.

યજ્ઞમાં અસલ ગીર ગાયોનું૭૫ ડબ્બા ઘી, ૧૨૦૦ કિલો ડાંગર, ૪૦૦ કિલો જવ, ૨૦૦ કિલો તલની આહુતિ આપવામાં આવશે. તેમજ સમિધ માટે ખીજડો, ખાખરો, ખેર, પીપળો વગેરે કાષ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિધિ માટે ૨૦૦ યજ્ઞ કુંડમાં ૨૦૦ વિપ્રો, ૨૦૦ ઋષિકુમારો અને યજ્ઞ શાળામાં ૧૦૦૦ સ્વયં સેવકો ખડે પગે સેવા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.